રેપકેસના આરોપી પાસેથી ૨૫,૦૦૦ની લાંચ સ્વીકારવા બદલ પોલીસની ધરપકડ

27 May, 2022 08:57 AM IST  |  Mumbai | Agency

ફરિયાદીએ એસીબી સમક્ષ ફરિયાદ કરી હતી. આરોપી પોલીસ સામે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં બળાત્કાર કેસના આરોપી પાસેથી ૨૫,૦૦૦ રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ ગુરુવારે એક પોલીસની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે છટકું ગોઠવીને કાશીમીરા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર ભામરેની લાંચ સ્વીકારતાં ધરપકડ કરી હતી એમ એસીબીના ઇન્સ્પેક્ટર સુરેશ ચોપડેએ જણાવ્યું હતું.
ફરિયાદી સામે બળાત્કાર અને છેતરપિંડીનો કેસ નોંધાયો હતો અને ડિસેમ્બર ૨૦૨૦માં બૉમ્બે હાઈ કોર્ટે આ મામલે તેના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. ફરિયાદીએ દાવો કર્યો હતો કે બળાત્કાર કેસની પીડિતા તેની પાસેથી વારંવાર નાણાંની માગણી કરતી હતી અને ફરિયાદી વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ પાસે જતી હતી.
આરોપી પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા તથા પીડિતા સાથે પતાવટ કરવા ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા હતા. મહેન્દ્ર ભામરેએ ઍડવાન્સપેટે ૨૫,૦૦૦ રૂપિયા સ્વીકારવા સંમતિ દર્શાવી હતી. એ પછી ફરિયાદીએ એસીબી સમક્ષ ફરિયાદ કરી હતી. આરોપી પોલીસ સામે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરીને મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

mumbai mumbai news Crime News