પોલીસે એક જ દિવસમાં ૯૬૧૭ લોકો પાસેથી વસૂલ કર્યો ૧૯,૨૩,૪૦૦ રૂપિયાનો દંડ

23 February, 2021 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે એક જ દિવસમાં ૯૬૧૭ લોકો પાસેથી વસૂલ કર્યો ૧૯,૨૩,૪૦૦ રૂપિયાનો દંડ

કોરોનાને ફેલાતો રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ પોલીસને માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી કરવાની પરવાનગી આપ્યા બાદ રવિવારથી શહેરનાં તમામ પોલીસ સ્ટેશન દ્વારા કાયદાનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવાની શરૂઆત કરાઈ છે. રવિવારે પોલીસે માસ્ક ન પહેરનારા ૯૬૧૭ લોકો પાસેથી ૧૯,૨૩,૪૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આમાંથી ૫૦ ટકા રકમ પોલીસના ફંડમાં જશે, જ્યારે બાકીની રકમ મુંબઈ મહાનગરપાલિકાને આપવામાં આવશે. ગઈ કાલે એટલે કે સોમવારના આંકડા આવતી કાલે જાહેર કરાશે.

મુંબઈ પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર (ઑપરેશન્સ) ચૈતન્ય એસ.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ શહેરનાં તમામ ૯૫ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરોને માસ્ક ન પહેરનારા લોકો સામે ઑન ધ સ્પૉટ ઍક્શન લેવાનો આદેશ કમિશનર પરમબીર સિંહે આપ્યો છે. રવિવારથી આ આદેશનું પાલન શરૂ કરાયું છે. એક જ દિવસમાં માસ્ક ન પહેરનારા ૯૬૧૭ લોકોને દંડ કરીને તેમની પાસેથી ૧૯,૨૩,૪૦૦ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. કોરોના નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રખાશે. એક વખત દંડ ભર્યા બાદ બીજી વાર માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ભરવો નહીં પડે એવા ભ્રમમાં કોઈએ રહેવું નહીં.’

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai police