બોલો, ચોરોની ટોળકીને પકડવા પોલીસને લેવી પડી ફાયરબ્રિગેડની મદદ!

21 October, 2011 03:37 PM IST  | 

બોલો, ચોરોની ટોળકીને પકડવા પોલીસને લેવી પડી ફાયરબ્રિગેડની મદદ!

 

 

અંકિતા શાહ


મલાડ, તા. ૨૧


મલાડમાં નાળું કૂદીને ગોદામમાં ચોરી કરતી ગૅન્ગને પકડ્યા બાદ તેમને નવડાવવા પણ પડ્યા

સુંદરનગર જંક્શન પાસે આવેલા ઍક્સિસ બૅન્કના એટીએમ (ઑટોમેટેડ ટેલર મશીન)માં નાઇટમાં ડ્યુટી કરી રહેલા સિક્યૉરિટી ગાર્ડે રાતના બે વાગ્યાની આસપાસ મલાડપોલીસને ચોરો કોઈ ગોડાઉનમાં ચોરી કરવા માટે ઘૂસતા હોવાનું ઇન્ફૉર્મ કર્યું હતું. રાતના અઢી વાગ્યે પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે આરોપીઓ રોડ પરથી નાળામાં કૂદીને ગોડાઉનના પાછળના દરવાજાનું તાળું તોડીને ઘૂસ્યા હતા. પોલીસ માટે પાંચ ફૂટથી વધુ ઊંડા આ નાળામાં કૂદીને ગોડાઉન તરફ જવું શક્ય નહોતું, કારણ કે ચોરોને પોલીસ આવી હોવાની જાણ થઈ શકે છે. પોલીસે આરોપીઓની રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં સુધી તેમણે ફાયરબ્રિગેડને બોલાવી લીધી હતી, પરંતુ ગોડાઉનમાં જઈને આરોપીઓ પકડાશે એ શક્ય નહોતું.

 


મલાડ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મનોહર હરપુડેએ ‘મિડ-ડે’ને આ વિશે કહ્યું હતું કે ‘ફાયરબ્રિગેડ પાસેથી લીધેલી મદદ પણ આરોપીઓને પકડવા માટે નકામી નીવડી હતી. ત્યાર પછી પોલીસની ટીમ આરોપીઓ ચોરી કરીને બહાર આવે એની રાહ જોઈ રહી હતી. ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યાની આસપાસ આરોપીઓ ગોડાઉનમાંથી સામાન નાળામાં ફેંકી નાળું કૂદીને બહાર રોડ તરફ આવી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.’


૨૮ વર્ષના સલીમ મુન્ના શેખ, બાવીસ વર્ષના વીરુ પટેલ, ૧૯ વર્ષના વિજય પંડિતની મલાડપોલીસે ધરપકડ કરી હતી; પરંતુ એક આરોપી નાળા પાસેથી ભાગી જવામાં સફળ થયો હતો. કાંદિવલી (વેસ્ટ)ના લાલજીપાડામાં આવેલી બીટ-ચોકી પાસે ફૂટપાથ પર રહેતા મોહમ્મદ સલીમ સમીર શેખની પોલીસે ધરપકડ કરી હતી. આ વિશે મનોહર હરપુડેએ વધુમાં કહ્યું હતું કે ‘ચારેય જણ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. નાળામાંથી ફાયરબ્રિગેડની મદદથી ૬૧ હજાર રૂપિયાનું ઍલ્યુમિનિયમનુંં મટીરિયલ જપ્ત કર્યું હતું. આરોપીઓ નાળામાંથી આવ્યા હતા એટલે ગંધ મારી રહી હતી. તેમને નવડાવવામાં આવ્યા હતા અને લૉક-અપ ભેગા કરાયા હતા.’

એક મહિના પહેલાં પણ ચોરી કરેલી


મલાડ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મનોહર હરપુડેએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે એક મહિના પહેલાં આ કારખાનામાંથી ત્રણ લાખ રૂપિયાની ઍલ્યુમિનિયમ પ્લેટની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ આરોપીઓએ આ માલમતા ભંગારમાં વેચી નાખી હતી અને પૈસા મેળવી લીધા હતા. આરોપીઓ બેરોજગાર હોવાથી પૈસા મેળવવા આવું કરતા હતા.’
તસવીર : નયન સહાણે