પોલીસની બદલી-પ્રમોશન ફરી વિવાદમાં

13 January, 2022 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યમાં સરકારી અધિકારી અને પ્રશાસન પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો અંકુશ ન હોવાનો આરોપ વિરોધીઓ સતત મૂકી રહ્યા છે ત્યારે સરકારી અધિકારી અને પ્રશાસન સાથે મુખ્ય પ્રધાનનો તાલમેલ ન હોવાની વધુ એક ઘટના સામે આવી છે.

ઉદ્ધવ ઠાકરે


મુંબઈ : રાજ્યમાં સરકારી અધિકારી અને પ્રશાસન પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો અંકુશ ન હોવાનો આરોપ વિરોધીઓ સતત મૂકી રહ્યા છે ત્યારે સરકારી અધિકારી અને પ્રશાસન સાથે મુખ્ય પ્રધાનનો તાલમેલ ન હોવાની વધુ એક ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના પોલીસ અધિકારીઓની બદલીની એક યાદી સોશ્યલ મીડિયા પર ફરી રહી છે. રાજ્ય સરકારે આવી કોઈ યાદી ન બનાવી હોવાની સ્પષ્ટતા કરી છે. આથી પોલીસ અધિકારીઓની આ યાદી કોણે લીક કરી? આવો સવાલ ફરી વિરોધીઓ કરી રહ્યા છે. આ મામલાને ગંભીરતાથી લઈને રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે તપાસનો આદેશ આપ્યો હોવાનું ગઈ કાલે જણાવ્યું હતું.
દિલીપ વળસે-પાટીલે મુખ્ય પ્રધાનની સહી થયા વિના જ રાજ્યના પોલીસ અધિકારીઓની બદલીની યાદી લીક થવા વિશે પત્રકારોને ગઈ કાલે કહ્યું હતું કે રાજય સરકારે પોલીસ અધિકારીઓની બદલીની કોઈ યાદી જાહેર નથી કરી અને અત્યારે એવો કોઈ પ્રસ્તાવ પણ નથી. કોઈક સાથે અસભ્ય વર્તન કરવાને ઇરાદે યાદી સોશ્યલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી છે. છ મહિના પહેલાં પણ આવું જ કરવામાં આવ્યું હતું. આ બાબતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં એક વ્યક્તિએ મંત્રાલયમાં ફોન કર્યો હતો. આબેહૂબ શરદ પવાર બોલતા હોય એવી રીતે ફોન પર સરકારી અધિકારીઓને બદલીઓ સંબંધે કેટલીક સૂચનાઓ આપી હતી. જોકે મંત્રાલયના અધિકારીઓને શંકા જતાં તેમણે શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઑકમાં સંપર્ક કરીને તપાસ કરતાં ફોન કરનારી વ્યક્તિ શરદ પવાર નહીં, બીજું કોઈ હોવાનું જણાયું હતું.

mumbai mumbai news