બે જણને કોરોનાનો ચેપ લગાડતાં પોલીસે ત્રણ એફઆઈઆર દાખલ કરી

29 March, 2020 09:42 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

બે જણને કોરોનાનો ચેપ લગાડતાં પોલીસે ત્રણ એફઆઈઆર દાખલ કરી

ટર્કીના યુવાન અને લગ્નસમારંભનું આયોજન કરનારાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ હોવાની માહિતી આપતા ડોમ્બિવલી વિભાગના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર દિલીપ રાઉત અન્ય અધિકારીઓ સાથે.

એક એફઆઈઆર યુવાન સામે તો કોરોનાને લીધે લોકોની ગિરદી થાય એવા કાર્યક્રમોના આયોજન સામે કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં હલદીકંકુ કાર્યક્રમ તથા બીજા દિવસે લગ્નસમારંભનું આયોજન કરનારાઓ સામે ડોમ્બિવલીના રામનગર અને વિષ્ણુનગર પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા : લગ્નસમારંભમાં મેયર સહિત અનેક નગરસેવકો સામેલ હોવાનું મનાતું હોવાથી પોલીસે તપાસ હાથ ધરી

ટર્કીથી ભાઈના લગ્નમાં સામેલ થવા ડોમ્બિવલી આવીને લોકોમાં કોરોના વાયરસનો ચેપ લગાવવા બદલ પોલીસે ગઈ કાલે આ યુવાન સામે એફઆઈઆર નોંધી હતી. આ લગ્નસમારંભમાં સામેલ થનારી એક મહિલા અને એક પુરુષની કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતાં સરકારે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં લોકોની ગિરદી થાય એવા સમારંભનું આયોજન કરવા બદલ બે જુદી જુદી એફઆઈઆર નોંધીને ડોમ્બિવલીના રામનગર અને વિષ્ણુનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

અત્યાર સુધી લગ્નમાં સામેલ થનારા ૮ લોકોની ટેસ્ટ કરાઈ છે, જેમાંથી બેની નેગેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ લગ્ન સમારંભમાં કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના મેયર, અનેક નગરસેવકો અને મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હોવાનું મનાતું હોવાથી પોલીસે તપાસ હાથ ધરી. ‘મિડ-ડે’ના ૨૭ માર્ચના અંકમાં ડોમ્બિવલીમાં ફફડાટના સમાચાર આપ્યા હતા જેમાં ટર્કીના યુવાનને લીધે અનેક લોકોને કોરાનાનો ચેપ લાગવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી એ દહેશત હકીકતમાં બદલાઈ રહી છે.

ડોમ્બિવલીના રામનગર પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે પોલીસે ટર્કીથી આવેલા યુવક સામે મહાબીમારીના કાયદાનો ભંગ કરવા ઉપરાંત આઈપીસીની કલમો ૧૮૮, ૨૬૯, ૨૭૦ અને ૨૭૧ અંતર્ગત એફઆઈઆર (૧૯૪/૨૦૨૦) નોંધીને તપાસ હાથ ધરી છે. આ યુવક ૧૫ માર્ચે ટર્કીથી મુંબઈ આવ્યો હતો. તેને ૧૪ દિવસ સુધી ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું હોવા છતાં તે ૧૮ માર્ચે હલદીકંકુ અને ૧૯ માર્ચે ભાઈના લગ્નમાં સામેલ થયો હતો. બાદમાં તેની ટેસ્ટ કરાતાં એ પોઝીટીવ જણાતાં તેને કસ્તુરબા હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાયો છે.

રામનગર પોલીસ સ્ટેશનમાં જ ડોમ્બિવલી (પૂર્વ)માં બી. આર. મઢવી ગ્રાઉન્ડમાં પ્રતિબંધ હોવા છતાં હલદીકંકુના કાર્યક્રમનું આયોજન કરવા બદલ ત્રણ આયોજક અને મઢવી ગ્રાઉન્ડ કાર્યક્રમ માટે ભાડે આપનારા સામે એફઆઈઆર (નં. ૧૦૫/૨૦) નોંધવામાં આવી હતી.
હલદીકંકુના બીજા દિવસે ડોમ્બિવલી (પૂર્વ)માં દિવા-વસઈ રેલવે લાઈનની પાછળ ગણેશ ઘાટ રોડ પરના મેદાનમાં લગ્નસમારંભનું આયોજન કરાયું હતું. આથી વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં ચાર આયોજક સામે એફઆઈઆર (નં. ૯૧/૨૦) નોંધવામાં આવી હતી.
ડોમ્બિવલી વિભાગના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર દિલીપ રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્વોરન્ટીન કાયદો, પ્રતિબંધ હોવા છતાં હલદીકંકુ અને લગ્નસમારંભ યોજીને અનેકના જીવ જોખમમાં મૂકવા બદલ અમે ત્રણ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. લગ્નમાં સામેલ એક મહિલા અને એક પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાઈ આવ્યા બાદ અમે આ ગુના નોંધ્યા છે. લગ્ન સમારંભમા ફોટાઓ તપાસ્યા બાદ એમાં પાલિકાના મેયર, નગરસેવકોથી લઈને જેટલાં પણ લોકો સામેલ થયા હોવાનું જણાશે તો તેમની યાદી કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને આપીને આ તમામને કોરોન્ટીન કરવાની ભલામણ કરીશું.’

mumbai mumbai news Crime News coronavirus dombivli covid19 kalyan