મુંબઈમાં પેટ્રોલના ભાવ ૧.૨૦ રૂપિયા ઘટ્યાં

16 November, 2012 03:30 AM IST  | 

મુંબઈમાં પેટ્રોલના ભાવ ૧.૨૦ રૂપિયા ઘટ્યાં



પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ ૯૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે ગઈ કાલ મધરાતથી અમલમાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે ઑક્ટોબર મહિના પછી સતત બીજી વાર પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વૅટ અને લોકલ સૅલ્સ-ટૅક્સના આધારે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલની કિંમતમાં અલગ-અલગ ઘટાડો થયો છે. અગાઉ ૯ ઑક્ટોબરે પેટ્રોલની કિંમતમાં ૫૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પણ ત્યાર બાદ પેટ્રોલ-પમ્પના ડીલરોના કમિશનમાં સરકારે વધારો કરતાં પેટ્રોલના ભાવમાં ફરી ૨૯ પૈસાનો વધારો થયો હતો.

ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ૧.૨૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યારે ૭૪.૭૩ રૂપિયે લિટર મળતું પેટ્રોલ હવે ૭૩.૫૩ રૂપિયામાં મળશે. ચેન્નઈમાં ૭૧.૭૭ રૂપિયાને બદલે હવે ૭૦.૫૭ રૂપિયે લિટર પેટ્રોલ મળશે. કલકત્તામાં પેટ્રોલમાં ૧.૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એને પગલે હવે ૭૪.૫૫ રૂપિયે લિટર પેટ્રોલ મળશે.

વૅટ = વૅલ્યુ ઍડેડ ટૅક્સ