મોદીએ શિવસેનાનો ઉલ્લેખ પણ ન કર્યો

05 October, 2014 05:13 AM IST  | 

મોદીએ શિવસેનાનો ઉલ્લેખ પણ ન કર્યો




વરુણ સિંહ


લોકસભાની ચૂંટણીમાં BJPને શાનદાર જીત અપાવીને પ્રાઇમ મિનિસ્ટર બનેલા નરેન્દ્ર મોદી હવે પોતાની પાર્ટીને મહારાષ્ટ્ર  વિધાનસભાનો જંગ જિતાડવા મેદાને પડ્યા છે. ગઈ કાલે મહાલક્ષ્મી રેસકોર્સ મેદાનમાં મુંબઈમાં ચૂંટણીપ્રચારની શરૂઆત કરતાં નરેન્દ્ર મોદીએ ફરી એક વાર મરાઠીમાં ભાષણની શરૂઆત કરી હતી. ખાસ વાત એ હતી કે પોતાની સ્પીચમાં નરેન્દ્ર મોદી શિવસેના વિશે વાત કરવાથી દૂર રહ્યા હતા. જોઈએ શું-શું બોલ્યા મોદી...

BJPનો જન્મ મુંબઈમાં

મુંબઈની ધરતી પર જ BJPનો જન્મ થયો હતો અને લોકશાહીના ઇતિહાસમાં એવું ભાગ્યે જ બને છે કે એક યંગ પાર્ટી આજે ટૂંકા ગાળામાં વિશાળ બની ગઈ છે. છેલ્લાં ૧૫ વર્ષમાં કૉન્ગ્રેસ-NCPની સરકારે જે કામ કર્યા છે એનું વિશ્લેષણ કરી જુઓ એટલે આ ચૂંટણીમાં કોને વોટ આપવો એ મારે કહેવું જ નહીં પડે.

કૉન્ગ્રેસીઓમાં સ્પર્ધા

લોકસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા છતાં કેટલાય લોકો હજીયે મારી ટીકા કરવામાંથી ઊંચા નથી આવ્યા. હાલમાં કૉન્ગ્રેસના નેતાઓમાં સ્પર્ધા ચાલે છે કે મોદીની વધુ ને વધુ ટીકા કરીને કોણ પરેશાન કરી શકે છે. એવું લાગે છે કે તેઓ પોતાનો ભૂતકાળ ભૂલી ગયા છે. લોકસભાની ચૂંટણીને હજી પાંચ મહિના થયા છે. હવે ફરીથી તેમને તાકાત બતાડવાનો સમય આવી ગયો છે.

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર

આતંકવાદમાં સૌથી વધુ લોકો ક્યાં હોમાયા છે? ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર દેશનું એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ કોમી હુલ્લડો થયાં છે. તમારે આવી પરિસ્થિતિમાંથી છુટકારો જોઈએ છે કે નહીં?

ધર્મ કે પ્રદેશની વાત નહીં

હું ધર્મ કે પ્રદેશની વાત કરવા નથી માગતો. આપણે ધર્મ, નાત-જાત અને ભાષાના નામે લાંબા વખતથી લડતા આવ્યા છીએ. યુવા વર્ગ ડેવલપમેન્ટ ઇચ્છે છે, પરંતુ ૧૫ વર્ષથી રાજ ભોગવતા લોકો એને ભૂલી ગયા છે. હવે દેશમાં ‘સબકા સાથ સબકા વિકાસ’નું સૂત્ર ગુંજતું થયું છે. હવે મુંબઈએ નક્કી કરવાનું છે કે તેઓ મહારાષ્ટ્ર કોના હાથમાં સોંપવા માગે છે.

ગરીબો માટે કંઈક કરવું છે

હું મુંબઈના લોકોની જિંદગી સુધારવા માગું છું. હું તો એક નાનો માણસ છું અને ચા વેચીને આજે આ પદ પર પહોંચ્યો છું. હું નાની-નાની વાતોથી વાકેફ છું તેથી ગરીબો માટે કંઈક કરવા માગું છું. ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે મારું એક સપનું છે. ૨૦૨૨માં દેશ સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ (૭૫ વર્ષ) મનાવે ત્યારે ઝૂંપડાવાસીઓનાં પોતાનાં ઘર હોય એવું હું ઇચ્છું છું.

કયાં વચનો આપ્યાં?

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં BJPને પૂર્ણ બહુમતી આપવાનું કહીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમે નવી મુંબઈ ઍરપોર્ટનું કામ પૂરું કરીશું; સી-લિન્ક, મેટ્રો અને લોકલ રેલવે નેટવર્કમાં સુધારા કરીશું. તમે મેજોરિટી આપો તો અહીં BJPની સરકાર બનશે જે દિલ્હીને સાંભળશે અને દિલ્હી અહીંનું સાંભળશે. આવું BJPની સરકારમાં શક્ય બનશે. હું એવા વિશ્વાસથી આવ્યો છું કે તમે મને મુંબઈ અને મહારાષ્ટ્ર માટે કામ કરવાની તક આપશો.’

કૉન્ગ્રેસને અધિકાર નથી મારા ૬૦ દિવસનો હિસાબ માગવાનો

કેન્દ્રમાં મારી સરકારે ૬૦ દિવસમાં શું કર્યું એનો હિસાબ માગવાનો કૉન્ગ્રેસને કોઈ અધિકાર જ નથી એમ કહીને મોદીએ કૉન્ગ્રેસની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આ દેશમાં કૉન્ગ્રેસે ૬૦ વર્ષ સુધી રાજ કર્યું અને હવે એ મારી પાસે ૬૦ દિવસનો હિસાબ માગી રહી છે. હવે તો અમેરિકામાં પણ ભારતને નવી ઓળખ મળી છે અને એ દેશની સવા અબજ જનતાને આભારી છે. આજે દુનિયાભરમાં ઇન્ડિયા-ઇન્ડિયા થઈ રહ્યું છે એ કૉન્ગ્રેસના ૬૦ વર્ષના શાસનકાળમાં કેમ નથી થયું? આજે આ પાર્ટી મારી સરકારનો ૬૦ દિવસનો હિસાબ માગે છે? હું અમેરિકા ગયો ત્યારે પણ મારા મનમાં દેશની ગરીબી કેમ દૂર થઈ શકે એના જ વિચારો હતા.’