પાલઘરને અન્યાય અને ગુજરાત તરફ પક્ષપાત?

24 December, 2020 10:38 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

પાલઘરને અન્યાય અને ગુજરાત તરફ પક્ષપાત?

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ રેલવેના નવા ટાઇમ ટેબલમાં મહારાષ્ટ્રને અન્યાય અને ગુજરાત તરફ પક્ષપાતની ફરિયાદ મહારાષ્ટ્રના લોકપ્રતિનિધિઓ કરી રહ્યા છે. નવા ટાઇમ ટેબલમાં કેટલીક ટ્રેનોનું પાલઘરનું સ્ટોપેજ કેમ રદ કરવામાં આવ્યું અને ગુજરાતમાં બધાં સ્ટોપેજ યથાવત્ કેમ રાખવામાં આવ્યાં છે, એવો સવાલ પાલઘરના વિધાનસભ્ય શ્રીનિવાસ વાંગાએ કર્યો છે. તેમના એ સવાલને સંસદસભ્યો અરવિંદ સાવંત અને રાજેન્દ્ર ગાવિતે ટેકો આપ્યો છે.

દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના સભ્યોએ પાલઘર સ્ટેશનના ટિકિટ રિઝર્વેશન ચાર્ટ્સ મેળવ્યા પછી આ બાબત પ્રકાશમાં આવી હતી. સ્વરાજ એક્સપ્રેસ અને બાંદરા-અજમેર એક્સપ્રેસને સંસદસભ્ય અરવિંદ સાવંતના પ્રયાસોથી પાલઘરમાં હૉલ્ટ મળ્યો હતો, પરંતુ નવા ટાઇમ ટેબલમાં પાલઘરનો હૉલ્ટ રદ કરવામાં આવ્યો છે. પાલઘર સ્ટેશન પરથી ટિકિટ રિઝર્વેશનની સારી એવી આવક હોવા છતાં એનો હૉલ્ટ રદ કરવામાં આવ્યો હોવાનો દાવો પાલઘરના વિધાનસભ્ય શ્રીનિવાસ વાંગાએ કર્યો હતો. ગુજરાતનાં હૉલ્ટ યથાવત રાખવા અને પાલઘરનો હૉલ્ટ રદ કરવાનો નિર્ણય પક્ષપાતી હોવાનો આરોપ વાંગાએ મૂક્યો હતો. વાંગાએ જણાવ્યું હતું કે પાલઘરને અન્યાય સાંખી લેવામાં નહીં આવે. આ વિષય પર પશ્ચિમ રેલવેના સત્તાવાળાઓ જોડે ચર્ચા ચાલતી હોવાનું સંસદસભ્યો અરવિંદ સાવંત અને રાજેન્દ્ર ગાવિતે જણાવ્યું હતું.

દૌન્ડ-મનમાડ ટ્રેનવ્યવહાર ખોરવાયો

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં ટ્રેન પાટા પરથી ખડી પડતાં દૌન્ડ-મનમાડ રૂટનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. કર્ણાટકના મલખૈડ રોડથી અહમદનગર તરફ આવતી ગુડ્સ ટ્રેનનાં સાત વેગનો ખડી પડતાં ટ્રેનવ્યવહાર પર અસર થઈ હતી. આ અકસ્માતને કારણે લાંબા અંતરની બાવીસ ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે અને ચાર ટ્રેનો રદ કરવામાં આવી છે.

mumbai mumbai news western railway palghar gujarat rajendra aklekar