પ્લેટફોર્મ ટિકિટના ભાવ ફરી સામાન્ય થયા, આજથી આ સ્ટેશનોએ નહીં ચૂકવવા પડે ૫૦ રૂપિયા

25 November, 2021 06:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મધ્ય રેલવેના આદેશ મુજબ હવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલા તેની કિંમત 50 રૂપિયા હતી.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે ભારતીય રેલ્વે દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને હળવા કરવામાં આવી રહ્યા છે. મધ્ય રેલવેએ તેની પ્લેટફોર્મ ટિકિટની કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો છે.

મધ્ય રેલવેના આદેશ મુજબ હવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલા તેની કિંમત 50 રૂપિયા હતી. નવા દરો આજથી લાગુ થશે. ઓર્ડર મુજબ CSMT, દાદર, LTT, થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત હવે 10 રૂપિયા થઈ ગઈ છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, રેલવેએ પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારીને 50 રૂપિયા કરી દીધી હતી, જેથી પ્લેટફોર્મ પરની ભીડ ઓછી કરી શકાય. કોરોનાના સમયગાળા દરમિયાન રેલવેની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે સ્થિતિ સુધરી ત્યારે ભારતીય રેલ્વેએ ધીમે ધીમે ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરવાનું શરૂ કર્યું હતું.

અન્ય એક ટ્વિટમાં મધ્ય રેલવેએ મુંબઈ-પુણે અને મુંબઈ-ચેન્નઈ વચ્ચેની ટ્રેનો ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રેન નંબર 12127, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ હવે દરરોજ દોડશે. તે 1 ડિસેમ્બર 2021થી દરરોજ 6.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 9.57 કલાકે પુણે પહોંચશે.

આ સિવાય ટ્રેન નંબર 12128, 1 ડિસેમ્બર, 2021થી પુણેથી દરરોજ 17.55 કલાકે ઉપડશે. તે જ દિવસે 21.05 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન દાદર, થાણે, લોનાવાલા અને શિવાજી નગર ખાતે ઉભી રહેશે. ટ્રેનમાં બે એસી ચેર કાર અને 12 સેકન્ડ ક્લાસ સીટિંગ હશે.

mumbai news mumbai