લંપટ જ્યોતિષીએ પાંચ માનવબલિ આપ્યા હોવાની ચોંકાવનારી આશંકા

25 March, 2026 11:20 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

પાંચ વપરાયેલી કારતૂસ મળી આવી: લોકોને નકલી સાપ અને વાઘની ચામડીથી ડરાવતો, કસ્તુરીનો પણ ઉપયોગ કરતો

પોલીસની પકડમાં અશોક ખરાત.

નાશિકના નકલી ગૉડમૅન અશોક ખરાતની પોલીસ-કસ્ટડી ૨૯ માર્ચ સુધી લંબાવવામાં આવી

નાશિકમાં ચાલી રહેલા જાતીય શોષણના કેસમાં લંપટ જ્યોતિષી અશોક ખરાતને કોર્ટે ગઈ કાલે ૨૯ માર્ચ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ગઈ કાલે તેની કસ્ટડી પૂરી થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમ્યાન સરકારી પક્ષે તેની કસ્ટડી લંબાવવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે તપાસ માટે વધુ સમયની જરૂર છે, જે કોર્ટે માન્ય રાખી હતી.

કોર્ટમાં મોટી ભીડ, કડક સુરક્ષા

અશોક ખરાતને કોર્ટમાં લાવતાં પહેલાં જિલ્લા હૉસ્પિટલમાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ કડક પોલીસ-સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કેસની સંવેદનશીલતાને કારણે કોર્ટના પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી. સુનાવણી જોવા માટે વકીલો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેને કારણે કોર્ટમાં ભીડ થઈ ગઈ હતી.

અશોક ખરાત પર ગંભીર આરોપો

સુનાવણી દરમ્યાન સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના અધિકારી કિરણકુમાર સૂર્યવંશીએ કોર્ટમાં તપાસની માહિતી રજૂ કરતી વખતે ઘણાં ચોંકાવનારા તથ્યો જાહેર કર્યાં હતાં. આરોપીએ મહિલાઓને ચોક અને પેંડા ખાવા આપ્યા હતા અને પાણીમાં કેટલાક પદાર્થો ભેળવીને પીવા આપતો હતો, જેને કારણે એ પછી મહિલાઓ અસ્વસ્થતા અનુભવતી હતી અને પછી તે મહિલાઓનું શોષણ કરતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

સરકારી વકીલોએ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘તપાસ દરમ્યાન ૬,૫૩,૦૦૦ રૂપિયા રોકડા, બે લૅપટૉપ અને ગવર્નમેન્ટના ચિહ‍્નવાળી કાળી રિવૉલ્વર મળ્યાં છે. એની સાથે જ ૩૧ કારતૂસ પણ મળી છે, જેમાંથી પાંચ વપરાયેલી છે.’

પાંચ માનવબલિ આપવામાં આવ્યા હોવાની શંકા પોલીસે જણાવી છે. વકીલોએ ભાર મૂક્યો હતો કે અશોક ખરાત ૬૭ વર્ષનો છે અને ૩૦ વર્ષની યુવતીનું જાતીય શોષણ કરતો હોવાથી તેની માનસિકતા પ્રગટ થાય છે.

સિદ્ધ પુરુષ હોવાનો દાવો, વન્ય કાયદા હેઠળ કેસ પણ થઈ શકે

અશોક ખરાત પર એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે પોતાને સિદ્ધ પુરુષ કહીને તે લોકોને છેતરતો હતો. તે રિમોટ-કન્ટ્રોલથી ડોલતા નકલી સાપ અને વાઘની ચામડીનો ઉપયોગ કરીને ભય પેદા કરતો હતો. એવી પણ શંકા હતી કે કસ્તુરી જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને વન્યજીવન કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

અશોક ખરાતે કોર્ટમાં શું કહ્યું?

પોલીસ-કસ્ટડીમાં મોકલતાં પહેલાં ન્યાયાધીશે અશોક ખરાતને પૂછ્યું કે શું તું કંઈ કહેવા માગે છે? એના જવાબમાં અશોક ખરાતે કહ્યું હતું કે ‘મને સાપ અને વાઘ વિશે કંઈ ખબર નથી. આ હું પહેલી વાર સાંભળી રહ્યો છું. હું ક્યારેક મંદિરમાં જતો હતો. એ સમયે લગભગ ૧૦૦ લોકો મંદિરમાં રહેતા. હું શિવરાત્રિ અને શ્રાવણ મહિનાના સોમવારે જતો હતો. મેં પાંચ દિવસની કસ્ટડી દરમ્યાન પુછાયેલા બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે.’

કોર્ટમાં બન્ને પક્ષોએ શું કહ્યું?

દિવસમાં પૂરતી તપાસ કરવામાં આવી હતી : બચાવ પક્ષની દલીલ

બચાવ પક્ષે સામે દલીલ કરતાં કહ્યું હતું કે ૭ દિવસમાં પૂરતી તપાસ કરવામાં આવી હતી અને વધુ પોલીસ-કસ્ટડીની જરૂર નથી. એવી દલીલ કરવામાં આવી હતી કે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે અને જુડિશ્યલ કસ્ટડીમાં વધુ તપાસ કરી શકાય છે.

સરકારી પક્ષનું મક્કમ વલણ ગંભીર બાબતોની તપાસ હજી બાકી

સરકારી વકીલોએ દલીલ કરી હતી કે કેસનો વ્યાપ મોટો છે અને વધુ તપાસ માટે પોલીસ-કસ્ટડી જરૂરી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઈશાન્યેશ્વર મંદિરમાં કાનૂની, નાણાકીય વ્યવહારો અને અન્ય ગંભીર બાબતોની તપાસ હજી બાકી છે અને આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

અશોક ખરાતને જે કોઈએ મદદ કરી હશે

 તેને છોડવામાં નહીં આવે : દેવેન્દ્ર ફડણવીસ

અશોક ખરાત પ્રકરણ વિધાનસભામાં પણ ગાજી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે વિધાનસભામાં આ કેસ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘પોતે દૈવી અવતાર છે એમ કહીને અશોક ખરાતે મહિલાઓનું શોષણ કર્યું, તેમની યોનિમાં આંગળીઓ નાખીને અત્યાચાર કર્યો. મહિલાઓને તીર્થના નામે પોતાનો પેશાબ પીવડાવ્યો. આ પ્રકરણમાં કુલ ૮ ગુના દાખલ કરવામાં આવ્યા છે. અશોક ખરાતને જે કોઈએ મદદ કરી હશે તેને છોડવામાં નહીં આવે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને સમયે-સમયે એની માહિતી આપવામાં આવશે.’

અશોક ખરાતની મિલકતની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. અશોક ખરાત પાસે ૩૩ એકર જમીન, ફાર્મહાઉસ અને અન્ય જગ્યાએ આવેલા જમીનના પ્લૉટ, ફ્લૅટ, પનવેલ ખાતે આવેલી ૪૦ ગુંઠા જમીન, દીકરીના નામે પુણેમાં ફ્લૅટ, સિન્નરમાં મંગલ કાર્યાલય (મૅરેજ હૉલ) હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે, જે અંતર્ગત ૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જોકે તેણે તેના સંબંધીઓના નામે ખરીદેલી પ્રૉપર્ટીઓ અને જમીનોની તપાસ થઈ રહી છે. 

mumbai news mumbai ashok kharat case nashik sexual crime maharashtra government maharashtra news maharashtra Crime News