ફેસબુક પર બાળ ઠાકરે વિશે કમેન્ટ કરનાર 2 યુવતીની ધરપકડ પણ...

20 November, 2012 03:18 AM IST  | 

ફેસબુક પર બાળ ઠાકરે વિશે કમેન્ટ કરનાર 2 યુવતીની ધરપકડ પણ...



શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના મૃત્યુ બાબતે ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર કમેન્ટ પોસ્ટ કરવાને કારણે પાલઘરની બે યુવતીઓએ પોલીસ લૉક-અપમાં જવું પડ્યું હતું. જોકે પછી તેમને વ્યક્તિદીઠ ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડવામાં આવી હતી. આમ છતાં અપસેટ થયેલા શિવસૈનિકોએ એક યુવતીના અંકલની હૉસ્પિટલ પર હુમલો કરીને દરદીઓને હેરાન કર્યા હતા તેમ જ હૉસ્પિટલને નુકસાન પહોંચાડ્યું હતું.

રવિવારે રાત્રે ૨૧ વર્ષની શાહીન ધડાએ ફેસબુક પર કમેન્ટ કરી હતી કે ઠાકરે જેવા લોકો તો રોજ જન્મે અને મરે છે અને એના માટે કોઈએ બંધ પાળવો જોઈએ નહીં, જ્યારે આ કમેન્ટને લાઇક કરનારી રિની શ્રીનિવાસનને પહેલાં પોલીસ-કસ્ટડીમાં લેવામાં આવી હતી. આ બન્ને યુવતીઓની રવિવારે મોડી રાત્રે ધરપકડ કરીને તેમને વસઈના મહિલા પોલીસ-સ્ટેશનમાં રાખવાને બદલે પાલઘર પોલીસ-સ્ટેશનમાં બાજુના રૂમમાં રાખવામાં આવી હતી.

આ ઘટનાથી ઉશ્કેરાયેલા શિવસૈનિકોએ શાહીનના કાકા ઑર્થોપેડિક ડૉક્ટર અબ્દુલ ધડાની હૉસ્પિટલ પર બદલો લેવા માટે હુમલો કર્યો હતો, કારણ કે તેમને એવી ખોટી માહિતી મળી હતી કે આ હૉસ્પિટલ શાહીનના પિતાની છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ ક્લિનિકમાં ત્રણ દરદીઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમની સલાઇન ડ્રિપ શિવસૈનિકોએ કાપી નાખી હતી તથા ક્લિનિકની ગ્લાસ પૅનલ તોડી નાખી હતી. આ સિવાય શિવસૈનિકોએ ધડાપરિવારની માલિકીની દવાની દુકાનને પણ નુકસાન પહોંચાડવાનો નિર્ણય લીધો હતો.

હૉસ્પિટલના માલિક ડૉક્ટર અબ્દુલ ધડાએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ હુમલાને કારણે મને દસ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હૉસ્પિટલમાં આયાત કરાયેલાં સાધનોવાળું અત્યાધુનિક ઑપરેશન થિયેટર છે, જેને પણ સારુંએવું નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બની ત્યારે હું મારા પરિવાર સાથે મહાબળેfવરમાં રજાઓ ગાળવા ગયો હતો.’

શાહીને બૅચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝનો અભ્યાસ કર્યો છે. તેણે ગયા વર્ષે પાલઘરની દાંડેકર કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને ત્યારથી જ તે ઘરે જ છે, જ્યારે રિની શ્રીનિવાસને આ વર્ષે દાંડેકર કૉલેજમાંથી બૉટનીમાં વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી છે.

આ ઘટના વિશે વાત કરતાં શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના રિટાયર્ડ ટેક્નિશ્યન તેમ જ ઇન્ડિયન નેવીના ભૂતપૂર્વ ટેક્નિશ્યન એવા રિનીના પિતા શ્રીનિવાસને કહ્યું હતું કે મારી દીકરી સાથે શું થયું છે એની મને બહુ મોડી ખબર પડી હતી અને આ વિવાદને કારણ વગર ચગાવવામાં આવ્યો છે.

પાલઘર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શ્રીકાંત પિંગલેએ આ કેસની વિગતો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘અમે આ યુવતીઓની ધરપકડ કરી હતી. જોકે હવે તેમને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જ્યાં સુધી ક્લિનિક પર હુમલાના કેસના મામલાનો સવાલ છે ત્યાં સુધી ડૉક્ટર ધડાએ આ મામલામાં પચાસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. અમે આ મામલામાં અજાણ્યા ટોળા સામે ક્લિનિકમાં તોડફોડ કરવાનો ગુનો નોંધ્યો છે.’

આ બે યુવતીઓની ધરપકડ પછી તેમને તરત પાલઘર કોર્ટમાં જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ આર. જી. બોરસે સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેમને વ્યક્તિદીઠ ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવી હતી. આ મામલે આરોપીઓના વકીલ સુધીર ગુપ્તાએ દલીલ કરી હતી કે ‘આરોપીઓ પર ખોટી કલમ લગાવવામાં આવી છે, કારણ કે તેમની કમેન્ટથી કોઈની ધાર્મિક લાગણી નથી દુભાઈ. વળી આ યુવતીઓ નાની અને નિર્દોષ છે એટલે તેમને જામીન પર છોડી દેવી જોઈએ, કારણ કે તેમની કોઈ ચોક્કસ રાજકીય વિચારસરણી નથી.’

