ચૂંટણીના અઠવાડિયા પહેલાં જ કન્જક્ટિવાઇટિસ અને તાવથી ત્રસ્ત શહેરના ૬૦ ટકા પોલીસ-જવાનો

09 October, 2014 05:06 AM IST  | 

ચૂંટણીના અઠવાડિયા પહેલાં જ કન્જક્ટિવાઇટિસ અને તાવથી ત્રસ્ત શહેરના ૬૦ ટકા પોલીસ-જવાનો



શહેરના પોલીસદળના કુલ જવાનોમાંથી ૬૦ ટકા હવામાનની અસરથી થતી બીમારીઓમાં સપડાયા છે. હવે ટૂંક સમયમાં ચૂંટણીનો બંદોબસ્ત અને પછી તરત દિવાળી વેળા કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી શરૂ થશે. ટૂંકમાં તેમને દિવાળી સુધી એક પણ રજા મળવાનાં ફાંફાં છે. આ હાલત વિશે સિનિયર પોલીસ-અધિકારીઓ કહે છે, ‘ઘણા કલાકો સુધી કામ કરવા તથા આકરી કામગીરીને કારણે તેમની આ સ્થિતિ છે. છેલ્લા દોઢ મહિનાથી આ જવાનોને કોઈ રજા નથી મળી અને દિવાળી સુધી મળવાની શક્યતા પણ નથી. ૬૦ ટકા પોલીસ-જવાનો બીમાર છે. એમાંથી મોટા ભાગનાને તાવ અને કન્જક્ટિવાઇટિસ થયો છે. કેટલાકને ડેન્ગી, મલેરિયા અને શ્વાસમાં ચેપ જેવી વ્યાધિઓ પણ થઈ છે.’

ફ્લૅગ માર્ચ વખતે આ મહિલા અધિકારી શાને પરેશાન?

મહારાષ્ટ્રમાં ૧૫ ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ અને સરળતાથી પાર પડે એ માટે ચૂંટણીપંચે જોરદાર તૈયારી કરી છે અને મતદારો ભય વિના મતદાન કરવા બહાર નીકળે અને તેમનામાં આત્મવિશ્વાસ ઊભો થાય એટલે ફ્લૅગ માર્ચ યોજાય છે. ગઈ કાલે બોરીવલીમાં મુંબઈ પોલીસ અને રાજસ્થાન પોલીસની સહિયારી ફ્લૅગ માર્ચ યોજાઈ હતી ત્યારે ઑક્ટોબર મહિનામાં તપી રહેલા સૂર્યદેવને કારણે પ્રખર રોશનીમાં આ મહિલા પોલીસ-અધિકારીને મોબાઇલમાં મેસેજ વાંચવામાં તકલીફ પડી રહી હતી. તસવીર : નિમેશ દવે