પેવર બ્લૉક્સે બગાડી નાખ્યો ભાંડુપનો રસ્તો

03 October, 2012 08:07 AM IST  | 

પેવર બ્લૉક્સે બગાડી નાખ્યો ભાંડુપનો રસ્તો



રોહિત પરીખ

ભાંડુપ-વેસ્ટનો રેલવે-સ્ટેશનથી લઈને પોલીસ-સ્ટેશન સુધીનો એલબીએસ માર્ગ (લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ) પેવર બ્લૉક્સથી મૉડર્ન આર્ટનો નમૂનો બની ગયો છે. આ રસ્તો મુખ્ય માર્ગ હોવા છતાં એક પણ જગ્યાએથી સમથળ ન હોવાથી આ વિસ્તારમાં મુંબઈથી મુલુંડ જતાં અને મુલુંડથી મુંબઈ તરફ જતાં વાહનોની સ્પીડ ઘટતાં અહીં હંમેશાં ટ્રાફિક જૅમ રહેતો હોવાની સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોની ફરિયાદ છે. આ ફરિયાદ સામે સુધરાઈ ઠાલાં વચનો આપવા સિવાય કોઈ જ પગલાં લેતી નથી.

આ માહિતી આપતાં આ વિસ્તારના રહેવાસી મધુસૂદન જોબલિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વષોર્થી સાયનથી મુલુંડ સુધીનો એલબીએસ માર્ગ પહોળો થશે અને એનું નૂતનીકરણ થશે એવી સુધરાઈની વાતો સંભળાય છે, પરંતુ બે દસકા પછી પણ એમાં તસુભારનો સુધારો થયો નથી. રસ્તાના નૂતનીકરણના બહાને ભાંડુપ સ્ટેશનથી ભાંડુપ પોલીસ-સ્ટેશન સુધીના રસ્તા પર આડેધડ પેવર બ્લૉક્સ બેસાડી રસ્તાને ટકાવી રાખવામાં આવ્યો છે. આ પેવર બ્લૉક્સ સમય જતાં જમીનમાં નીચે ઊતરી જતા હોય છે તેમ જ બે પેવર બ્લૉક્સ વચ્ચે ગૅપ થઈ જતાં રસ્તો મૉડર્ન આર્ટના નમૂના જેવો બની જાય છે. આ રસ્તા પર જે રીતે દિવસ-રાત વાહનોનો ધસારો રહે છે એ રીતે રસ્તો સમથળ હોવો જરૂરી છે. મોટા ભાગનો આ રસ્તો સિમેન્ટ-કૉન્ક્રીટનો બનેલો છે. સુધરાઈનાં કોઈ પણ કારણોસર આ સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તાના અનેક ભાગોમાં પૅચવર્ક રૂપે પેવર બ્લૉક્સ બેસાડવામાં આવ્યા છે જેનું કાર્ય રાતોરાત પૂરું કરવાનું હોવાથી રોડ કૉન્ટ્રૅક્ટર રસ્તાની ગુણવત્તા પર કાળજી રાખતા નથી અને એને કારણે સમય જતાં રસ્તો સમથળ રહેતો નથી.’

સમથળ રસ્તો ન હોવાથી રિક્ષા, બાઇક અને મારુતિ ૮૦૦ જેવી નાની ગાડીઓ આ રસ્તા પર સ્પીડમાં હાંકવામાં આવે તો અકસ્માત થવાની પૂરેપરી શક્યતાઓ રહેલી છે એમ જણાવતાં મધુસૂદન જોબલિયાએ કહ્યું હતું કે ‘અકસ્માતની શક્યતાઓ નિવારવા માટે આવાં વાહનોએ આ રસ્તા પર એની સ્પીડ ઘટાડવી જરૂરી છે. આ કારણે આ રસ્તો બારે માસ રાત-દિવસ ટ્રાફિકથી જૅમ રહે છે. આ સિવાય અહીંનાં ડિવાઇડર પણ બધાં તૂટીને રસ્તાની વચ્ચોવચ વીખરાયેલાં પડેલાં છે. આ બાબતમાં અનેક વાર સુધરાઈના અધિકારીઓનું ધ્યાન ખેંચવા છતાં એના માટે કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી.’