રેપિસ્ટને પકડવા પોલીસે અજમાવી હનીટ્રૅપની યુક્તિ

25 September, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવતીઓનો શોખીન યુવક મહિલા પોલીસની જાળમાં ફસાઈ જવાથી પકડાઈ ગયો

બળાત્કારનો આરોપી સૂરજ (ગ્રે ટી-શર્ટ) તુળીંજ પોલીસ સાથે

હનીટ્રૅપ આ શબ્દ આપણે મોટા ભાગે એક દેશની જાસૂસી સંસ્થા દ્વારા બીજા દેશના અધિકારી પાસેથી મહત્ત્વની માહિતી મેળવવા માટે મહિલાનો ઉપયોગ કરવા માટે થતો હોવા માટે સાંભળીએ છીએ. મહિલા અધિકારી દ્વારા પોતાના ખોટા પ્રેમની જાળમાં ફસાવી જે તે અધિકારીને વશમાં કરીને ટ્રૅપમાં લેવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. જોકે પોલીસ દ્વારા બળાત્કારના આરોપીને આવી રીતે મહિલાની જાળમાં ફસાવવાની તરકીબ અજમાવાઈ હોય એવું બહુ ઓછું બને છે. નાલાસોપારાની તુળીંજ પોલીસે એકાદ મહિના પહેલાં ૧૬ વર્ષની એક કૉલેજિયન પર બળાત્કાર કરીને ફરાર થઈ ગયેલા ૨૪ વર્ષના આરોપીને મહિલાની જાળમાં ફસાવીને જ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ૨૭ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ બળાત્કારની ફરિયાદ મળ્યા બાદ પોલીસે વારંવાર પોતાનું લોકેશન બદલનારા આરોપીને પકડવા ૨૬ દિવસ ફીલ્ડિંગ ભરી હતી.

તુળીંજ પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારા (પૂર્વ)માં રહેતી ૧૬ વર્ષની કૉલેજિયન ટીનેજરે પોતાના પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ ૨૪ વર્ષના સૂરજ સારસાદ નામના યુવક સામે નોંધાવી હતી. બન્ને એક જ વિસ્તારમાં રહેતાં હોવાથી તેમની વચ્ચે ફ્રેન્ડશિપ થઈ હતી. બાદમાં એક દિવસ આરોપી તેને એક હોટેલમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યા બાદ પલાયન થઈ ગયો હોવાનું કિશોરીએ ફરિયાદમાં જણાવ્યું હતું. તુળીંજ પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

આરોપી સતત પોતાનો મોબાઇલ નંબર બદલીને સોશ્યલ મીડિયામાં સતત ઍક્ટિવ રહીને યુવતીઓને ફસાવતો હોવાનું તપાસમાં ધ્યાનમાં આવતાં પોલીસે આરોપીના નામના જેટલા પણ મોબાઇલ નંબર હતા એને ટ્રેસ કરવાની શરૂઆત કરી હતી. ચારથી પાંચ વખત તે ટ્રેસ થયો હતો, પરંતુ પોલીસ પહોંચે એ પહેલાં તે પલાયન થઈ જતો હતો.

આરોપી કેવી રીતે પકડાઈ ગયો?

આખરે આરોપી કેવી રીતે હાથ લાગ્યો એ વિશે તુળીંજ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મલ્હાર થોરાતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સૂરજ શારીરિક સુખ મેળવવા માટે યુવતીઓને ફસાવતો હોવાથી તેને મહિલાની જ જાળમાં એટલે કે હનીટ્રૅપ દ્વારા જ પકડવાનો આઇડિયા અમે લગાડ્યો હતો. અમારી એક પોલીસ કર્મચારીની મદદથી અમે આરોપી સુધી પહોંચ્યા હતા. મહિલા કર્મચારીએ આરોપી સાથે વૉટ્સઍપ અને ફેસબુકમાં વાતો કરીને તેને પોતાની જાળમાં ફસાવ્યો હતો. તેણે આરોપીને એક સ્થળે મળવા બોલાવ્યો હતો. પોતાની જાળમાં વધુ એક યુવતી ફસાઈ હોવાની ખુશીમાં આરોપી નક્કી કરેલા સ્થળે પહોંચ્યો હતો ત્યારે અમે તેને ઝડપી લીધો હતો. થાણેના આનંદનગર વિસ્તારમાં તે રહેતો હોવાની માહિતી મળ્યા બાદ અમે તેને નજીકના વિસ્તારમાં જ બોલાવ્યો હતો. અમને ૨૬ દિવસ સુધી આરોપીની સતત પાછળ લાગ્યા બાદ સફળતા મળી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news