જૈનોનો સંયમ તૂટે એ પહેલાં પોલીસે આપ્યું આશ્વાસન

15 January, 2021 10:01 AM IST  |  Mumbai | Mumbai Correspondent

જૈનોનો સંયમ તૂટે એ પહેલાં પોલીસે આપ્યું આશ્વાસન

જૈનોનો સંયમ તૂટે એ પહેલાં પોલીસે આપ્યું આશ્વાસન

વસઈ-ઈસ્ટમાં સાતીવલીના તુંગારેશ્વર રોડ પર તુંગાર ફાટા પાસે આવેલા ૧૭ વર્ષ જૂના શ્રી ૧૦૦૮ ચિંતામણિ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરમાં ૩૧ ડિસેમ્બરે દેરાસરની લગભગ ૬ ફુટની દીવાલ કૂદીને ચોરો અંદર ઘૂસ્યા હતા. લંટારાઓ દેરાસરમાં પૂજાતી ભગવાનની ૧૧ પ્રતિમાઓ સહિત અનેક શણગારની વસ્તુઓ ચોરી ગયાના ૧૫ દિવસ બાદ પણ પોલીસને સફળતા મળી ન હોવાથી જૈન સમાજમાં આક્રોશ વ્યાપી ગયો હતો એથી આગળની રણનીતિ નક્કી કરવા દેરાસરના હૉલમાં ગઈ કાલે સવારે એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલિવ પોલીસ-સ્ટેશનના અધિકારીઓ સહિત જૈન સમાજના શ્રાવકો, દેરાસરના ટ્રસ્ટીગણ મળી સોએક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશે જાણકારી આપતાં વસઈ દેરાસરના મૅનેજિંગ ટ્રસ્ટી ભરત શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારા દેરાસરમાં છેલ્લા પંદરેક દિવસથી પૂજાતી પ્રતિમાઓ ચોરાતાં અમને ક્યાંય ચેન નથી પડતું. ચોરોએ મૂર્તિઓની શું હાલત કરી હશે એવા વિચારે અમારી રાતની ઊંઘ હરામ કરી નાખી છે. પોલીસ વિભાગે અત્યાર સુધી કોઈ કડી મેળવી ન હોવાથી જૈન સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે એથી ગઈ કાલે ટ્રસ્ટીગણ સહિત જૈન સમાજની પોલીસની હાજરીમાં બેઠક યોજાઈ હતી. સમાજના લોકોએ તેમની વેદના ઠાલવી હતી અને દિવસ-રાત તપાસ કરી રહ્યા હોવાથી જલદીથી ચોરો મળી જશે એવું આશ્વાસન પોલીસે આપ્યું હતું. પોલીસે વિનંતી કરી હતી કે થોડો સંયમ રાખો, મૂર્તિઓ મળી જશે. એટલે હાલમાં અમે આંદોલન કરવાનું વિચારી રહ્યા હતા એ મોકૂફ રાખ્યું છે.’
દેરાસરના ટ્રસ્ટીગણ બિપિન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘બેઠકમાં પોલીસને અમે જાણ કરી કે લોકોની ધીરજ ખૂટતી જાય છે અને આક્રોશ વ્યાપ્યો હોવાથી તાત્કાલિક મૂર્તિઓ શોધી આપો. તેમણે ચોરો જલદીથી મળવાની સાથે મૂર્તિઓ લગભગ પાંચ દિવસમાં મળશે એવું સુધ્ધાં કહ્યું છે. પોલીસની વાત પરથી સાંત્વના મેળવીને હાલમાં અમે શાંત બેઠા છીએ, પરંતુ વધુ લાંબા દિવસ રાહ જોઈ શકીશું નહીં.’

પોલીસ શું કહે છે?
આ બેઠક વિશે જણાવતાં વાલિવ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિલાસ ચૌગુલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જૈન મંદિરમાં ટ્રસ્ટીઓ સહિત લોકોની બેઠક યોજાઈ હતી એમાં અમે તેમને ચોરો જલદી પકડી પાડવામાં આવશે એવું કહ્યું છે. કેસની તપાસ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હોવાથી ટૂંક સમયમાં પ્રતિમા પણ મળી જશે એવું તેમને સમજાવવામાં આવ્યું છે.’

mumbai mumbai news