છોરું કછોરું થયું, પરંતુ માવતર કમાવતર ન થયું

09 November, 2011 08:37 PM IST  | 

છોરું કછોરું થયું, પરંતુ માવતર કમાવતર ન થયું



આજકાલ મા-બાપને તરછોડી દેવાનું ચલણ વધી ગયું છે અને એવા ઘણા કિસ્સા સમાજમાં રોજ બનતા હોય છે. કલ્યાણમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે જેમાં શ્રીમંત દીકરાએ પોતાની સગી જનેતાને તરછોડી દીધી, પણ એક ગુજરાતી યુવાન પોતાના મિત્રો સાથે મળીને ૭૮ વર્ષનાં આ વૃદ્ધાને નિ:સ્વાર્થભાવે પોતાના ઘરે લઈ ગયો અને હવે આ તમામ મિત્રો ગાંઠના પૈસા ખરચીને તેમની મદદ કરી રહ્યા છે.

છેલ્લા દસેક મહિનાથી કલ્યાણ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ભિખારીની માફક દયનીય અવસ્થામાં જીવી રહેલાં ભાટિયા જ્ઞાતિનાં તારાબહેન તુલસીદાસ પલીચાને પોતાના ઘરે લઈ જનારા યુવાન વેપારી ભાવેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે-સ્ટેશન પાસે આવેલી શ્રીદેવી નામની હૉસ્પિટલમાં તમામ મિત્રોએ મળીને તેમને ઍડ્મિટ કયાર઼્ છે. મચ્છરો, જીવડાંઓ અને ઉંદરડાઓએ તેમનો કાન કરડી નાખ્યો હતો અને કાનની પાછળ પસ ભરાઈ ગયું હતું એટલે આઠ દિવસમાં કાનનાં બે ઑપરેશન થઈ ગયાં છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેઓ મરતાં-મરતાં બચ્યાં છે. તેમની સાથે આટલુંબધું થયું હોવા છતાં તેઓ પોતાના દીકરા વિશે એક અક્ષર પણ ખરાબ બોલવા તૈયાર નથી અને જે થયું એ માટે પોતાના નસીબને જવાબદાર માને છે.’

મદદ નહોતાં લેતાં

કચરાના ડબ્બા પાસે દયનીય હાલતમાં પડેલાં તારાબહેનને પોતાના ઘરે લઈ જનારા ફાર્મસિસ્ટ ભાવેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો મિત્ર નરેન્દ્ર ગોહેલ છેલ્લા દોઢેક મહિનાથી તેમને જોતો અને મદદ કરવાની કોશિશ કરતો હતો, પણ તેઓ મદદ નહોતાં લેતાં. નરેન્દ્રે અમને કહ્યું હતું કે એક ગુજરાતી માસી સ્ટેશન પર છે અને કોઈની મદદ લેતાં નથી. પછી એક દિવસ નરેન્દ્રે તેમને સ્ટેશનની બહાર કચરાપેટી પાસે જોયાં અને તરત અમને જણાવ્યું એટલે બીજા દિવસે ૨૩ ઑક્ટોબરની સવારે અમે તેમને જોવા ગયા તો તેઓ કચરાના ડબ્બા પાસે મને કોઈ છાંયડામાં લઈ જાઓ એમ કહીને મદદ માગી રહ્યાં હતાં, પણ કોઈ આગળ નહોતું આવતું. અમે કંઈ

ખાવું-પીવું છે એમ પૂછ્યું તો તેમણે ના પાડી. ડૉક્ટર પાસે જવું છે એમ પૂછ્યું તો એની પણ ના પાડી. એટલે મેં તેમને માસી, તમારે નહાવું છે એવું પૂછ્યું તો તેમની આંખોમાં ચમક આવી ગઈ અને હા પાડી. એટલે અમે તેમને મારા ઘરે લઈ ગયા હતા.’

ભાડું ન ભરતાં રસ્તા પર

ઘરે આવ્યાં એના ચારેક દિવસમાં મારી મમ્મી સાથે તેઓ ભળી ગયાં હતાં અને પોતાના વિશે થોડું-થોડું બોલતાં એવું જણાવતાં ભાવેશ મહેતાએ કહ્યું હતું કે ‘તારામાસી કાલબાદેવીમાં એચપીટી (હંસરાજ પ્રાગજી ઠાકરશી)  સ્કૂલમાં ટીચર હતાં. તેમને બે દીકરા હરેન્દ્ર, જયેન્દ્ર અને પુત્રી રોહિણી હતાં. એક દીકરો તેનાં લગ્ન બાદ ઝઘડો કરી તેમને છોડીને પોતાના સાસરિયામાં જતો રહ્યો. ત્યાર બાદ તેઓ કાલબાદેવી છોડીને ટિટવાલા આવી ગયાં હતાં, જ્યાં બીજા દીકરાનું ટ્રેન-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું અને દીકરીનો હસબન્ડ ગુજરી જતાં તે માનસિક સંતુલન ગુમાવી ચૂકી હતી અને પછી તે પણ મૃત્યુ પામી હતી. ટિટવાલામાં ભાડાના મકાનનું ભાડું ન ભરતાં મકાનમાલિકે તેમને કાઢી મૂક્યાં. ત્યારથી તેઓ રસ્તા પર જ હતાં. તેમના દીકરાએ કોઈ દિવસ તેની મા ક્યાં છે એ જાણવાની કોશિશ જ નહોતી કરી. રસ્તા પર આવી જઈને એકલાં થઈ ગયાં હોવા છતાં તારામાસી એટલાં ખુદ્દાર છે કે તેમણે પોતાના દીકરાનો સંપર્ક કરવાની કે તેની મદદ માગવાની કોશિશ પણ કોઈ દિવસ નથી કરી.’

