વીજીએન જ્વેલર્સમાં જેમના પૈસા ફસાયા હોય તેમને ફરિયાદ કરવાની પોલીસે કરી અપીલ

15 September, 2021 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણમાં રહેતી મહિલાને મૅચ્યોરિટી બાદ પણ પૈસા પાછા ન મળતાં તેણે થાણે પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગમાં કરી ૬૭ લાખની ચીટિંગની ફરિયાદ

વીજીએન જ્વેલર્સમાં જેમના પૈસા ફસાયા હોય તેમને ફરિયાદ કરવાની પોલીસે કરી અપીલ

જ્વેલર્સ દ્વારા ઊંચા વળતરની સ્કીમ જાહેર કરીને ત્યાર બાદ અનેક રોકાણકારોનાં નાણાં ઓળવી જવાની ઘટનાઓ છેલ્લા થોડા વખતથી બનતી આવી છે. એમાં એકનો વધારો થયો છે. થાણે-ડોમ્બિવલી, કલ્યાણમાં વીજીએન જ્વેલર્સના શોરૂમ આવેલા છે. એ વીજીએન જ્વેલર્સના ​ડિરેક્ટર વી. જી. નાયર, તેમનાં પત્ની વત્સલા અને દીકરા ગોવિંદ સામે છેતરપિંડીની ફરિયાદ થાણે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (ઈઓડબ્લ્યુ)માં નોંધાઈ છે. પોલીસે ફરિયાદ મળતાં કેસની તપાસ ચાલુ કરી છે. આ ઉપરાંત તેમના દ્વારા ચલાવાતી આ સ્કીમમાં અનેક રોકાણકારોનાં નાણાં અટવાયાં હોવાની જાણ થતાં પોલીસે રોકાણકારોને અપીલ કરી છે કે જે લોકોના પૈસા અટવાઈ ગયા હોય તે થાણે ઈઓડબ્લ્યુનો સંપર્ક કરી ફરિયાદ કરી શકે છે. 
કલ્યાણમાં રહેતી મહિલા ફરિયાદી શાલિની પાટીલે તેની ફરિયાદમાં કહ્યું છે કે તેના અને તેના પરિવારના કુલ ૬૭ લાખ રૂપિયા વીજીએન જ્વેલર્સમાં ફસાઈ ગયા છે જે એ લોકો લાંબા સમયથી પાછા નથી આપી રહ્યા એથી અમારી સાથે છેતરપિંડી થઈ છે. ઈઓડબ્લ્યુએ તે સંદર્ભે ત્રણે જણ સામે કેસ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે. ડોમ્બિવલીમાં અનેક ગુજરાતીઓ અને કચ્છીઓએ વીજીએન જ્વેલર્સમાં પૈસાનું રોકાણ કર્યું હતું અને તેમના પૈસા પણ અટકી ગયા હોવાનું કહેવાય છે. 
ફરિયાદી શાલિની પાટીલે તેની ફરિયાદમાં કહ્યું છે કે ‘ગયા વર્ષે જ તેમના રોકાણનો પિરિયડ પતી ગયો હતો. એથી મૅચ્યોરિટી વખતે તે પોતાની રકમ પાછી લેવા ગઈ ત્યારે તેને રકમ પાછી ન આપતાં વાયદા કરાયા હતા. એ વખતે એવું કારણ આપવામાં આવ્યું હતું કે કોરોનાને કારણે ધંધો મંદ હોવાથી થોડો વધુ ટાઇમ લાગશે. એ પછી પણ આપેલા વાયદા તેમણે પૂરા કર્યા નહોતા અને તેનાં નાણાં અટવાઈ ગયાં હતાં. હવે તેની દીકરીનાં લગ્ન નક્કી થયાં છે અને તેને પૈસાની બહુ જ જરૂર છે એમ છતાં જ્યારે વીજીએન તરફથી રકમ પાછી ન મળી ત્યારે આખરે તેણે આ સંદર્ભે થાણે ઈઓડબ્લ્યુમાં આ સંદર્ભે ફરિયાદ કરી હતી.’ 
આ સંદર્ભે ‘મિડ-ડે’એ થાણેની ઈઓડબ્લ્યુના ડીસીપી સુનીલ લોખંડેનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘અમે આ સંદર્ભે ગુનો નોંધીને કેસની તપાસ ચાલુ કરી છે. હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. જો કોઈ રોકાણકારના પૈસા અટવાઈ ગયા હોય તો તેઓ આ સંદર્ભે અમારો સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે.’   

Mumbai mumbai news