પૂજા ચવાણ કેસ: શિવસેનાના પ્રધાને સીએમને રાજીનામું આપ્યું?

17 February, 2021 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા ચવાણ કેસ: શિવસેનાના પ્રધાને સીએમને રાજીનામું આપ્યું?

પૂજા ચવાણ

પુણેના હડપસર વિસ્તારમાં બાવીસ વર્ષની યુવતીના આપઘાતના કિસ્સામાં મહારાષ્ટ્ર સરકારના પ્રધાનને બચાવવાના પ્રયત્ન સત્તાધારી પક્ષ શિવસેના કરતો હોવાનો આરોપ બીજેપીના નેતા અતુલ ભાતખળકરે મૂક્યો હતો. વિધાનસભ્ય અતુલ ભાતખળકરે જણાવ્યું હતું કે ૮ ફેબ્રુઆરીએ આપઘાત કરનાર યુવતીને રાજ્યના કૅબિનેટ કક્ષાના પ્રધાન સાથે આડો સંબંધ હોવાના આરોપ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં મુકાઈ રહ્યા છે. આ કિસ્સાના અનુસંધાનમાં સંજય રાઠોડે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાંદરાના અંગત નિવાસસ્થાન માતોશ્રી બંગલે રાજીનામું મોકલ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા, પરંતુ મુખ્ય પ્રધાનની કચેરીએ રાજીનામું પ્રાપ્ત થયાનો ઇનકાર કર્યો હતો.

આ કિસ્સાના અનુસંધાનમાં રાજ્યના જંગલ ખાતાના પ્રધાન સંજય રાઠોડે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હોવાનો ઉલ્લેખ કરતાં ભાતખળકરે જણાવ્યું હતું કે ‘એ તો નાટક છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઠોડને પ્રધાનપદેથી હટાવવા જોઈએ, પરંતુ શિવસેના એ કેસમાં સંજય રાઠોડ સામેના બધા પુરાવા નષ્ટ કરવા અને તેમને કાનૂની કાર્યવાહીથી બચાવવા પ્રયત્નશીલ છે. એ યુવતીના આપઘાતના મુદ્દે ઊહાપોહ કરવા બદલ મને ફોન પર ધમકી આપવામાં આવે છે અને મેં એવા ફોન-નંબરની યાદી પણ પોલીસને આપી છે.’

જોકે આ બાબતે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘સંજય રાઠોડે રાજીનામું નથી આપ્યું. આ સમાચાર ખોટા છે. તેઓ પ્રધાન હોવાથી આ બાબતનો નિર્ણય સરકાર લેશે.’

mumbai mumbai news