સાકીનાકાના ગુજરાતીની હત્યાનો કેસ સૉલ્વ કરવા પોલીસે કરી સેંકડો કચરો વીણનારાઓની પૂછપરછ

28 June, 2021 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આટલી જહેમત ઉઠાવ્યા બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને એણે જૂની અદાવતનો બદલો લેવા જિગર ચાવડાને મારનારા બે જણની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

સાકીનાકામાં રહેતા ૨૩ વર્ષના જિગર ચાવડાની હત્યાના કેસમાં વિલે પાર્લે પોલીસે સખત મહેનત કરી સેંકડો કચરો વીણનારાઓની પૂછપરછ કરીને આખરે બે કચરા વીણનારાને ઝડપી લીધા છે. જૂની અદાવતનો બદલો લેવા બન્ને જણે જિગરની મારઝૂડ કરી હતી. જોકે ગંભીર ઈજા થતાં સારવાર દરમ્યાન જિગરનું મૃત્યુ થયું હતું. વિલે પાર્લે પોલીસે બન્ને આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધીને કેસની વધુ કાર્યવાહી કરી હતી.

સાકીનાકામાં આવેલી એક સોસાયટીમાં રહેતો જિગર બાબુ ચાવડા ગયા સોમવારે ૨૧ જૂને ગંભીર રીતે ઘવાયેલી હાલતમા વિલે પાર્લે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે આવેલી જાલ હોટેલની ઇમારત પાસેથી મળી આવ્યો હતો. તેને સારવાર માટે વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.

હત્યાના કેસની વિગતો આપતાં વિલે પાર્લે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિગર ચાવડાને ડ્રગ્સની આદત હતી. જાલ હોટેલની અવાવરું ઇમારતનો ઉપયોગ કચરો વીણનારા કરતા હોય છે. ખાસ કરીને પ્લાસ્ટિકની બૉટલો તેમ જ દારૂની બૉટલો ભેગી કરીને ભંગારમાં વેચનારાઓ તેમનો માલ ભેગો કરીને ત્યાં રાખતા હોય છે. ડ્રગ્સની લતના કારણે જિગરે ભૂતકાળમાં ત્યાં પડેલો બીજાનો માલ વેચીને રોકડી કરી લીધી હતી. જોકે એ કેસમાં તે પકડાયો હતો અને તેને તડીપાર કરાયો હતો. જોકે તેણે જેમનો માલ ચોર્યો હતો એ બન્ને આરોપીઓ રાજેશ મારુ અને જમીલ અન્સારીને તેના પર જબરદસ્ત ગુસ્સો હતો. હાલમાં જ જિગર તેની તડીપારની મુદત પૂરી થતાં પાછો ફર્યો હતો. તે ગયા સોમવારે ફરી જાલ હોટેલ પહોંચ્યો હતો. એ વખતે રાજેશ મારુ અને જમીલ અન્સારીએ પહેલાં તો તેને પાટુ માર્યા હતા અને ત્યાર બાદ ત્યાં પડેલી લાકડી અને પથ્થર પણ મારતાં જિગર ગંભીર રીતે ઘવાયો હતો. રાજેશ અને જમીલ ત્યાર બાદ જિગરનો મોબાઇલ લઈને ત્યાંથી નાસી ગયા હતા. નસીબજોગે જિગરનો એક મિત્ર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે ત્યાં જિગરની બાઇક પડેલી જોઈને આજુબાજુ તપાસ કરતાં જિગર ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણે અમને જાણ કરતાં અમે તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ ગયા હતા.’

 ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણેએ વધુમાં કહ્યું હતું કે ‘અમને એ કેસમાં સીસીટીવી કૅમેરાનાં કોઈ ફૂટેજ મળ્યાં નહોતાં. એથી અમે નાગપાડાથી લઈને દહિસર સુધી કચરો વીણતા સેંકડો લોકોને મળીને તેમની પૂછપરછ કરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમની પાસેથી એ ભંગારનો માલ ખરીદતા દુકાનદારોની પણ પૂછપરછ કરતાં આખરે થોડી-થોડી વિગતો મળી અને એના આધારે બન્ને આરોપીઓને ઝડપી લેવાયા હતા. તેમની સામે અમે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.’

mumbai news mumbai Crime News mumbai crime news sakinaka vile parle