ખોવાયેલી ગુજરાતી યુવતીને શોધવામાં પોલીસને રસ નથી

25 December, 2012 03:58 AM IST  | 

ખોવાયેલી ગુજરાતી યુવતીને શોધવામાં પોલીસને રસ નથી



નાલાસોપારાથી બીજી ડિસેમ્બરે ગુમ થયેલી ૨૨ વર્ષની એક ગુજરાતી યુવતી અવનિ બારોટનો ૨૩ દિવસ પછી પણ કોઈ પત્તો નથી ત્યારે તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે અવનિએ લગ્ન કરી લીધાં હશે એમ કહીને પોલીસ યોગ્ય કાર્યવાહી નથી કરતી.

નાલાસોપારા (ઈસ્ટ)માં ધર્માનગરમાં આવેલા સાંઈ કોણાર્ક બિલ્ડિંગમાં રહેતા ત્રંબટ બારોટ સમાજની ૨૨ વર્ષની અવનિ બારોટ વસઈ (વેસ્ટ)માં સ્ટેશન રોડ પર આવેલા દત્તાત્રેય મૉલની એક દુકાનમાં કામ કરતી હતી. બીજી ડિસેમ્બરે સવારે સવાનવ વાગ્યે તે કામ પર જવા નીકળી હતી અને ત્યાર બાદ પાછી નહોતી ફરી. અવનિની માતાએ ૭ ડિસેમ્બરે નાલાસોપારા પોલીસ-સ્ટેશને અવનિ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અવનિની મમ્મી લતા બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરી ગુમ થઈ એને ૨૩ દિવસ થયા છતાં પોલીસને અમે પૂછીએ તો તેઓ અમને એમ જ કહે છે કે તપાસ ચાલુ છે અને કદાચ તમારી દીકરીએ કોઈકની સાથે લગ્ન કરી લીધાં હશે. મારી દીકરીએ એવું કાંઈ કરવું હોત તો તેણે પહેલાં જ અમને જણાવ્યું હોત, કેમ કે અમે બન્ને મિત્રની જેમ રહેતાં હતાં. અમે પોલીસને એ જ કહી રહ્યા છીએ કે તેણે લગ્ન કયાર઼્ હોય કે કંઈ પણ હોય, અમને અમારી દીકરી કેવી છે અને ક્યાં છે એ વિશે જાણવું છે. અમારી દીકરીને અમે જોઈશું ત્યારે જ અમને શાંતિ મળશે. પોલીસે યોગ્ય રીતે કાર્યવાહી કરી હોત તો કદાચ અત્યાર સુધી મારી દીકરી મળી ગઈ હોત. મધ્યમવર્ગના હોવાથી અમે પોલીસની મદદ લેવા સિવાય બીજું કાંઈ કરી શકતા નથી.’

નાલાસોપારા પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અવનિ વિશે બધે તપાસ કરી રહ્યા છીએ, પણ કાંઈ ખબર નથી પડી.’