મનમોહનજી, અમારે ત્યાં આવીને જે જાહેરાતો કરો એનો સમયસર અમલ કરાવજો

16 August, 2012 06:13 AM IST  | 

મનમોહનજી, અમારે ત્યાં આવીને જે જાહેરાતો કરો એનો સમયસર અમલ કરાવજો

 

 

(શશાંક રાવ)

 

મુંબઈ, તા.16 ઓગસ્ટ, 2012

 

2006ના જૂન મહિનામાં વડા પ્રધાન મનમોહન સિંહે વર્સોવા-અંધેરી-ઘાટકોપરના પહેલા મેટ્રો રેલ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું કામ હજી પણ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે. હવે છ વર્ષ પછી વડા પ્રધાન મનમોહન સિંહ આવતી કાલે ફરી મુંબઈ આવીને કુલ 32 હજાર કરોડ રૂપિયાના રેલવેના બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરે એવી સંભાવના છે. રેલવેના આ બે મોટા પ્રોજેક્ટ છે 21 હજાર કરોડ રૂપિયાનો ઓવલ મેદાન-વિરાર એલિવેટેડ કોરિડોર અને બીજો છે 11 હજાર કરોડ રૂપિયાનો છત્રપતિ શિવાજી ટર્મિનસ-પનવેલ ફાસ્ટ કોરિડોર. આ બન્ને પ્રોજેક્ટનું મોનિટરિંગ વડા પ્રધાનના કાર્યાલયમાંથી જ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વડા પ્રધાન તેમના ડેલિગેશન સાથે મુંબઈની મુલાકાત લેશે અને આ બે કોરિડોરના ડેવલપમેન્ટ વિશે માહિતી મેળવવા માટે અહીં રાજ્ય સરકારના અને રેલવે અધિકારીઓને મળશે.


આ મુદ્દે વાત કરતાં રેલવેના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે આ બે પ્રોજેક્ટને લગતા અને મુદ્દાઓ વિશે અમારી રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાતચીત થઈ રહી છે. એક વખત વડા પ્રધાન આવશે એટલે દરેક મુદ્દાની સ્પષ્ટ અને સીધી છણાવટ થઈ જશે.