પ્રેમિકાની બહેનના ઘરમાં ચોરી કરનાર પ્રેમી પકડાયો

07 December, 2022 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડુપ્લિકેટ ચાવીની મદદથી પ્રેમિકાની બહેનના ઘરમાં ઘૂસી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળીને ૫,૧૬,૦૦૦ રૂપિયાની ચોરી કરનાર પ્રેમીની કાશીમીરા પોલીસે ધરપકડ કરી

કાશીમીરા પોલીસે પ્રેમિકાની બહેનના ઘરેથી ચોરી કરનાર પ્રેમીની ધરપકડ કરીને માલ પાછો મેળવ્યો હતો

ડુપ્લિકેટ ચાવીની મદદથી પ્રેમિકાની બહેનના ઘરમાં ઘૂસી સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળીને ૫,૧૬,૦૦૦ રૂપિયાની ચોરી કરનાર પ્રેમીની કાશીમીરા પોલીસે ધરપકડ કરી છે અને તેની પાસેથી મતા જપ્ત કરવામાં આવી છે.

કાશીમીરામાં રહેતી પ્રિયંકા વિકી સિંહ બપોરે કોઈક કામસર બહાર ગઈ હતી ત્યારે અજાણ્યો ચોર ડુપ્લિકેટ ચાવીની મદદથી તેના ઘરનો દરવાજો ખોલીને અંદર ઘૂસી ગયો હતો. એ પછી ૨,૩૬,૦૦૦ રૂપિયાના સોનાના દાગીના અને ૨,૮૦,૦૦૦ રૂપિયા કૅશ મળી ૫,૧૬,૦૦૦ રૂપિયાની મતા ચોરાઈ હોવાની ફરિયાદ કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ અધિકારીઓની ટીમે ચોરી થઈ એ જગ્યાએ જઈને માહિતી મેળવી હતી. એ પછી ટેક્નિકલ પુરાવાનું વિશ્લેષણ કર્યું હતું.

પોલીસે કહ્યું હતું કે ‘શંકાના આધારે અમે વિજય પાર્કમાં રહેતા અભિષેક રાજેન્દ્ર સિંહની પૂછપરછ કરી ત્યારે જાણ થઈ કે ફરિયાદીની ૧૮ વર્ષની કઝિન બહેન મહેક સિંહ સાથે તેની ફ્રેન્ડશિપ હોવાથી તે ઘરે આવતો હતો. મહેક પોતાના ગામમાં ચાલી ગઈ ત્યારે અભિષેકે એ તકનો લાભ લઈ ઘરની ચાવી મેળવી લઈ એની ડુપ્લિકેટ ચાવી બનાવીને દરવાજો ખોલ્યો હતો. પોલીસે અભિષેકની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે ચોરેલો માલ તેણે તેના મિત્ર પ્રભાત વિષ્ણુ સિંહને રાખવા માટે આપ્યો હતો. જોકે ચોરાયેલી કૅશ તેના ઘરમાંથી મળી હતી.’

mumbai mumbai news Crime News mumbai crime news