પાંચથી આઠ ટકા

21 May, 2023 09:57 AM IST  |  Mumbai | Mehul Jethva

આ ચાલે છે ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાનો ભાવ. કેટલાક લોકો એવા પણ છે જેઓ છ મહિના માટે ૨૦૦૦ રૂપિયાની નોટો લઈ એ પૈસા વાપરીને છ મહિના પછી ૫૦૦ કે ૧૦૦ની નોટમાં પાછા આપશે : મુંબઈ પોલીસે આવા લોકો પર કાર્યવાહી કરવા પ્લાન તૈયાર કર્યો

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે ૨,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો. એ માટે રિઝર્વ બૅન્ક દ્વારા સમય જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકશે અથવા બૅન્કમાં જમા કરાવી શકશે. જોકે રિઝર્વ બૅન્ક દ્વારા નોટો જમા કરાવવા માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે મુંબઈની કેટલીક મોટી માર્કેટોમાં દલાલો અને વેપારીઓ ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલી આપવા પાંચથી આઠ ટકા લેતા હોવાનું જાણવા મળ્યું હતું. ‘મિડ-ડે’એ કેટલાક દલાલો અને વેપારીઓ સાથે વાત કરી હતી. તેમની પાસેથી મળેલી માહિતી પ્રમાણે અત્યારે પાંચથી આઠ ટકા લઈને નોટો બદલી આપવામાં આવે છે. બીજી તરફ મુંબઈ પોલીસે આવા લોકો પર વૉચ રાખીને કાર્યવાહી કરવા માટે પ્લાન તૈયાર કર્યો છે.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં એટલે કે ૨૦૧૮માં ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨,૦૦૦ રૂપિયાની નોટ ચલણમાં મૂકવામાં આવી હતી. હવે સાત વર્ષ બાદ ૨,૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નોટ ૩૦ સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. ત્યાર બાદ આ નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. પ્રથમ નોટબંધીમાં કેટલાક લોકોએ પોતાની પાસે પડેલા પૈસાથી માર્કેટ કરતાં ઊંચા ભાવે સોનાની ખરીદી કરી હતી તો કેટલાક લોકોએ ૨૦થી ૨૫ ટકાના રેટ પર પૈસાની બદલી કરી હતી. આ વખતની વાત કરીએ તો શુક્રવારે આરબીઆઇના નિર્ણય બાદ મુંબઈની મોટી માર્કેટોમાં દલાલો અને વેપારીઓ ફરી એક વાર સક્રિય થયા છે. તેઓ ૨,૦૦૦ રૂપિયાની નોટ સામે રોકડમાં ૧,૯૦૦ રૂપિયા પાછા આપી રહ્યા છે. એવી જ રીતે સોનાના કેટલાક વેપારીઓ હાલમાં ૬૧,૦૦૦નો સોનાનો ભાવ છે ત્યારે ૨,૦૦૦ની નોટ આપો તો ૭૦,૦૦૦ના ભાવે સોનું આપી રહ્યા છે. એક પ્રકારે પાંચથી આઠ ટકા કાપીને નોટ બદલી કરવાનું કૌભાંડ શરૂ થયું હોવાની માહિતી છે. બીજી તરફ નોટના કૌભાંડને અટકાવવા માટે મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈ પોલીસ બ્લૅક માર્કેટિંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. પોલીસે લોકલ પોલીસ સ્ટેશનથી લઈને ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ઉપરાંત પોતાના ખબરીઓને નોટોની થતી બદલીઓ પર વિશેષ ધ્યાન આપવા માટેનો આદેશ આપ્યો છે.

બીકેસીની ડાયમન્ડ માર્કેટના એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારથી નોટોની બદલી માટે અલગ-અલગ દલાલો ઍક્ટિવ થયા છે. ૨,૦૦૦ રૂપિયાની નોટ રોકડમાં બદલી કરવી હોય તો એ માટે પાંચ ટકાનો ભાવ ચાલી રહ્યો છે. એને બદલે સોનું ખરીદવું હોય તો ૭૦,૦૦૦ના ભાવે સોનું આપી રહ્યા છે. કેટલાક એવા લોકો પણ છે જેઓ છ મહિના માટે ૨,૦૦૦ રૂપિયાની નોટો લઈ એ પૈસા વાપરીને છ મહિના પછી ૫૦૦ કે ૧૦૦ની નોટમાં રોકડ પાછી આપશે.’

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર કૃષ્ણકાંત ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરબીઆઇ તરફથી આવેલા આ નિર્ણય પછી પોલીસ વૉચ રાખી રહી છે. જોકે હજી આવો કોઈ કેસ અમારી પાસે આવ્યો નથી. અમારી પાસે આવી કોઈ ફરિયાદ આવશે કે પછી કોઈ માહિતી આવશે તો એના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’

મુંબઈ પોલીસ વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે આરબીઆઇના નિર્ણય પછી ગઈ કાલે પોલીસ સ્ટેશન, ક્રાઇમ યુનિટ અને ખબરીઓને આવા કાળા ધંધા પર વૉચ રાખવાનું કહેવામાં આવ્યું છે. પોલીસનો ડિટેક્શન વિભાગ આવા કેસ પર ધ્યાન આપી રહ્યો છે.’

mumbai mumbai news demonetisation mumbai police mehul jethva