માસ્ક વગર ફરનારાઓ પાસેથી પોલીસ ઑન ધ સ્પૉટ દંડ વસૂલશે

22 February, 2021 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માસ્ક વગર ફરનારાઓ પાસેથી પોલીસ ઑન ધ સ્પૉટ દંડ વસૂલશે

રાજ્ય સરકાર લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખે અને માસ્ક પહેરે એ માટે સખતાઈ કરી રહી છે, પણ બેફિકર મુંબઈગરાઓથી જુહુ બીચ પર ગઈ કાલે મહેરામણ ઊભરાયો હતો. (તસવીર: શાદાબ ખાન)

મુંબઈ પાલિકાના સ્વચ્છતા રક્ષકો અને માર્શલો બાદ હવે પોલીસને પણ માસ્ક ન પહેરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસના જૉઇન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) વિશ્વાસ નાંગરે પાટીલે આ બાબતનો શહેરનાં તમામ પોલીસ-સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટરોને સંબોધતો ઑડિયો મેસેજ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ સાથે જ ગઈ કાલે ઑન ધ સ્પૉટ દંડ વસૂલ કરવા માટેનું નોટિફિકેશન પણ પોલીસે બહાર પાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ પોલીસના જૉઇન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) વિશ્વાસ નાંગરે પાટીલની એક ઑડિયો-ક્લિપ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી. આ ક્લિપમાં તેઓ મુંબઈનાં તમામ પોલીસ-સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટરોને સંબોધીને કહી રહ્યા છે કે કોરોનાને કન્ટ્રોલ કરવા માટે પાલિકાની સાથે હવે પોલીસને પણ માસ્ક ન પહેરનારાઓ સામે ઑન ધ સ્પૉટ ઍક્શન લેવાની છૂટ કમિશનર પરમબીર સિંહે આપી છે. આથી દરેક પોલીસ-સ્ટેશનમાં આવેલાં ગિરદી થતી હોય એવાં જાહેર સ્થળો, ચોપાટી, ગાર્ડન, બગીચા વગેરે સ્થળોએ મોટા પ્રમાણમાં કાર્યવાહી કરીને રોજેરોજનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. જે પોલીસ-સ્ટેશનમાં માસ્કના નિયમભંગના ઓછા કેસ નોંધાશે તેમની પાસેથી ખુલાસો મગાશે, જ્યારે જે પોલીસ-સ્ટેશનમાં સારું કામ થશે એમને રિવૉર્ડ અપાશે. ડીસીપી ઑપરેશન્સ રોજેરોજ ફૉલો-અપ લેશે. આ સિવાય દરેક વિભાગના ડીસીપી અને ઍડિશનલ કમિશનર મૉનિટરિંગ કરશે. મુંબઈમાંથી કોરોનાને કાયમ માટે વિદાય આપવા માટે પાલિકાએ પોલીસને આપેલી જવાબદારીમાં બધાએ સહયોગ કરવો રહ્યો. રસપ્રદ વાત એ છે કે માસ્ક ન પહેરનારાઓની પાસેથી જે ૨૦૦ રૂપિયા દંડ પેઠે વસુલ કરવામાં આવશે એમાંથી ૧૦૦ રૂપિયા પોલીસ ફંડમાં જશે અને બાકીના સુધરાઈને મળશે.

પોલીસને પૂરી તાકાતથી કામ કરવાની સૂચના

ચેમ્બુર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર શાલિની શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તમામ પ્રયાસ બાદ પણ લોકો કોવિડને ગંભીરતાથી નથી લેતા એટલે પાલિકાએ પોલીસની મદદથી આ જીવલેણ વાઇરસને કાબૂમાં લેવાનો નિર્ણય લીધો છે. કમિશનરસાહેબે દરેક પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરને પૂરી તાકાતથી કામ કરવાની સૂચના આપી છે. દરેક પોલીસ-સ્ટેશનને માસ્કના નિયમનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.’

coronavirus covid19 mumbai mumbai news mumbai police