પોલીસ મુખ્યાલય માટેની જમીન પર જ અતિક્રમણ

29 December, 2011 08:01 AM IST  | 

પોલીસ મુખ્યાલય માટેની જમીન પર જ અતિક્રમણ



વસઈ-વિરારમાં જ્યારે વસ્તી પાંચ લાખથી સાત લાખની હતી ત્યારે જે પોલીસ-સ્ટેશનની જગ્યા હતી એ જ આજે પંદર લાખની વસ્તી થવા છતાં એટલી જ છે. વાલીવ અને અર્નાળા પોલીસ-સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યાં છે એટલે કોસ્ટલ પોલીસ-સ્ટેશન અથવા મીરા-ભાઈંદર અને વસઈનો સમાવેશ ઝોન ૬માં કરી એની ઝોનલ ઑફિસ બનાવીને થાણે કમિશનરેટ સાથે એને સાંકળવાના પ્રસ્તાવને શાસનની માન્યતા પણ મળી છે.

જે રીતે વસઈ-વિરારમાં વસ્તી વધી રહી છે એ રીતે અત્યારના પોલીસ-સ્ટેશનમાં એકદમ સંકડાશ અનુભવાય છે. આજે પણ માણિકપુર પોલીસ-સ્ટેશન ભાડાના છ ગાળામાં કાર્યરત છે. એ જ રીતે ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટની ઑફિસ પણ ભાડાની છે. વિરાર, નાલાસોપારા, માણિકપુર, વસઈ પોલીસ-સ્ટેશનમાં કર્મચારીઓ માટે બેસવાની જગ્યા, પ્રસાધનગૃહ, પાર્કિંગ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે તો અહીં મહિલા આરોપીને રાખવા અલગ લૉક-અપ ન હોવાને કારણે તેમને વસઈ પોલીસ-સ્ટેશનમાં લઈ જવા પડે છે. ઉપરાંત માણિકપુર પોલીસ-સ્ટેશન રોડની નજીક આવેલું હોવાથી અને રસ્તો પણ એકદમ સાંકડો હોવાથી પોલીસ-સ્ટેશનમાં આવનારાઓ દ્વારા થતાં પાર્કિંગને કારણે ત્યાંના રહેવાસીઓ ભારે પરેશાન છે.

આટઆટલી પરેશાની હોવા છતાં અને અગાઉ સિડકોએ વસઈ-વિરારમાં પોલીસ હેડક્વૉર્ટ્ર્સ અને પરેડ ગ્રાઉન્ડ માટે દીવાનમાનમાં સર્વે નંબર ૧૭૬ અને ૧૫૬ની ૨૭ એકર જમીન રિઝવ્ર્ડ રાખી હતી. જોકે સમયસર કામ શરૂ ન થવાને કારણે લગભગ ૧૨,૦૦૦ ચોરસમીટર જમીન પર ભૂમાફિયાઓએ કબજો જમાવી દીધો.

આ ગંભીર બાબતે આયોજન સમિતિના સભ્ય અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના જિલ્લાધ્યક્ષ ગોવિંદ ગુંજાલકરે જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ અને પાલકપ્રધાન ગણેશ નાઈકનું ધ્યાન દોર્યું હતું. ગણેશ નાઈકે ત્વરિત પગલાં લઈ તહસીલદારને અતિક્રમણ દૂર કરી પ્લૉટનો કબજો પોલીસને સોંપવા જણાવ્યું હતું. તહસીલદારે જમીનનો સર્વે કરતાં લગભગ ૧૨,૦૦૦ ચોરસમીટર જમીન પર અતિક્રમણ થયું હોવાનું જણાતાં જગ્યા ખાલી કરવા નોટિસ મોકલવામાં આવી છે. ઉપરાંત પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રાજકુમાર મોર પણ જગ્યા વહેલી તકે પોલીસને મળે એ માટે ઍડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સંગ્રામસિંહ નિશાલદાર અને ડીવાયએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) દીપક દેવરાજને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી છે.