કાલબાદેવીના કાપડબજારથી ધમધમતા વિસ્તારમાં મકાનનો ભાગ તૂટી પડ્યો

01 July, 2022 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે એ ખાલી કરાવાયું હોવાથી અને એનું સમારકામ ચાલતું હોવાથી કોઈ જાનહાનિ નહીં

કાલબાદેવીની બદામવાડીમાં ખાલી કરાવવામાં આવેલા બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. (તસવીર : અતુલ કાંબળે)

કાલબાદેવીની બદામવાડીમાં આવેલા ગ્રા‍ઉન્ડ પ્લસ ચાર માળના ૩૩૯/૩૪૧ જાલન ભવનનો એક ભાગ ગઈ કાલે બપોરે ૨.૦૭ વાગ્યે તૂટી પડ્યો હતો. મ્હાડા હેઠળ આવતું આ મકાન જૂનું અને જર્જરિત થઈ ગયું હોવાથી ખાલી કરાવાયું હતું અને હાલ એનું સમારકામ ચાલી રહ્યું હતું એટલે એની આગળ વાંસનો માંચડો પણ બાંધવામાં આવ્યો હતો. મકાનમાં કોઈ રહેતું ન હોવાથી એ તૂટી પડ્યું ત્યારે કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈના ગંભીર રીતે ઘાયલ થવાના અહેવાલ નથી.

મકાન તૂટી પડ્યું ત્યારે ત્યાં ચાલી રહેલા કામ પર નજર રાખવા સુધરાઈના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી ડિપાર્ટમેન્ટના જુનિયર એન્જિનિયર ખાન પણ ત્યાં હાજર હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનાં ફાયર એન્જિન ત્યાં ધસી ગયાં હતાં.

કાલબાદેવીનો કાપડબજારનો એ ધમધમતો વિસ્તાર હતો. થોડી વાર માટે ત્યાં ટ્રાફિક રોકી દેવાયો હતો. જોકે એ પછી તૂટેલા મકાનની આગળનો થોડો ભાગ કૉર્ડન કરી લેવાયો હતો અને ધીમે-ધીમે બન્ને તરફનો ટ્રાફિક ચાલુ કરાયો હતો. સાયનમાં ગુરુ નાનક સ્કૂલની પાછળ ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના મકાનનો કેટલોક ભાગ ગઈ કાલે સાંજે તૂટી પડ્યો હતો. એ મકાન પણ ખાલી કરાવાયેલું હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈના ઘાયલ થયાના પણ અહેવાલ નથી.

મકાન પડ્યાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.

mumbai mumbai news kalbadevi