આજે રાતે ૮થી ૨ સુધી પોલીસને રોડ પર તહેનાત રહેવાની સૂચના

31 December, 2011 04:21 AM IST  | 

આજે રાતે ૮થી ૨ સુધી પોલીસને રોડ પર તહેનાત રહેવાની સૂચના



૩૧ ડિસેમ્બરની નાઇટની આજે ઉજવણી દરમ્યાન મહિલાઓ સાથે વિનયભંગ કરનારાઓ પર નજર રાખવા, નશો કરેલી હાલતમાં ગાડી ચલાવનારોને પકડવા તથા આતંકવાદી હુમલાઓ સામે શહેરીજનોને રક્ષણ પૂÊરું પાડવા આ વર્ષે મોટી સંખ્યામાં પોલીસોની હાજરી જોવા મળશે. ગુરુવારે કમિશનર ઑફિસમાંથી મુંબઈનાં તમામ પોલીસ-સ્ટેશનો, ઍન્સિલિયરી તથા સબસિડિયરી યુનિટને સૂચનાઓ આપવામાં આવી છે. આજે રાતે ૮ વાગ્યાથી બે વાગ્યા સુધી કમિશનરથી માંડીને કૉન્સ્ટેબલ સુધીના તમામ લોકો રોડ પર ફરજ બજાવતા હશે.

વિવિધ જગ્યાએથી આવેલી માગણીઓ તથા શહેરની પરિસ્થિતિ જોતાં આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં પોલીસોને કામે લગાડવામાં આવ્યા છે. તમામ પોલીસ-સ્ટેશનોને તેમના વિસ્તારોમાં નાકાબંધી કરવાની સૂચના આપવામાં આવી છે. જાણીતા બીચ તથા ધાર્મિક સ્થળોએ જ્યાં લોકોની ગિરદી સૌથી વધુ હોય ત્યાં વિશેષ પોલીસ દળ રાખવામાં આવશે. ગેટવે ઑફ ઇન્ડિયા, જુહુ બીચ તથા ગિરગાંવ ચોપાટી પાસે મહિલાઓ તથા બાળકોને પુરુષોથી અલગ કરવા માટે આડશ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત વૉચ-ટાવર તથા સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરા પણ ગોઠવી દેવામાં આવશે. વરલી સી-ફેસ તથા બાંદરા બૅન્ડ-સ્ટૅન્ડ જેવી જગ્યાએ પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ સ્થળોએ લોકોને જાહેરમાં દારૂ પીતા રોકવા પોલીસને સૂચના આપવામાં આવી છે. એ ઉપરાંત બે જૂથો વચ્ચે નજીવી બાબતોને લઈને થતા ઝઘડાને પણ રોકવાની સૂચના પોલીસને આપવામાં આવી છે. ન્યુ યરની ઉજવણી દરમ્યાન નિયમોનો ભંગ કરનારી હોટેલોને બ્લૅક-લિસ્ટ કરીને તેમને આનું પુનરાવર્તન થયું હોય તો પરમિશન રદ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.