મિડ-ડેના ઇમ્પેક્ટ : નિરાધાર માતાને મદદનો ધોધ

10 November, 2011 03:52 PM IST  | 

મિડ-ડેના ઇમ્પેક્ટ : નિરાધાર માતાને મદદનો ધોધ



૭૮ વર્ષનાં તારાબહેન તુલસીદાસ પલીચાને શ્રીમંત દીકરાએ તરછોડી દીધા હોવાના ‘મિડ-ડે’માં ગઈ કાલે અહેવાલ આવ્યા બાદ તેમને મદદ કરવાની તૈયારી દર્શાવતા અનેક ફોન આવ્યા હતા, પણ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે આ વૃદ્ધાના પુત્ર કે તેના નજીકનાં સગાંમાંથી કોઈનો ફોન નહીં આવતાં ગાંઠના પૈસે આ વૃદ્ધાની સારવાર કરી રહેલા યુવકોએ ભારે ખેદ વ્યક્ત કર્યો હતો.

કલ્યાણ રેલવે-સ્ટેશન પરથી પોતાના ઘરે લઈ જનારા અને ત્યાર બાદ હૉસ્પિટલમાં લઈ જનારા ગુજરાતી યુવકોના ગ્રુપમાંના એક ભાવેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે ‘મિડ-ડે’માં અહેવાલ આવ્યા બાદ તારામાસીને આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવતા અનેક ફોન આવ્યા હતા. અનેક લોકોએ એસએમએસથી અમારા કામને બિરદાવ્યું, પણ અમે જેની આતુરતાથી રાહ જોતા હતા તે તારાબહેનના પુત્ર કે સંબંધીમાંથી કોઈએ તારામાસીની તબિયત વિશે જાણવાનો પ્રયાસ નથી કર્યો એનું અમને ભારે દુ:ખ છે. અમને હતું કે ઍટલીસ્ટ પેપરમાં આવ્યા બાદ શરમના માર્યા તો તેમના પરિવારમાંથી કોઈ મદદ કરવા નહીં પણ તેમની ખબર કાઢવા આવશે, પણ એવું થયું નહીં. જોકે અમને એનાથી કોઈ ફરક નથી પડતો. તારામાસીની જવાબદારી અમારી છે અને અમે એ સારી રીતે પાર પાડીએ છીએ, જેમાં વાચકોએ પણ ઘણો સહકાર આપ્યો છે એ બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.’

ગુજરાતી યુવકોમાંના એક ભાવેશ દેસાઈએ કહ્યું હતું કે ‘જેમની સાથે તારાબહેનનો કોઈ સંબંધ નથી તેમણે પણ આર્થિક મદદની તૈયારી દર્શાવી છે એટલું જ નહીં, ઑપરેશનના ખર્ચ બાદ તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવાથી લઈને તેમની તમામ જવાબદારી લેવા પણ અનેક લોકો આગળ આવ્યા છે. કલ્યાણ રામાયણ જ્ઞાનયજ્ઞ સમિતિ અને ઘાટકોપર ભાટિયા સમાજ તરફથી તેમના ટ્રસ્ટી સહિત અનેક લોકોએ તમામ સહકાર આપવાનું વચન આપ્યું છે.’

શું થયું હતું?

છેલ્લા દસેક મહિનાથી ભાટિયા જ્ઞાતિનાં તારાબહેન તુલસીદાસ પલીચા કલ્યાણ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ભિખારીની માફક દયનીય અવસ્થામાં જીવતાં હતાં. કાલબાદેવીમાં આવેલી એચપીડી (હંસરાજ પ્રાગજી ઠાકર) સ્કૂલમાં તેઓ ટીચર હતાં. તેમને બે દીકરા હરેન્દ્ર, જયેન્દ્ર અને પુત્રી રોહિણી હતા. મોટો દીકરો લગ્ન બાદ અલગ થઈ ગયા બાદ આજ સુધી તેણે માની ખબર નથી કાઢી, જ્યારે જયેન્દ્ર ટ્રેન-ઍક્સિડન્ટમાં મરી ગયો અને રોહિણીનો હસબન્ડ ગુજરી જતાં તે માનસિક સંતુલન ગુમાવી ચૂકી હતી અને પછી તે પણ મૃત્યુ પામી હતી. કાલબાદેવીથી ટિટવાલા જઈને ભાડાના મકાનમાં રહેનારાં તારાબહેન ભાડું ચૂકવી નહીં શકતાં મકાનમાલિકે તેમને ઘરની બહાર કાઢી મૂક્યાં અને છેલ્લા દસેક મહિનાથી તેઓ પ્લૅટફૉર્મ પર રહેતાં હતાં. એક દિવસ કચરાના ડબ્બા પાસે તેઓ ભયાનક અવસ્થામાં આ ગુજરાતી યુવકને મળી આવ્યાં હતાં.