પત્ની ફોન પર સમજાવી રહી હતી ત્યારે જ પતિએ કરી આત્મહત્યા

18 February, 2021 01:21 PM IST  |  Mumbai | Mehul Jethva

પત્ની ફોન પર સમજાવી રહી હતી ત્યારે જ પતિએ કરી આત્મહત્યા

ભૂષણ પવાર

એપીએમસી પોલીસ-સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક ભૂષણ પવારે રવિવારે સવારે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી, જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ કેસમાં ચોંકાવનારી એક વાત એ બહાર આવી છે કે જ્યારે તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા એ દરમ્યાન તેમની પત્નીનો ફોન ચાલુ હતો. તેણે ભૂષણ પવારને સમજાવવાની બહુ કોશિશ કરી હતી, પણ તે ટસના મસ નહોતા થયા એવું આ કેસની તપાસ કરી રહેલા એપીએમસી પોલીસના અધિકારીનું કહેવું છે. આ ઉપરાંત તેમણે એક વર્ષ પહેલાં એક વેપારમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા જે ન ચાલતાં તેમને મોટું નુકસાન થયું હતું એટલે તેઓ થોડા સમયથી આર્થિક પરેશાનીમાં મુકાઈ ગયા હતા. એને લીધે તેઓ બહુ જ ટેન્શનમાં રહેતા હતા. તેમનો પરિવાર પુણેમાં જ રહે છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘એપીએમસી પોલીસ-સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત ભૂષણ પવાર ૧૪ વર્ષથી મહારાષ્ટ્ર પોલીસમાં હતા. ૨૦૧૯માં તેમણે પુણેમાં પાણીની એક બ્રૅન્ડ બનાવીને એનો વેપાર ચાલુ કર્યો હતો. ૨૦૨૦ના માર્ચ મહિનામાં લૉકડાઉન આવતાં તેમને વેપારમાં મોટું નુકસાન થયું હતું. એનું કારણ એ હતું કે પાણીના ફિલ્ટરેશન માટેની મશીનરી અને બીજી વસ્તુઓ લેવા માટે તેમણે લોકો પાસેથી અનેક લોન લીધી હતી. ઘણા મહિનાઓ વીતી ગયા પછી પણ તેમનો વેપાર ચાલ્યો નહોતો.’

એપીએમસી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભૂષણ પવાર પહેલાં ડિટેક્શન વિભાગમાં હતા. ત્યાર બાદ તેમને બીજી ડ્યુટીમાં મૂકવામાં આવ્યા હતા. એમાં પણ તેઓ પરેશાન રહેવા લાગ્યા હતા. રવિવારે સવારે તેઓ ફરજ પર આવીને પોતાની કૅબિનમાં બેઠા હતા અને પત્ની સાથે વાત કરી રહ્યા હતા એ દરમ્યાન તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ તેમની પત્નીએ તરત પોલીસ-સ્ટેશનમાં ફોન પણ કર્યો હતો.’

mumbai mumbai news apmc market suicide mehul jethva