તમારી દૂધની થેલીમાંથી મીણની સુગંધ તો નથી આવતી ને?

09 January, 2021 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારી દૂધની થેલીમાંથી મીણની સુગંધ તો નથી આવતી ને?

આરોપી વેંકટેસ રાજાકોન્ડા

મુંબઈ પોલીસ ક્રાંઇમ બ્રાંચના અધિકારીઓએ દૂધમાં ભેળસેળ કરતાં એક આરોપીની એન્ટૉપ હિલમાંથી ધરપકડ કરી છે. તેની પાસેથી ૯૦ લિટર કરતાં વધુ ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું. મુંબઈ પોલીસ અને એફડીઆઇના અધિકારીઓએ મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં દૂધ ભેળસેળના ૫૫ કરતાં વધુ કેસ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. એ જોતાં મુંબઈ પોલીસે આ ભેળસેળ તમે કઈ રીતે ઓળખી શકો એનાથી લોકોને જાગૃત કર્યા છે.

મુંબઈ પોલીસ યુનિટ-૪ના ક્રાંઇમ બ્રાંચ અધિકારીઓને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર એન્ટૉપ હિલ વિસ્તારમાં દૂધનો વેપાર કરતો વેંકટેસ રાજાકોન્ડા નામક આરોપી પાસેથી ૯૦ લિટર નામાંકિત કંપનીઓનું ભેળસેળયુકત દૂધ મળી આવ્યું હતું. તેની પાસેથી વધુ માહિતી લેતાં તેણે જણાવ્યું હતું કે તે દૂધની થેલીઓના ખૂણામાં નાનું કાણું કરી ઇન્જેકશનના માધ્યમથી દૂધ બહાર કાઢતો અને કાઢેલ દૂધની બદલીમાં તેમાં પાણી મિક્સ કરતો. આવી પાણીયુકત થેલીઓ તે અનેક લોકોના ઘરે ડિલિવરી કરતો હતો.

ક્રાંઇમ બ્રાંચ યુનિટ-૪ના તપાસ અધિકારી અર્ચના પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જો તમારા ઘરે પેકિંગવાળું દૂધ આવે છે તો તમારે સજાગ થવાની જરૂર છે. આવેલી પેકિંગવાળી થેલીના બન્ને ખૂણા ચેક કરો, જો તમે ધ્યાનથી જોશો તો તમને રિ-પેકિંગ થયું હશે તો માલૂમ પડી જશે. એવી રીતે આવેલી થેલીના ઉપર અને નીચે સ્મેલ લ્યો, જેમાં તમને મીણબત્તીની સુગંધ આવે તો તમને ખબર પડી જશે કે તે રિ-પેકિંગ કરેલું છે. આરોપીઓ મીણબત્તીના મીણથી થેલીનું કાણું પૂરતા હતા.

mumbai mumbai news mumbai police crime branch antop hill