બાળકો માટે પાર્લમેન્ટમાં ડે કૅર સેન્ટર બનાવો : પૂનમ મહાજન

27 July, 2014 05:42 AM IST  | 

બાળકો માટે પાર્લમેન્ટમાં ડે કૅર સેન્ટર બનાવો : પૂનમ મહાજન



વરુણ સિંહ

લોકસભામાં આ વખતે ૬૧ મહિલાઓ ચૂંટાઈ છે અને તેમાંની ઘણી યંગ, નવી પરણેલી છે અને તેમને નાનાં બાળકો છે. કૉર્પોરેટ ઑફિસોમાં મહિલા કર્મચારીનાં નાનાં બાળકોને સાચવવા માટે ડે કૅર સેન્ટર હોય છે એમ સંસદભવનમાં પણ ડે કૅર સેન્ટર ખોલવામાં આવે એવી માગણી મુંબઈથી ચૂંટાયેલાં BJPની સંસદસભ્ય પૂનમ મહાજને કરી છે. તેમણે સ્પીકર સુમિત્રા મહાજનને પત્ર લખ્યો છે અને આ બાબતે ઘટતું કરવા માગણી કરી છે. આ માગણી વિશે શું થયું એ જાણવા માટે પૂનમ મહાજન બુધવારે સ્પીકરને મળશે.

૧૦૦૦ ચોરસફૂટનું સેન્ટર

હવે તમામ લોકો મહિલા સશક્તીકરણની વાતો કરે છે ત્યારે પાંચ ડઝનથી વધારે સંસદસભ્યો મહિલા હોવાથી આ માગણી વાજબી છે એમ જણાવીને પૂનમ મહાજને કહ્યું હતું કે ‘હું જે ડે કૅર સેન્ટરની માગણી કરું છું એ ઘણી ઑફિસોમાં છે. આ માટે ૧૦૦૦ ચોરસફૂટનો વિસ્તાર ફાળવવામાં આવે. આ સ્થળે અમારાં બાળકો રમી શકે, તેમની દેખભાળ થઈ શકે અને તેઓ અમારી સાથે પણ રહી શકે.’

કર્મચારીઓને પણ લાભ

આ ડે કૅર સેન્ટરમાં માત્ર સંસદસભ્યોના જ નહીં પણ પાર્લમેન્ટ હાઉસમાં કામ કરતી મહિલા કર્મચારીઓનાં બાળકોને પણ રાખી શકાય એવી માગણી છે. પૂનમ મહાજનની દીકરી ૧૫ મહિનાની છે. પૂનમ મહાજને કહ્યું હતું કે ‘જો સંસદભવનમાં ડે કૅર સેન્ટર હોય તો બાળકોની સલામતીની ચિંતા ઓછી થઈ જાય અને અમે અમારા કામ પર પણ ધ્યાન આપી શકીએ. અમે લંચ-બ્રેકમાં તેમને મળી શકીએ. આ સિવાય પાર્લમેન્ટનું કામ પૂરું થાય એટલે અમે તેમની સાથે સમય પણ વિતાવી શકીએ. અમે દિલ્હીમાં એકસાથે એક મહિનો રહેતાં હોઈએ ત્યારે બાળકોની ચિંતા રહે એ સ્વાભાવિક છે. પણ આ સુવિધા ઉપલબ્ધ થાય તો અમે સારું કામ કરી શકીએ. સંસદભવનમાં કામ કરતી મહિલાઓ પણ તેમનાં બાળકોને આ સેન્ટરમાં મૂકી શકે.’