ભક્તિપાર્કમાં પ્રૉબ્લેમ છે પ્રદૂષિત પાણીનો

18 May, 2022 07:28 AM IST  |  Mumbai | Dipti Singh

પાણીનાં સૅમ્પલ્સને પ્રાઇવેટ લૅબમાં ચકાસવામાં આવતાં એમાં ઈ-કોલાઇ અને કોલિફોર્મ મળી આવ્યાં હતાં. બન્ને બૅક્ટેરિયા માણસ  માટે માટે જોખમી ગણાય છે. વધુમાં પાણીની તીવ્ર ગંધ આવતી હોવાથી આ પાણીને વપરાશ માટે અયોગ્ય જાહેર કરાયું હતું.

બીએમસી દ્વારા પૂરું પાડવામાં આવેલું પાણી કેટલું ગંદું છે એ દેખાડી રહેલો સિક્યૉરિટી ગાર્ડ. શાદાબ ખાન

વડાલાના ભક્તિપાર્ક કૉમ્પ્લેક્સના રહેવાસીઓમાં ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ, પેટનું ઇન્ફેક્શન અને પાણીજન્ય અન્ય બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. સ્થાનિક લોકોએ આ માટે છેલ્લાં કેટલાંક સપ્તાહોથી આવી રહેલા દૂષિત પાણીને જવાબદાર ઠેરવ્યું છે. પાણીનાં સૅમ્પલ્સને પ્રાઇવેટ લૅબમાં ચકાસવામાં આવતાં એમાં ઈ-કોલાઇ અને કોલિફોર્મ મળી આવ્યાં હતાં. બન્ને બૅક્ટેરિયા માણસ  માટે માટે જોખમી ગણાય છે. વધુમાં પાણીની તીવ્ર ગંધ આવતી હોવાથી આ પાણીને વપરાશ માટે અયોગ્ય જાહેર કરાયું હતું.
મ્યુનિસિપલ ઍનલિસ્ટ લૅબોરેટરીના ટેસ્ટ પરિણામ મુજબ ટેસ્ટ કરાયેલાં સૅમ્પલ્સ બીઆઇએસના માપદંડમાં પાર ઊતરતાં નથી એનો ‘એમ’ વેસ્ટ વૉર્ડના આરોગ્ય અધિકારીએ પણ રિપોર્ટનો સ્વીકાર કર્યો હતો. જોકે મુંબઈ કૉર્પોરેશને હજી સુધી રહેવાસીઓને મદદ કરવા માટે પગલાં ભર્યાં નથી. 
ભક્તિપાર્ક એ ૩૫ ટાવરનું રહેણાંક કૉમ્પ્લેક્સ છે અને ત્યાં ૩૦૦૦ પરિવાર વસે છે.
કેટલાક રહેવાસીઓએ નળના પાણીમાં જીવડાં મળી આવ્યાં હોવાની ફરિયાદ કરી હતી, તો અન્યોએ પાણીમાંથી ગટરની દુર્ગંધ આવતી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કૉર્પોરેશન પર લાપરવાહીનો અને બિલ્ડર પર સંકુલમાં બે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી)ની જાળવણીનો ખર્ચ ઉઠાવવાનો ઇનકાર કરવાનો આરોપ મૂક્યો છે.
ભક્તિપાર્કમાં ઓડિસી બિલ્ડિંગના સેક્રેટરી ન્યુટન સિક્વિરાએ જણાવ્યું કે ‘ભક્તિપાર્કની તમામ ઇમારતોમાં ઘણાં અઠવાડિયાંથી જીવિત જીવડાં સાથેનું વાસ મારતું પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. અમે ફરિયાદ નોંધાવી હતી અને છેલ્લા બે મહિનામાં બે વખત અમારી ટાંકી સાફ કરાવી છતાં સમસ્યા યથાવત્ છે. ઘણા રહેવાસીઓ, ખાસ કરીને બાળકોને ગૅસ્ટ્રો ઇન્ફેક્શનની સમસ્યા સતાવી રહી છે. અમે શહેર સુધરાઈના અધિકારીઓનો પણ સંપર્ક સાધ્યો હતો, પણ તેમણે કોઈ મદદ કે ઉપાય પૂરાં પાડ્યાં નથી.’
આ મામલે ‘એમ’ વેસ્ટ વૉર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે અમારી ટીમને બે વખત ભક્તિપાર્ક મોકલી હતી. લૅબ રિપોર્ટ ઈ-કોલાઇ પૉઝિટિવ આવ્યો એ સાચું છે, પણ અમારી તપાસ પ્રમાણે દૂષિતતા અમારી પાઇપલાઇન મારફત નથી આવતી. કાં તો ટાંકીમાં સમસ્યા છે અથવા તો એસટીપી વાટે પહોંચાડવામાં આવતા પાણીની ભેળસેળ થઈ જાય છે. અમે આ સમસ્યા પર ધ્યાન આપીશું.’

Mumbai mumbai news