૧૦૦ લીટરે અંદાજે ચાર લીટર પેટ્રોલ-ડીઝલ ઓછું અપાતું હતું

18 June, 2017 05:55 AM IST  | 

૧૦૦ લીટરે અંદાજે ચાર લીટર પેટ્રોલ-ડીઝલ ઓછું અપાતું હતું



થાણે ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયન ઑઇલ કંપનીના બે પેટ્રોલ પમ્પ પર રેઇડ પાડીને ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવાના કૌભાંડનો પર્દાફાશ કરીને એક કચ્છી સહિત બે જણની ધરપકડ કરી હતી.

ઉત્તર પ્રદેશના પેટ્રોલ પમ્પો પર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ ઓછું અપાતું હોવાનું કૌભાંડ તાજેતરમાં પકડાયા બાદ થાણેના વાગળે એસ્ટેટના રોડ-નંબર ૧૬ પરથી એક

પેટ્રોલ પમ્પ પર અને શુક્રવારે રાતે માનપાડાના એક પેટ્રોલ પમ્પ પર ક્રાઇમ બ્રાન્ચે રેઇડ પાડીને ઇલેક્ટ્રૉનિક ચિપની કરામત વડે ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું.

થાણેના પોલીસ-કમિશનરે ઘટનાસ્થળની મુલાકાત લઈને કઈ રીતે ચિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે એનું નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં અને રાજ્યમાં અનેક પેટ્રોલ પમ્પો પર પોલીસની ટીમ રેઇડ કરવા ગઈ હોવાનું પોલીસ-કમિશનરે જણાવ્યું હતું.

પોલીસ-સૂત્રોએ જણાવ્યા અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં વિપુલ દેઢિયા અને અન્ય એક આરોપી સામેલ છે. 

શું છે કાર્યપદ્ધતિ?

 પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ અને ડીઝલના ડિસ્પેન્સિંગ યુનિટના અંદરના ભાગે પલ્સર નામના હિસ્સામાં એક ચિપ બેસાડવામાં આવે છે. આ ચિપ્સને પેટ્રોલ ભરી આપતા કર્મચારીઓ કમાન્ડ આપીને પેટ્રોલ ઓછું આપી શકે છે. આ કમાન્ડમાં કેટલી માત્રામાં ઓછું કે વધુ આપી શકાય એવી સુવિધા હોય છે. પેટ્રોલ-ડીઝલ ગ્રાહકના વાહનમાં થોડું રોકીને આપવામાં આવે છે. આ મેથડથી એક લીટરે ૨૦થી લઈને ૫૦ મિલીલીટર પેટ્રોલ-ડીઝલ ઓછુંપુરાય છે. 


પોલીસ શું કહે છે?


 થાણેના પોલીસ-કમિશનર ઑફ પોલીસ પરમવીર સિંહે જણાવ્યું હતું કે ‘તોલમાપ નિયંત્રણ વિભાગની મદદથી ઇન્ડિયન ઑઇલ કંપનીના એક પેટ્રોલ પમ્પ પર શુક્રવાર રાતે અને ગઈ કાલે બીજા એક પેટ્રોલ પમ્પ પર રેઇડ કરવામાં આવી હતી. કૌભાંડ એટલી હદે પકડવું મુશ્કેલ હતું કે ઍડ્વાન્સ ટેક્નૉલૉજી સિસ્ટમનો ઉપયોગ ગ્રાહકને પેટ્રોલ-ડીઝલ ઓછું આપવા માટે થઈ રહ્યો હતો. પમ્પ પરના ડિસ્પેન્સિંગ યુનિટમાં ટેમ્પરિંગ કરાયું હોવાનું સ્પષ્ટ જોઈ શકાતું હતું. અંદાજે ૧૦૦ લીટરે ચાર લીટર પેટ્રોલ કે ડીઝલ ઓછું આપીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર અમે એક પેટ્રોલ પમ્પના માલિક અને એક મૅનેજરની આ કેસમાં ધરપકડ કરીને વધુ વિગત તપાસવા એ ઇલેક્ટ્રૉનિક્સ ચિપને લૅબોરેટરીમાં તપાસ માટે મોકલી આપી છે.’