આ દલીલને પગલે મૅજિસ્ટ્રેટે આ બન્ને યુવતીઓને જામીન આપવાનો નિર્ણય લીધો હતો. આ વિશે વાત કરતાં સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે આવા દરેક મામલામાં ધરપકડ જરૂરી નથી અને તેમણે આંત્યતિક પગલું ભરતાં પહેલાં મામલાની તપાસ કરીને પછી જ નિર્ણય લેવો જોઈએ.

શિવસૈનિકો વિરુદ્ધ કોઈ પગલાં નહીં

ફેસબુક પર કમેન્ટ કરનાર અને એને લાઇક કરનાર બે યુવતીઓની ધરપકડનો ત્વરિત નિર્ણય લેનારી પોલીસે હૉસ્પિટલમાં તોડફોડ કરનારા શિવસૈનિકો વિરુદ્ધ હજી કોઈ પગલાં નથી ભયાર઼્. મળતી માહિતી પ્રમાણે અત્યારની વિસ્ફોટક સ્થિતિમાં ધરપકડ કરવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં સમસ્યા ઊભી થઈ શકે છે એવી બીકને કારણે પોલીસે આ મામલામાં જવાબદાર અજાણી વ્યક્તિઓ સામે માત્ર કેસ જ નોંધ્યો છે. રાજ્યમાં દરદીઓના પરિવારજનો દ્વારા ડૉક્ટરો પર થતા હુમલાઓને ધ્યાનમાં રાખીને જ તાજેતરમાં રાજ્યના હોમ મિનિસ્ટર આર. આર. પાટીલે જાહેરાત કરી હતી કે હૉસ્પિટલો અને ડૉક્ટરો પર કરવામાં આવતા હુમલાઓનો સમાવેશ બિનજામીનપાત્ર ગુનાઓમાં કરવામાં આવ્યો છે. આ મામલામાં આર. આર. પાટીલે કહ્યું હતું કે ‘મેં આ મામલામાં ઇન્સ્પેક્ટર-જનરલ સાથે વાત કરી છે અને મને કેસપેપર સાથે રિપોર્ટ કરવા જણાવ્યું છે. હું આ કેસપેપરનો અભ્યાસ કરીને પછી જ આ વિશે કંઈ કહી શકીશ.’

શિવસેનાના સિટી પ્રેસિડન્ટ શું કહે છે?


શિવસેનાના પાલઘરના સિટી પ્રેસિડન્ટ ભૂષણ શંખેએ આ ઘટના વિશે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે ‘આ છોકરીઓએ આવી કમેન્ટ કરવા બદલ માફી માગવાની ના પાડી દીધી હતી. અમે તેમને માફી માગવા માટે ફોન કર્યો હતો, પણ શાહીને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે તમારાથી થાય એ કરી લો. પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી ત્યારે તેમણે માફી માગી હતી, પણ જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું છે. મને મારા કેટલાક કાર્યકરોએ ફેસબુક પર આ કમેન્ટ વંચાવી હતી, જેને કારણે મને બહુ આઘાત લાગ્યો હતો અને અમે પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો. અમે હૉસ્પિટલને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. હું પોલીસ-સ્ટેશને મારા ચારસોથી પાંચસો ટેકેદારો સાથે હાજર રહ્યો હતો. મને નથી ખબર કે કોણે હૉસ્પિટલને નુકસાન પહોંચાડ્યું છે અને પોલીસે કોની સામે ગુનો નોંધ્યો છે.’

પોલીસ વિરુદ્ધ પગલાં લેવાની માગણી

ગઈ કાલે પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ચીફ માર્કેન્ડેય કાત્જુએ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને ઈ-મેઇલ કરીને ફેસબુક પર બાળ ઠાકરેના અવસાનના પગલે મુંબઈ બંધના નિર્ણયને વખોડતી કમેન્ટ કરવા માટે બે યુવતીઓની ધરપકડ કરનારા પોલીસ-અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની ડિમાન્ડ કરી છે અને જો એવું ન થાય તો એના કાયદાકીય પરિણામને ભોગવવાની ચેતવણી આપી છે. 

શું હતી આ વિસ્ફોટક કમેન્ટ?

શાહીને ફેસબુક પર વિસ્ફોટક કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘રોજ હજારો લોકો મરે છે, પણ દુનિયા ચાલતી રહે છે. અત્યારે એકમાત્ર નેતા મૃત્યુ પામ્યો છે જેના કારણે હજારો લોકો પાગલ થઈ ગયા છે. બધાને ખબર છે કે મુંબઈગરાઓએ પરાણે ઘરે બેસવું પડ્યું છે. અત્યાર સુધી શહીદ ભગત સિંહ, સુખદેવ અને બીજા શહીદો પ્રત્યે તો કોઈએ આટલું સન્માન નથી બતાવ્યું. મુંબઈ માનની લાગણીને કારણે નહીં, પણ ડરની લાગણીને કારણે બંધ છે.’

શાહીનની આ કૉમેન્ટને તેની ફ્રેન્ડ રેણુએ લાઇક કરી હતી.