હે રામ! ગાંધીભક્તિના નામે કોઈ પણ હદે જાય છે રાજકીય કાર્યકરો

03 October, 2020 08:03 AM IST  |  Mumbai | Rohit Parikh

હે રામ! ગાંધીભક્તિના નામે કોઈ પણ હદે જાય છે રાજકીય કાર્યકરો

અમે જ્યારથી મહારાષ્ટ્રમાં લૉકડાઉનની શરૂઆત થઈ છે ત્યારથી અમારી હૉસ્પિટલના પેશન્ટ્સ, મેડિકલ અને નૉન-મેડિકલ સ્ટાફ કોરાના-સંક્રમિત ન થાય એ વિશે સાવચેતીનાં પગલાં લીધાં છે. અમે અમારા પરિસરમાં આવેલાં મંદિરોમાં ભગવાનનાં દર્શન પણ એ દિવસથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દીધાં છે. - હરેશ મહેતા, સર્વોદય હૉસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટી

ગાંધીજીના નામને વટાવી ખાવા રાજકારણીઓ બધી હદ કુદાવી જાય છે. આ‍વો જ કિસ્સો ગઈ કાલે ગાંધી જયંતીએ બન્યો હતો ઘાટકોપરની સર્વોદય હૉસ્પિટલમાં. ચોક્કસ રાજકીય પક્ષના કાર્યકરો સર્વોદય હૉસ્પિટલના પ્રિમાઇસિસમાં પરમિશન વિના ઘૂસ્યા હતા, એટલું જ નહીં, ત્યાં સ્થપાયેલી મહાત્મા ગાંધીની મૂર્તિ પર સીડી દ્વારા ચડીને એના પર હારતોરા કર્યા. હવે આમાંની એકાદ વ્યક્તિને કોરોના હોય અને તે આ હૉસ્પિટલમાં ફેલાવીને જાય તો? આવી તે કેવી ભયંકર ગાંધીભક્તિ?

ઘાટકોપર-વેસ્ટની સર્વોદય હૉસ્પિટલમાં સ્થાપિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ગઈ કાલે એક રાજકીય પક્ષના કહેવાતા કાર્યકરોએ ટ્રસ્ટની પરવાનગી લીધા વગર જ હાર પહેરાવીને તથા ગાંધીજીનાં ચરણોમાં ફૂલ ચડાવીને ગાંધી જયંતીની ઉજવણી કરી હતી. જોકે આમ કરીને આ કાર્યકરોએ તેમનો ગાંધીપ્રેમ પ્રદર્શિત કર્યો હતો. આ બાબતનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ઘાટકોપરના રહેવાસીઓમાં આ પ્રકારનો ગાંધીપ્રેમ ચર્ચાનો વિષય બન્યો હતો.
આ બાબતે માહિતી આપતાં સર્વોદય હૉસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટી હરેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આઝાદી પહેલાં આ હૉસ્પિટલ બંધાઈ છે અને ત્યારથી એના પરિસરમાં ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ આ પ્રતિમાને આજ સુધી અમારા ટ્રસ્ટની સ્કૂલનાં બાળકો અને શિક્ષકો સિવાય કોઈ રાજકીય પક્ષે હારતોરા કર્યા નથી.’
આ બાબતે વધુ માહિતી આપતાં હરેશ મહેતાએ કહ્યું કે ‘ગઈ કાલે અમારા માટે ચોંકાવનારો દિવસ હતો, જ્યારે એક રાજકીય પક્ષના કહેવાતા કાર્યકરોએ અમારા પરિસરમાં આવીને ટ્રસ્ટની કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવીને તેમનો ગાંધીપ્રેમ જાહેર કર્યો હતો. અમે જ્યારથી મહારાષ્ટ્રમાં લૉકડાઉનની શરૂઆત થઈ છે ત્યારથી અમારા હૉસ્પિટલના પેશન્ટ્સ, મેડિકલ અને નૉન-મેડિકલ સ્ટાફ કોરાના-સંક્રમિત ન થાય એ વિશે સાવચેતીનાં પગલાં લીધાં છે. અમે અમારા પરિસરમાં આવેલાં મંદિરોમાં ભગવાનનાં દર્શન પણ એ દિવસથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દીધાં છે. આ સંદર્ભની જાણકારી આપતું બૅનર હૉસ્પિટલના મેઇન ગેટ પર મૂકવામાં આવ્યું છે છતાં આ કાર્યકરો કયા આધારે અમારા પરિસરમાં ગાંધીપ્રેમ દર્શાવવા આવ્યા એ અમારે માટે શૉકિંગ બાબત છે. અમે આ બનાવ સંબંધે અમે અમારા લીગલ ઍડ્વાઇઝર સાથે વાતચીત કરીને કાયદેસરની કાર્યવાહી કરીશું.’

mumbai news mumbai gandhi jayanti