કોરોના વાઇરસથી પબ્લિકને બચાવતા પોલીસો અસુરક્ષિત

29 March, 2020 09:17 AM IST  |  Mumbai Desk | Dharmendra Jore

કોરોના વાઇરસથી પબ્લિકને બચાવતા પોલીસો અસુરક્ષિત

મુંબઇ પોલીસ

કોરોના વાઇરસના રોગચાળામાં ઇન્ફેક્શન લાગવાનું જોખમ ડૉક્ટરો પછી સૌથી વધારે પ્રમાણમાં પોલીસ જવાનોને હોય છે, પરંતુ તેમને કોઈ રક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. ખાસ કરીને રસ્તા પર ચોકીપહેરો ભરવાની ફરજ નિભાવતા નીચલા હોદ્દા પરના પોલીસ જવાનો અને તેમના પરિવારો પર સૌથી વધારે જોખમ હોય છે. વળી પોલીસ-સ્ટેશનોને ફાળવાયેલું ભંડોળ ઓછું હોવાથી સૅનિટાઇઝર્સ, ફેસ-માસ્ક અને હૅન્ડ-ગ્લવ્ઝ જેવાં સાધનોની પણ તંગી છે. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કોરોના-ઇન્ફેક્શનથી પબ્લિકને બચાવવા રસ્તા પર ભીડ ન થાય એની કાળજી રાખવાની ફરજ બજાવનારા પોલીસ જવાનોમાં હાઇપર ટેન્શન, ડાયાબિટીઝ અને શ્વાસની તકલીફના દરદીઓ પણ છે. સાવચેતીનાં પગલાં અને રક્ષણાત્મક સાધનોની જરૂરિયાત બાબતે સબ-ઇન્સ્પેક્ટર કક્ષાના તથા એનાથી ઉપરના સ્તરના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પોલીસ-સ્ટેશનોને સૅનિટાઇઝર્સ અને માસ્ક જેવી વસ્તુઓ ખરીદવા માટે ૧૦,૦૦૦ રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ આ સાધનોની જરૂરિયાત ટૂંકા ગાળા માટે નથી એથી સૅનિટાઇઝર્સ, માસ્ક અને ગ્લવ્ઝ જેવી ચીજોનો ભંડાર ખરીદવા માટે આ રકમ પૂરતી નથી. અમે જરૂર પડે ત્યારે અમારા ખર્ચે એ ચીજોનો જથ્થો ખરીદી લાવીએ છીએ. વળી અમે લોકોને બહાર ન નીકળવા અને ઘરે જવાની બળજબરી કરીએ ત્યારે અમારા પર અમાનવીય વર્તનનો આરોપ મૂકવામાં આવે છે એથી અમારા સ્ટાફનું માનસિક દબાણ પણ વધી જાય છે. મોબાઇલ યુનિટ્સનાં વાહનોમાં સૅનિટાઇઝર્સની જરૂર હોય છે. કૉન્સ્ટેબલના વર્કિંગ-અવર્સ વધી ગયા છે. એની સાથે તેમની માનસિક તાણ પણ વધે છે. કાળાબજારિયાઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા પચીસ લાખ માસ્કમાંથી મોટો ભાગ પોલીસ દળને આપવાનું નક્કી થયું હતુ,. પરંતુ ૬ લાખ માસ્ક મુંબઈ મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં મોકલાયા અને બાકીના હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં મોકલાયા. પોલીસને ફાળવાયેલો જથ્થો હજી સુધી પહોંચ્યો નથી.’

dharmendra jore mumbai police mumbai mumbai news coronavirus covid19