દીકરો વાત કરવા તૈયાર નથી

અમે બહુ પ્રયાસ કર્યા, પણ તેમનો દીકરો વાત કરવા જ તૈયાર નથી એમ જણાવીને તારાબહેનની સંભાળ લેનારા આ યુવકોમાંના એક ભાવેશ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તારા બહેનના પુત્રના સાળાને અમે બહુ ફોન કર્યા, મેસેજ કર્યા કે તે એક વખત આવીને પોતાની માને મળી જાય; પણ તેઓ ફોન પર આવતા નથી અને કોઈ જવાબદારી લેવા પણ તૈયાર નથી. તેમનો દીકરો જો જવાબદારી લેવા ન માગતો હોય તો અમે તારાબહેનને તરછોડી દેવાના નથી. અમે તેમની પૂરેપૂરી જવાબદારી ઉઠાવી રહ્યા છીએ. ઑપરેશનના ૭૦,૦૦૦ રૂપિયાથી વધારે થઈ ગયા છે, પણ એટલા પૈસા પૂરતા નથી. અત્યાર સુધી અમે સાત-આઠ મિત્રોએ ખર્ચ કર્યો છે તેમ જ જેમ-જેમ જે લોકોને ખબર પડી તેમની પાસેથી પૈસા મળતા ગયા. આમ છતાં અમે કોઈની પાસે હાથ ફેલાવવાના નથી. તેમનો દીકરો તેની નૈતિક જવાબદારીથી ભાગી રહ્યો છે, પણ અમે તો તેમની કાળજી રાખવાના છીએ.’

મારો દીકરો જ્યાં હોય ત્યાં ખુશ રહે

કલ્યાણ (વેસ્ટ)માં આવેલી શ્રીદેવી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં તારાબહેન પલીચા સાથે ગઈ કાલે ‘મિડ-ડે’એ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ આટલું થવા છતાં તેઓ દીકરા વિરુદ્ધ એક અક્ષર બોલવા તૈયાર નહોતાં. દીકરાને દોષ આપવાને બદલે મારો દીકરો જ્યાં હોય ત્યાં સુખી અને ખુશ રહે એવું બોલીને તેઓ રડી પડ્યાં હતાં. તેઓ સતત એક વાતનું જ રટણ કરતાં હોય છે કે મારી જિંદગી પૂરી થઈ ગઈ, પણ મારો છોકરો જ્યાં હોય ત્યાં ખુશીથી જીવે છે એટલું જ બસ થયું.

મદદ કરવી છે?

તારાબહેન તુલસીદાસ પલીચાને કોઈ પણ પ્રકારની મદદ કરવાની ઇચ્છા હોય તો ભાવેશ મહેતાને ૯૮૨૦૦ ૪૬૭૫૫, ધીરેન ગોસરને ૯૭૬૯૨૫૯૯૭૭ અથવા ભાવેશ દેસાઈને ૯૭૬૮૧૩૦૭૯૯ નંબર પર ફોન કરી શકાય.

‘મિડ-ડે’ને વચ્ચે ન પડવા કહ્યું

તારાબહેનના પુત્રનો સંપર્ક કરવાનો ‘મિડ-ડે’એ બહુ પ્રયાસ કર્યો હતો, પણ તેમની સાથે વાત થઈ શકી નહોતી એટલું જ નહીં, તેના સાળા સાથે પણ ‘મિડ-ડે’એ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો; પરંતુ તેમણે પણ ‘મિડ-ડે’ને આ મૅટરમાં વચ્ચે નહીં પડવાની સલાહ આપી હતી અને ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધો હતો.

તારાબહેનની ખુદ્દારી

તારાબહેન પલીચા સાથે આટલું થયું અને તેઓ રસ્તા પર આવી ગયાં તો પણ એટલાં ખુદ્દાર છે કે સ્ટેશન પર તેમની આજુબાજુ રહેતા કૂતરાઓને રોજ બિસ્કિટનું એક પૅકેટ લઈને આપતા. હૉસ્ટિપલના ખાટલે બેઠાં-બેઠાં પણ મારા કૂતરાઓને ખાવાનું આપ્યું કે નહીં એમ પૂછતાં રહેતાં હોય છે. રસ્તા પર આવી ગયાં એ પહેલાં તેમને તેમના સમાજમાંથી અનાજ અને અન્ય વસ્તુઓ મળતી હતી એ રસ્તા પર આવી ગયા પછી તેઓ રાંધી શકતાં નહીં એટલે કોઈને દાનમાં આપી દેતાં હતાં.