ગર્લફ્રેન્ડને પાછળ બેસાડી પૂરપાટ બાઇક ચલાવનાર યુવાનો પર પોલીસની તવાઈ

26 January, 2021 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગર્લફ્રેન્ડને પાછળ બેસાડી પૂરપાટ બાઇક ચલાવનાર યુવાનો પર પોલીસની તવાઈ

બાઇકર્સ પર નજર રાખી રહેલી પોલીસ

રાતના સમયે ખાસ કરીને મુંબઈનો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જ્યારે ખાલી હોય ત્યારે ગર્લફ્રેન્ડને પાછળ બેસાડી પૂરઝડપે બાઇક ચલાવી એના પર રોફ ઝાડનારા તથા રેસિંગ અને સ્ટન્ટના શોખીન યુવાનો પર હાલમાં ટ્રાફિક-પોલીસની તવાઈ આવી છે. શનિ-રવિવારે એમ બે રાતે પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવીને શનિવારે ૨૦ અને રવિવારે ૫૧ મળી ૭૧ બાઇકર સામે કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, આ ડ્રાઇવ હજી થોડા દિવસ ચાલુ રખાશે એમ ડીસીપી ટ્રાફિક નંદકુમાર ઠાકુરે જણાવ્યું હતું.

ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા આ યુવાનો બદલ માહિતી આપતાં ડીસીપી નંદકુમાર ઠાકુરે ‘મિડ-ડે’ને વધુમાં જણાવ્યું હતું કે ‘આ રેસના શોખીનોમાં ઝૂંપડપટ્ટીના યુવકો અને એજ્યુકેટેડ યુવાનો બન્નેનો સામાવેશ હોય છે. ગર્લફ્રેન્ડને પાછળ બેસાડીને તેને ઇમ્પ્રેસ કરવા આ યુવાનો ફુલ સ્પીડમાં બાઇક ચલાવતા હોય છે. એ ઉપરાંત યુવકો એમાં રેસ પણ લગાડે છે અને સ્ટન્ટ પણ કરતા હોય છે.

આ યુવાનો ખાસ કરીને બીકેસી અથવા રિક્લેમશન કે પછી દાદર-માહિમના રસ્તે આવી હાઇવે પકડતા હોય છે. આમ તો અમે પહેલાંથી જ જાણી લઈએ છીએ કે ક્યાંથી આ યુવાનો સ્ટાર્ટ કરે છે. ત્યાર બાદ આગળની તરફ બૅરિકેડ્સ લગાડીને અમારા કર્મચારીઓની ટીમ સાથે નાકાબંધી કરીએ છીએ. જોકે પોલીસની નાકાબંધી જોઈને એ લોકો તરત જ એ જ રસ્તા પર પાછા વળી જાય છે. એ વખતે તેમને પાછળ જતા પકડવામાં આવે છે ત્યારે બૅરિકેડ્સ જનરલી નથી હોતાં. અમારા કર્મચારીઓ જીવના જોખમે તેમને અટકાવે છે અને પકડે છે.

ગઈ કાલે અમારી સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હતા અને અમારા પોલીસ-કર્મચારીઓની ૨૦ જણની ટીમ હતી જેણે આ કાર્યવાહી કરી હતી.’

અમે તેમની સામે એફઆઇઆર કરી બેજવાબદારીથી વાહન ચલાવવા તથા રૅશ ડ્રાઇવિંગ હેઠળ ગુનો નોંધીએ છીએ, પણ એ જામીનપાત્ર ગુનો છે. અમે તેમનાં માતા-પિતાને બોલાવી તેમને સમજણ આપીને જામીન પર છોડી દઈએ છીએ, પણ બાઇક એક-બે મહિના માટે સીઝ કરી લઈએ છીએ. આ ડ્રાઇવ હાલમાં ચાલુ જ રહેશે.’ 

mumbai mumbai news mumbai police