13 October, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ પોસ્ટરો રિલીઝ કરીને તમામ મરાઠીઓને આ અભિયાનમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કબૂતરખાના પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ પણ આ મુદ્દે જીવદયાપ્રેમીઓ અને પ્રશાસન વચ્ચે ચકમક ઝરતી રહે છે. જૈનો દ્વારા રાજકીય પાર્ટી બનાવવાની વાતો સામે આવી એ પછી હવે ગઈ કાલે ‘આમ્હી ગિરગાંવકર સંઘટના’એ વિવાદાસ્પદ પોસ્ટરો સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં હતાં. તેમણે ‘કબૂતર ગો બૅક ટુ મારવાડ, રાજસ્થાન’ના સૂત્ર સાથેનાં આ પોસ્ટરો રિલીઝ કરીને તમામ મરાઠીઓને આ અભિયાનમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું.
થાણેમાં કબૂતર બચાવવા જતાં ફાયરમૅનનું મૃત્યુ
રવિવારે થાણેમાં ઓવરહેડ પાવર લાઇનમાં ફસાયેલા કબૂતરને બચાવતી વખતે ૨૮ વર્ષના ફાયર-ફાઇટરનું કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હતું અને અન્ય એક ઑફિસરને ઈજા થઈ હતી. સાંજે પાંચ વાગ્યાની આસપાસ દિવા-શીળ ફાટા રોડ પર સુદામા રેસિડેન્સી નજીક કબૂતર ફસાયું હતું. બચાવકામગીરી દરમ્યાન બે ફાયર-ઑફિસર લાઇવ વાયરના સંપર્કમાં આવ્યા હતા. તેમને ભારે કરન્ટ લાગ્યો હતો. તેમને તાત્કાલિક કલવા હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ફાયરમૅન ઉત્સવ પાટીલને ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો, જ્યારે આઝાદ પાટીલ હાથ અને છાતીમાં દાઝી ગયો હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.