થર્ટીફર્સ્ટ સુધીની ઉજવણીમાં આગ ન લાગે એ માટે પોલીસે કરી તાકીદ

26 December, 2018 06:13 PM IST  |  | અનુરાગ કાંબલે

થર્ટીફર્સ્ટ સુધીની ઉજવણીમાં આગ ન લાગે એ માટે પોલીસે કરી તાકીદ

ગત વર્ષે કમલા મિલ્સમાં લાગી હતી ભીષણ આગ

ગયા વર્ષે‍ ૨૯ ડિસેમ્બરે કમલા મિલના મોજોસ બિસ્ટ્રો અને વન અબોવમાં લાગેલી આગને ધ્યાનમાં રાખતાં આ વર્ષે પોલીસની સતર્કતા વધી છે. પોલીસે લોઅર પરેલમાં આવેલા કમલા મિલ્સ અને રઘુવંશી મિલ કમ્પાઉન્ડની બધી જ રેસ્ટોરાં, બાર અને પબના મૅનેજર્સ સાથે મીટિંગ કરીને વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી જેમાં મહkવનો મુદ્દો સિક્યૉરિટીનો હતો. પોલીસે તમામ રેસ્ટોરાં અને બારને સમયનું પાલન કરવાનો આદેશ આપવાની સાથે જ ગેરકાયદે હુક્કા ન રાખવાની તાકીદ કરી છે. આ વર્ષે‍ શરૂ થઈ ગયેલી વર્ષાન્તની ઉજવણી દરમ્યાન ક્યાંય પણ આગ ન લાગે એનું ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે.

ગયા વર્ષે‍ મોજોસ બિસ્ટ્રો અને વન અબવમાં લાગેલી આગ માટે રેસ્ટોરાંમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર જવાબદાર હોવાનું સિદ્ધ થયું હતું. આગની લપેટમાં આવતાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦ લોકો ગંભીર જખમી થયા હતા. આ બનાવમાં રેસ્ટોરાંના મૅનેજમેન્ટની બેદરકારી બહાર આવી છે જેમાં જાણવા મળ્યું હતું કે ફાયર-સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થયું હતું અને બન્ને સ્થળે જ્વલનશીલ સામગ્રી મોટા પ્રમાણમાં હતી. એટલું જ નહીં, આવી તાકીદની સ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપવા માટે તાલીમબદ્ધ સ્ટાફ પણ નહોતો.

આવી તમામ નાનામાં નાની બાબતો મોટી હોનારતનું કારણ બની શકે છે તેથી આ વર્ષ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આïવ્યો છે. એક સિનિયર પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘નવા વર્ષની રાત સુધી પોલીસ દ્વારા તમામ જગ્યાઓએ ચુસ્ત બંદોબસ્ત રહેશે. પોલીસે રેસ્ટોરાંના મૅનેજરોને પણ આ બાબતે સૂચનો આપ્યાં છે. કમલા મિલ અને રઘુવંશી મિલ કમ્પાઉન્ડમાં સાદાં કપડાંમાં પોલીસ જવાનો તહેનાત રહેશે. મ્યુનિસિપલ કૉર્પોરેશન, એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ વધુ જવાબદારીઓ સોંપાઈ છે.’'

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહી વિશે ઍડિશનલ કમિશનર ડૉ. રવીન્દ્ર શિશ્વેએ કહ્યું હતું કે ‘કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ માટે અમે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ. આ વિસ્તારમાં આવેલા સંબંધિત લોકોને લેખિતમાં કમ્પાઉન્ડમાં ધ્યાન રાખવાનું અને કોઈ પણ હોનારતને ટાળવા માટે બધા પ્રયાસો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.’