એક પોલીસે વાતોમાં બિઝી રાખી, બીજાએ બચાવી લીધી

04 January, 2021 08:32 AM IST  |  Mumbai | Mehul Jethva

એક પોલીસે વાતોમાં બિઝી રાખી, બીજાએ બચાવી લીધી

હાશ, બચી: વાશીમાં ગુજરાતી યુવતીને બચાવી લેતાં પોલીસો.

વાશીની પોલીસની ગઈ કાલે સાંજની બિરદાવવાલાયક કામગીરીને લીધે એક ગુજરાતી યુવતીનો જીવ બચી ગયો હતો. વાશીના સેક્ટર-નંબર ૧૭માં જય જવાન સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષની સોનલ ત્રિવેદી સાંજે અચાનક પોતાના બિલ્ડિંગની ટેરેસ પર આવેલી પાણીની ટાંકી પર આત્મહત્યા કરવા ચડી ગઈ હતી.

જોકે ત્યાં રહેતા લોકોના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે તરત જ પોલીસને આની જાણ કરી અને પોલીસ જરા પણ સમય લીધા વગર ઘટનાસ્થળે પહોંચી

ગઈ હતી. શરૂઆતમાં પોલીસે તેને ટાંકી પરથી નીચે આવી જવા ઘણી સમજાવી હતી, પણ તે એકની બે થવા તૈયાર નહોતી. તે સતત ટાંકી પરથી નીચે કૂદવાની વાત કરતી હતી. થોડી વાર સમજાવ્યા બાદ પોલીસને સમજાઈ ગયું કે તે પોતાની મેળે નીચે નહીં જ ઊતરે એટલે તેમણે એક યોજના બનાવી.

આ યોજના વિશે સોનલનો જીવ બચાવનાર પોલીસ-કૉન્સ્ટેબલ દત્તાત્રય રંગોટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેને સમજાવવામાં નિષ્ફળ ગયા બાદ અમે નક્કી કર્યું કે મારી સાથી મહિલા કૉન્સ્ટેબલ તેને વાતમાં બિઝી રાખે અને અમે પાછળની બાજુથી ટાંકી પર ચડીને તેને બચાવી લઈએ. હું અને ફાયરબ્રિગેડના અમારા સાથી સાથે ટાંકી પર પણ ચડ્યા હતા અને ભગવાનની દયાથી યુવતીને બચાવવામાં સફળ રહ્યા હતા.’ વાશી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ ધમાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના આશરે ચાર વાગ્યે બની હતી. યુવતીના પ્રાથમિક સ્ટેટમેન્ટમાં તેણે ઘરના ઝઘડાથી કંટાળીને આ નિર્ણય લીધો હોવાનું કહ્યું છે. આ સિવાય અમે એની પણ તપાસ કરી રહ્યા છીએ કે તેને કોઈ હેરાન તો નહોતું કરતુંને? હાલમાં તે તેની દાદી સાથે રહે છે. તેનાં મમ્મી ગુજરી ગયાં છે અને પપ્પા મર્ચન્ટ નેવીમાં કામ કરે છે.’

યુવતીના પ્રાથમિક સ્ટેટમેન્ટમાં તેણે ઘરના ઝઘડાથી કંટાળીને આ નિર્ણય લીધો હોવાનું કહ્યું છે. આ સિવાય અમે એની પણ તપાસ કરી રહ્યા છીએ કે તેને કોઈ હેરાન તો નહોતું કરતુંને?

- સંજીવ ધમાલે, વાશી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર

mumbai mumbai news vashi mumbai police mehul jethva