આત્મહત્યા કરવા માટે ટ્રેનની રાહ જોઈને ઊભેલા હીરાદલાલને પોલીસે બચાવ્યો

26 January, 2021 09:33 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

આત્મહત્યા કરવા માટે ટ્રેનની રાહ જોઈને ઊભેલા હીરાદલાલને પોલીસે બચાવ્યો

પ્રતીકાત્મક તસવીર

હીરાની દલાલીમાં નુકસાન થતાં હતાશામાં સરી પડીને ટ્રેન સામે કૂદકો મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારા વિરારના ગુજરાતી યુવકને પોલીસે દોઢ કલાકમાં બચાવી લીધો હોવાની ઘટના બે દિવસ પહેલાં બની હતી. ૨૨ જાન્યુઆરીએ હીરાદલાલ યુવકે બીકેસી જવા માટે નીકળ્યા બાદ ઘરે પાછા જવાને બદલે પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનો મેસેજ કાકાને મોકલ્યો હતો. કાકાએ પોલીસમાં મિસિંગની ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવકનો મોબાઇલ ટ્રેસ કરીને તે નાલાસોપારામાં રેલવે-ટ્રૅક પાસે હોવાનું જણાતાં ત્યાં પહોંચીને યુવકને આત્મહત્યા ન કરવા સમજાવ્યો હતો અને પરિવારને સોંપી દીધો હતો.

વિરાર પોલીસે જણાવ્યા મુજબ વિરાર-ઈસ્ટમાં મહાવીર હૉસ્પિટલની પાછળના ભાગમાં આવેલી એક ઇમારતમાં રહેતો ૧૯ વર્ષનો કોઠિયા અટક ધરાવતો યુવક બીકેસીમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં હીરાની દલાલી કરે છે. ૨૨ જાન્યુઆરીએ યુવક રાબેતા મુજબ કામકાજ માટે ઘરેથી નીકળ્યો હતો.

જોકે સાંજે ઘરે પાછો આવવાને બદલે તેના કાકાને મેસેજ કર્યો હતો કે હીરાની દલાલીના ધંધામાં આર્થિક નુકસાન થયું હોવાથી હું ખૂબ હતાશ છું. એથી ઘરે આવવાને બદલે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મેસેજ વાંચીને ચોંકી ઊઠેલા યુવકના કાકાએ તરત જ વિરાર-ઈસ્ટના પોલીસ-સ્ટેશનમાં રાતે ૩.૩૦ વાગ્યે ભત્રીજાના મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મિસિંગની ફરિયાદ નોંધીને યુવકનો મોબાઇલ નંબર ટ્રેસ કર્યો હતો. યુવક નાલાસોપારામાં રેલવે-ટ્રૅક પાસે હોવાનું જણાયું હતું એથી પોલીસની ટીમ તાત્કાલિક યુવક જ્યાં હતો ત્યાં પહોંચીને તેને સમજાવીને ટ્રૅક પરથી દૂર લઈ ગઈ હતી.

વિરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ વરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વહેલી સવારે પાંચ વાગ્યે યુવક ટ્રેનના પાટા પર ટ્રેન આવવાની રાહ જોતો ઊભો હતો. અમારી ટીમે તેને પકડીને ટ્રૅક પરથી હટાવ્યો હતો. જોકે થોડી વાર પછી એક ટ્રેન પસાર થઈ હતી. પોલીસ જો સમયસર યુવક સુધી ન પહોંચી શકી હોત તો તેણે ટ્રેન સામે કૂદકો માર્યો હોવાની પૂરેપૂરી શક્યતા હતી. ધંધામાં આર્થિક નુકસાન થવાથી યુવક ખૂબ હતાશ હતો. તેને અમે સમજાવીને વિરાર લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપી દીધો હતો.’

યુવક માત્ર ૧૯ વર્ષનો હોવાથી તે હીરાની દલાલી શીખી રહ્યો છે કે નહીં એ જાણી શકાયું નથી. સામાન્ય રીતે મિસિંગની ફરિયાદમાં પોલીસ દખલ લેતી નથી. એમાં પણ રાતે ૩.૩૦ વાગ્યે પોલીસ લોકોને જવાબ નથી આપતી, પરંતુ વિરાર પોલીસ-સ્ટેશનમાં નાઇટ ડ્યુટીમાં હાજર પોલીસ-ટીમે મામલાને ગંભીરતાથી લઈને એક યુવાનનો જીવ બચાવ્યો છે એ એક સુખદ ઘટના કહી શકાય.

mumbai mumbai news virar mumbai police prakash bambhrolia