આ વર્ષનો બેસ્ટ જોક

26 December, 2012 03:18 AM IST  | 

આ વર્ષનો બેસ્ટ જોક



અકેલા

મુંબઈ, તા. ૨૬

૨૦૦૫માં કારનો ઍક્સિડન્ટ કરી એક માણસને મોતને ઘાટ ઉતારનારાફિલ્મ-ઍક્ટર સલમાન ખાનની સામે બાંદરા કોર્ટે જારી કરેલા સમન્સ આપવામાં બાંદરા પોલીસ મૂંઝવણ અનુભવી રહી છે. એના મતે સલમાન ખાન મુંબઈમાં નથી. બાંદરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે સલમાન ખાન મુંબઈની બહાર છે, પણ સલમાન ખાન સામે કેસ કરનારા ફરિયાદી સંતોષ દૌંડકરે આ પોલીસ-અધિકારીને કહ્યું હતું કે સલમાન ખાન તો નજીકના મેહબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યો છે ત્યારે તેમને જવાબ મળ્યો કે પોલીસ હાલમાં નાતાલના બંદોબસ્તમાં વ્યસ્ત છે. આવતી કાલે સલમાન ખાનનો જન્મદિવસ છે અને એ દિવસે એટલે કે ૨૭ ડિસેમ્બરે જ તેને બાંદરા કોર્ટમાં હાજર રહેવાનું છે. નવાઈની વાત એ છે કે સલમાન ખાન બાંદરામાં જ ક્રિસમસ પાર્ટીમાં હાજરી આપે છે, પણ પોલીસને તે દેખાતો નથી.

બાંદરાની મૅજિસ્ટ્રેટ કોર્ટે ૩૦ નવેમ્બરે ૨૦૦૫ના જૂના હિટ ઍન્ડ રન કેસમાં સલમાન ખાન અને બાંદરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અભય શાસ્ત્રીને બાંદરા કોર્ટમાં હાજર રહેવા શો-કૉઝ નોટિસ આપીને સમન્સ જારી કર્યા હતા. ૪ ડિસેમ્બરે અરજદાર સંતોષે આ બન્ને સમન્સ બાંદરા પોલીસ-સ્ટેશનમાં આપ્યા હતા અને એ સલમાન ખાનને આપવા કહ્યું હતું. ૨૧ દિવસ પૂરા થઈ જવા છતાં આ સમન્સ હજી સુધી બાંદરા પોલીસ-સ્ટેશનમાં ધૂળ ખાઈ રહ્યા છે.

સલમાન ખાનને સમન્સ પહોંચાડી દેવામાં આવ્યા કે નહીં એ પૂછવા સંતોષ ૨૪ ડિસેમ્બરે અભય શાસ્ત્રીને મળ્યાં હતા. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં સંતોષે કહ્યું હતું કે ‘અભય શાસ્ત્રીએ મને કહ્યું કે સલમાન ખાન મુંબઈની બહાર છે. મેં તેમને કહ્યું કે સલમાન ખાન તો મેહબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યો છે ત્યારે તે મારા પર ગરમ થઈ ગયા હતા અને હું સારો ડિટેક્ટિવ છું એમ કહ્યું હતું. સમન્સ બજાવવા એ તેમનું કામ છે અને હું કોર્ટની ઇચ્છા પૂરી કરીશ એમ કહીને તેમણે કહ્યું કે હાલમાં હું ક્રિસમસના બંદોબસ્તમાં વ્યસ્ત છું.’

જોકે માત્ર અભય શાસ્ત્રી એકલા જ વ્યસ્ત નથી. સોશ્યલાઇટ અનુ અને સની દીવાને એક ક્રિસમસ પાર્ટી રાખી હતી અને એમાં સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટીઝ હાજર હતી. સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) ઑફ પોલીસ પરમબીર સિંહ પણ આ પાર્ટીમાં હાજર હતા અને મંગળવારે વહેલી સવારે સવાત્રણ વાગ્યે તેઓ પાર્ટીમાંથી ગયા હતા. મોડી રાત સુધી આ પાર્ટીમાં મ્યુઝિક ચાલી રહ્યું હતું. કેન્દ્રના હોમ મિનિસ્ટર સુશીલકુમાર શિંદેની બે પુત્રી પ્રીતિ અને વિધાનસભ્ય પ્રણિતી પણ એમાં હાજર હતી.

આ પાર્ટી નજરે જોનારાએ કહ્યું હતું કે ‘આ પાર્ટી સવારે સાત વાગ્યા સુધી ચાલી હતી. પરમબીર સિંહ પણ તેમની પત્ની સવિતા સાથે આ પાર્ટીમાં આવ્યા હતા અને ફોટોગ્રાફરોને તેમના ફોટો ન પાડવાની વિનંતી કરતા હતા.’

સતીષ દૌંડકરનાં ઍડ્વોકેટ આભા સિંહે કહ્યું હતું કે ‘આ કેસમાં શરૂઆતથી જ બાંદરા પોલીસ સલમાન ખાનની ફેવર કરી રહી છે. અભય શાસ્ત્રીની વર્તણૂક સ્વીકારી શકાય એવી નથી. તેને સજા કરવામાં આવે એ માટે અમે માગણી કરીશું.’

આદર્શ કૌભાંડને બહાર લાવનારા સતીષ દૌંડકર રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ હેઠળ માહિતી મેળવતા ઍક્ટિવિસ્ટ છે અને તેમણે બાંદરા કોર્ટમાં આ પિટિશન દાખલ કરી છે. ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર વાય. પી. સિંહનાં પત્ની આભા સિંહે કોર્ટમાં દલીલો કરતાં કહ્યું હતું કે બીજા સેન્સિટિવ કેસોમાં ખટલા જલદી પૂરા થઈ જાય છે, પણ સલમાન ખાનનો કેસ વર્ષોથી લટકી રહ્યો છે.

ગયા મહિને યોજાયેલી પત્રકાર-પરિષદમાં આભા સિંહે સલમાન ખાનના કેસની વિગતો આપી હતી. ૨૦૦૫ની ૨૮ સપ્ટેમ્બરે સલમાન ખાને તેની કાર એક બેકરી પર ચડાવી દીધી હતી અને એમાં એક માણસનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર જણ ઘાયલ થયા હતા.

આ કેસ વિશે બાંદરા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું કે મોડી રાત સુધી પાર્ટી થતી હતી અને જોરથી મ્યુઝિક વાગતું હતું એની મને જાણ નથી. પરમબીર સિંહે કહ્યું હતું કે હું પાર્ટીમાં થોડા સમય માટે ગયો હતો અને જલદી પાછો આવી ગયો હતો.

જોકે બાંદરા પોલીસ-સ્ટેશનનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘જે પાર્ટીમાં કેન્દ્રના હોમ મિનિસ્ટરની પુત્રીઓ આવવાની હોય અને મોટા પોલીસ-અધિકારીઓ હાજર રહેવાના હોય એવી પાર્ટી સામે અમે ઍક્શન લઈએ એવું તમે ઇચ્છી રહ્યા છો?’

વારંવાર ફોન અને મોબાઇલ ફોન પર મેસેજ મૂકવા છતાં અભય શાસ્ત્રીનો સંપર્ક થઈ શક્યો નહોતો.

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