10 May, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદે સાથે વાતચીત કરતાં બધાનું ધ્યાન તેમની તરફ દોરાયું હતું.
પશ્ચિમ બંગાળમાં શપથગ્રહણ સમારોહ દરમ્યાન મંચ પર ઉપસ્થિત અનેક નેતાઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઔપચારિકતા દાખવી હતી, પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે ઊભા રહીને આત્મીયતાથી વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેને તેમની તાજેતરની હેલિકૉપ્ટરની ઘટના વિશે પૂછ્યું હતું. આ દરમ્યાન વડા પ્રધાને એકનાથ શિંદે સાથે લાંબી વાત કરીને તેમના સ્વાસ્થ્ય અને સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
વાસ્તવમાં ગુરુવારે એકનાથ શિંદે મહાલક્ષ્મી રેસકોર્સથી હેલિકૉપ્ટરમાં મુરબાડ એક પદાધિકારીને ત્યાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. હેલિકૉપ્ટર નવી મુંબઈ પહોચ્યું ત્યારે ભારે પવન અને વંટોળને કારણે ધૂળની ડમરી ઊડવાથી વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હતી. ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકૉપ્ટર ભટકી ગયું હતું અને અચાનક હવામાન બગડતાં ભારે પવન અને ઓછી વિઝિબિલિટીને કારણે પાઇલટે હેલિકૉપ્ટરને પાછું વાળવું પડ્યું હતું. આ ઘટના પછી રાજકીય અને વહીવટી સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં જ નાયબ પ્રધાન અજિત પવારનું વિમાન-અકસ્માતમાં નિધન થયું હતું.
ખાસ સાવચેતી રાખવાની સલાહ આપીને વડા પ્રધાને કહ્યું હતું કે વારંવાર પ્રવાસો અને ખરાબ હવામાન વચ્ચે સલામતી પર વિશેષ ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે. વડા પ્રધાનની આ આત્મીય ચિંતા અંગે ઉપસ્થિત નેતાઓમાં પણ ચર્ચા થઈ હતી.
કલકત્તાના કાલીઘાટ કાલી મંદિરમાં દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ગઈ કાલે સુવેન્દુ અધિકારીના શપથ સમારોહ માટે કલકત્તા ગયા હતા. એમાં જતાં પહેલાં તેમણે કાલીઘાટ કાલી મંદિરમાં દર્શન કર્યાં હતાં.