કબૂતરને પકડીને દસ-દસ રૂપિયામાં વેચી નાખવાનો મલાડમાં ગોરખધંધો

27 December, 2012 06:03 AM IST  | 

કબૂતરને પકડીને દસ-દસ રૂપિયામાં વેચી નાખવાનો મલાડમાં ગોરખધંધો



સપના દેસાઈ

મુંબઈ, તા. ૨૭

મલાડના કાચપાડા વિસ્તારમાં અબોલ જીવ કબૂતરોને પકડીને એમને મારીને દસ-દસ રૂપિયામાં વેચી નાખવાનો અને જીવતાં સળગાવીને ખાઈ જવામાં આવતાં હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. એને પગલે મલાડના જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જાગ્યો છે.

મલાડ (વેસ્ટ)માં કાચપાડા વિસ્તારમાં કબૂતરો સાથે ક્રૂરતા આચરવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ સ્ટિંગ ઑપરેશન કરનારા જીવદયાનું કાર્ય કરતા અહિંસા સંઘના કાર્યકર સ્નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂજ્ય મુનિરાજ શ્રી વિરાગસાગરજી મહારાજસાહેબ અને પૂજ્ય મુનિરાજ વિનમ્રસાગરજી મહારાજસાહેબની પ્રેરણાથી અમે માંજાથી કપાઈ જતાં કબૂતરોની સેવા કરવાનું કામ  કરી રહ્યા હતા એ દરમ્યાન કબૂતરોની સંખ્યા ઘટી રહી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. વધુ તપાસ કરતાં કબૂતરોને પકડીને દસ-દસ રૂપિયામાં વેચી દેવામાં આવતાં હોવાની અને જીવતાં બાળીને ખાવામાં આવતાં હોવાની શૉકિંગ વાત જાણવા મળી હતી એટલે મંગળવારે આખો દિવસ કાચપાડા વિસ્તારમાં વૉચ રાખીને સ્ટિંગ ઑપરેશન કરીને અમે આખી વાત બહાર લાવ્યા હતા.’

મૂંગા પશુનો જીવ લેવાનું કામ કરતા લોકોના આખા કારનામાનું અમે વિડિયો-શૂટિંગ કર્યું છે એવું જણાવીને સ્નેહલ શાહે કહ્યું હતું કે ‘આ બનાવમાં સૌથી શૉકિંગ વાત એ છે કે કબૂતરો પકડવાનું કામ ટીનેજરો કરે છે. અમુક અસામાજિક તત્વો ૧૫ વર્ષથી નાની ઉંમરના છોકરાઓ પાસે કબૂતરો પકડાવે છે. આ ટીનેજરો ઇન્ડસ્ટ્રિયલ એરિયા, બિલ્ડિંગની ટેરેસ જેવી જગ્યાએથી કબૂતરો પકડે છે. એની સામે તેમને મામૂલી રકમ મળે છે. દસ-દસ રૂપિયામાં વેચવામાં આવતાં આ કબૂતરોને ખાવાના શોખીનો જીવતાં સળગાવીને ટેસ્ટથી ખાઈ જાય છે.’

વિનમ્રસાગરજી મહારાજસાહેબે આ બનાવ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા આવા હલકા પ્રયાસોને અમે શાંતિથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે પોલીસને ફરિયાદ કરી છે એટલે એ શું પગલાં લે છે એની અમે બે-ત્રણ દિવસ રાહ જોઈશું. બે-ત્રણ દિવસની અંદર પોલીસે કોઈ પગલાં ન લીધાં તો પછી આવી પ્રવૃત્તિ બંધ કરાવવા અમારે અમારી રીતે પોલીસ પર દબાણ લાવવું પડશે.’

મલાડ પોલીસ-સ્ટેશનમાં આ બાબતે પૂછપરછ કરતાં પોલીસે ફરિયાદ આવી હોવાની કબૂલાત કરી હતી, પણ એની સામે શું ઍક્શન લીધી છે એ કહેવાનો ઇનકાર કર્યો હતો.