ડેન્ગીના મચ્છરો મારવા સુધરાઈ હલકી ગુણવત્તાનું તેલ વાપરી રહી છે?

08 November, 2014 05:15 AM IST  | 

ડેન્ગીના મચ્છરો મારવા સુધરાઈ હલકી ગુણવત્તાનું તેલ વાપરી રહી છે?


લક્ષ્મણ સિંહ

મુંબઈમાં ડેન્ગીના કેસ વધી રહ્યા છે ત્યારે એક તરફ સુધરાઈ અને રાજ્ય સરકાર આ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અને કેસો ઓછા થાય એ માટે પ્રયત્નશીલ છે, પણ આટલા વધારે કેસ થવાનું કારણ સુધરાઈની લાપરવાહી છે. ડેન્ગીના મચ્છરો મારવા માટે સુધરાઈ ખાસ પ્રકારના ઑઇલ અને ડીઝલનું મિશ્રણ કરીને ધુમાડો કરાવે છે અને એનાથી મચ્છરો મરે છે. જોકે ‘મિડ-ડે’એ કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે સુધરાઈ આ માટે જે ઑઇલ વાપરે છે એની ગુણવત્તા હલકી છે અને તેથી મચ્છરો મરતા નથી. જે કંપની આ કેમિકલ મોકલે છે એને ગયા વર્ષે ૬૮ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને એ છતાં સુધરાઈ હજી પણ એ જ કંપની પાસેથી પ્રોડક્ટ ખરીદે છે. એથી આ આખી કવાયત ફારસ સાબિત થાય છે અને મુંબઈગરાના જીવ જોખમમાં મુકાય છે.

કયું છે કેમિકલ?

મચ્છરો મારવા માટે જે કેમિકલ ઑઇલ વાપરવામાં આïવે છે એનું નામ પાયરેથþમ એક્સટ્રૅક્ટ ૨%  છે. ચાર લિટરના આ કેમિકલમાં ૨૦૦ મિલીલિટર ડીઝલ ભેળવવામાં આવે છે અને જ્યાં મચ્છરો થતા હોય ત્યાં ધુમાડો કરવામાં આવે છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સુધરાઈએ બે વર્ષ માટે ૨.૭૫ લાખ લિટર આ કેમિકલ સપ્લાય કરવા માટે નિટાપોલ ઇન્ડસ્ટ્રીઝને ૨૬ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. યુનિવર્સલ ઑર્ગેનિક્સ નામની કંપનીએ આ પ્રોડક્ટ સુધરાઈને સપ્લાય કરી હતી. સુધરાઈને ૧.૦૫ લાખ લિટર કેમિકલ મળી ગયું છે.

થયો હતો દંડ

નિટાપોલ કંપનીને ૨૦૧૩ના જૂન મહિનામાં હલકી ક્વૉલિટીનું તેલ સપ્લાય કરવા માટે ૬૮ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આમ છતાં સુધરાઈના હેલ્થ ડિપાર્ટમેન્ટે આ કંપનીની પ્રોડક્ટ ધુમાડો કરવા માટે વાપરવાનું ચાલુ રાખ્યું હતું. આ સંદર્ભમાં નગરસેવક મનોજ કોટકે આરોપ લગાવ્યો હતો કે ‘પુણે અને સુરતમાં ક્વૉલિટી-ટેસ્ટમાં નાપાસ થતાં ત્યાંની સુધરાઈએ આ કંપની પર પ્રતિબંધ મૂક્યો હતો અને ૨૦૧૧માં મધ્ય પ્રદેશની સરકારે એવું કહ્યું હતું કે જરૂરી સ્ટૅન્ડર્ડનું ઑઇલ સપ્લાય કરવા માટે કંપનીની કૅપેસિટી નથી. આના કારણે ડેન્ગી હટાવવાના સુધરાઈના પ્રયાસોને ભારે અસર પડી છે અને ડેન્ગીના કેસ વધી રહ્યા છે. આ કંપનીએ સપ્લાય કરેલા કેમિકલને સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ લૅબોરેટરીમાં મોકલવું જોઈએ અને આ માટે જે કોઈ પણ જવાબદાર હોય તેને સજા થવી જોઈએ.’નવાઈની વાત એ છે કે ગવર્નમેન્ટ સપ્લાયર તરીકે કામ કરવા માટે નિટાપોલ પાસે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ ઍન્ડ એક્સપ્લોસિવ સેફ્ટી ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ હોવું જોઈએ એ પણ નથી. વળી મહારાષ્ટ્ર સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટનું પણ લાઇસન્સ નથી.

સુધરાઈ શું કહે છે?

આ વિવાદ વિશે બોલતાં સુધરાઈના પેસ્ટિસાઇડ ડિપાર્ટમેન્ટના ચીફ રાજન નારિંગરેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૩ના જૂન મહિનામાં આ કંપનીનું ઑઇલ હલકી ક્વૉલિટીનું હોવાથી અમે એને ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે કંપનીએ એ સમયે તેલ રિપ્લેસ કરી દીધું હતું. એ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફરી અમે ઑઇલ મેળવ્યું હતું અને એ ટેસ્ટમાં પાસ થયું હતું. એ તેલ અમે વાપરીએ છીએ. આમ તેલમાં કોઈ પ્રૉબ્લેમ નથી.’બીજી તરફ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સંજય દેશમુખે કહ્યું હતું કે ‘મારે આ કેસમાં તપાસ કરવી પડશે, કારણ કે આ વિશે મને ખબર નથી. તપાસ પછી જ ખબર પડશે કે ક્યાં ખોટું થયું છે? ’

ડેન્ગીમાં મૃત્યુઆંક ૨૭

રાજ્યમાં ડેન્ગીથી થયેલાં મૃત્યુનો આંક ૨૭ થયો છે, જેમાં મુંબઈમાં ૧૧ અને પુણેમાં સાત લોકોએ જાન ગુમાવ્યા છે. સુધરાઈ સંચાલિત ધ્ચ્પ્ હૉસ્પિટલમાં વધુ બે ડૉક્ટરોને પણ ડેન્ગી થતાં કુલ પાંચ ડૉક્ટરોને ડેન્ગી થયો છે. ભાયખલા, ચેમ્બુર અને અંધેરી ડેન્ગી માટે સૌથી મોટા ડેન્જર ઝોન બન્યા છે.