મુંબઈમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે

20 January, 2021 11:27 AM IST  |  Mumbai | Rohit Parikh

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે

રાજેન્દ્ર ભાલેરિયા, ધર્મેન્દ્ર જોશી, પ્રવીણ સી. ગાલા, રાકેશ પંચાલ, મિતેશ મોદી

સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો થતાં જ મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમજનક સ્તરે પહોંચી ગયા છે અને મુંબઈમાં એ ૯૧.૮૦ રૂપિયા થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી કોરોનાને લીધે અસંખ્ય લોકો બેકાર થઈ ગયા છે ત્યારે આ રીતે પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો થવાથી આમઆદમીની મુસીબતોમાં જબરદસ્ત વધારો થયો છે.

આવા સંજોગોમાં ‘મિડ-ડે’એ જે લોકો સાથે વાત કરી તેમાંથી મોટા ભાગનાનું કહેવું છે કે સરકારે પેટ્રોલ, ડીઝલના ભાવને કન્ટ્રોલમાં રાખવો જોઈએ અને આ રીતે લોકોને આર્થિક હાડમારીનો સામનો ન કરવો પડે એનું ધ્યાન રાખવું જોઈએ. ઓછામાં ઓછું એક વર્ષ સુધી ભાવવધારો રોકી દેવો જોઈએ. અત્યારે અનેક લોકોની નોકરી જોખમમાં છે, બિઝનેસમાં જબરી મંદી છે, આવક-જાવકને સરભર કરવી મુશ્કેલીભર્યું છે ત્યારે આ ભાવવધારાથી સામાન્ય જનતા પર મોટો આર્થિક ફટકો પડશે.

ગ્રાહકો અને ઇન્ડસ્ટ્રી બન્નેને ભારી પડશે

ઈંધણના વધતા ભાવથી અને ખાસ કરીને ડીઝલના ભાવવધારાથી માલસામાનની ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધતાં મોંઘવારી હજી વધશે. સરકારે આવા કપરા સમયમાં જનતા અને ભારતીય ઉદ્યોગોને મોંઘવારીના વમળમાંથી બહાર કાઢવા તુરંત દખલ દેવી આવશ્યક છે. ઈંધણને તુરંત જીએસટી અંતર્ગત લઈ લેવું આવશ્યક છે, જેથી ભાવવધારો કાબૂમાં આવી શકે. કારણકે હમેશાં જ્યાં ટૅક્સના દર વધારે હોય ત્યાં ચોરી થવાનાં ચાન્સિસ વધુ હોવાથી પૈસો સરકારી તિજોરીને બદલે અધિકારીઓના ગજવામાં ચાલ્યો જતો હોય છે. 

મિતેષ મોદી, બિઝનેસમૅન,

મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)

જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થશે

સરકાર સામાન્ય માણસની મુશ્કેલી હળવી કરવાને બદલે એમાં વધારો કરી રહી છે. સરકાર હંમેશાં ટૅક્સની કમાણીમાં વધુ ધ્યાન આપે છે, એની બદલે સામાન્ય માણસની મુશ્કેલી તરફ ધ્યાન આપવું જોઈએ. ઘરમાં ઘરવખરીના સામાનના ભાવ, શાકભાજીના ભાવ અને જીવનજરૂરી વસ્તુના મજબૂરીમાં ભાવ વધુ આપવા પડે છે. આ બાજુ મુંબઈની લાઇફલાઇન ટ્રેનને સામાન્ય માણસ માટે શરૂ કરવામાં આવતી નથી. અત્યારે સામાન્ય જનતા રોડ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સીધા ટ્રાન્સપોર્ટ પર થતાં સામાન્ય જનતા તેના બજેટને સરભર કરવામાં નિષ્ફળ જશે. સરકારને તેમની તિજોરીની ચિંતા છે. બાકી તો ટૅક્સ પર નિયંત્રણ લાવીને સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ પર અંકુશ લાવી શકે છે. 

ધર્મેન્દ્ર જોશી, બિઝનેસ, ભાઈંદર

ભાવ નિયંત્રણ કરવાનો રસ્તો શોધે

પેટ્રોલના ભાવ દિવસે અને દિવસે આસમાને પહોંચી ગયા છે એ વાત સાચી છે. આજે ૯૧.૮૦ સુધી પહોંચી ગયા અને એની અસર ચોક્કસ મધ્યમ વર્ગના લોકો ઉપર પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી તેની સીધી અસર જીવનજરૂરિયાતની વસ્તુઓ પર પડે છે. લૉકડાઉન પછી લોકોની આવક ઓછી થઈ છે અને ખર્ચામાં અધધધ વધારો થયો છે. સરકારે ભાવ કન્ટ્રોલમાં રાખવો જોઈએ. આમ જ રહેશે તો ૨૦૨૧માં પેટ્રોલ ૧૦૦ રૂપિયા ટચ કરી દેશે તો નવાઈ નથી.

રાકેશ પંચાલ 

બિઝનેસમૅન, કાંદિવલી

સરકારી ખર્ચમાં કાપ મૂકો

આજે જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તેમાં લગભગ બે-તૃતિયાંશ જેટલી રકમ ગવર્નમેન્ટ ટૅક્સની છે. જ્યારે બાકીનો ભાગ જ ઑઈલ કંપનીઓ માટે રહે છે. આમ સરકાર તેની બજેટની ખાધ ઑઈલ આઇટમોમાંથી સરભર કરી રહી છે, જ્યારે તેનો માર સામાન્ય જનતા એમાં પણ મધ્યમવર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો પર સૌથી મોટો પડે છે. જીવનજરૂરિયાતની બધી જ વસ્તુઓ ટ્રાન્સપોર્ટ પર નભે છે. રોજબરોજ વધતાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ નિયંત્રણ લાવવા માટે અમુક મહિનાઓ સુધી ભાવને ફિક્સ કરી દેવા જરૂરી છે.

પ્રવીણ સી. ગાલા

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, દાદર

દુકાળમાં અધિક માસ

દિન-પ્રતિદિન જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતી જાય છે. અનેક લોકો આજે પણ સમયસર પગાર મેળવતા નથી. દુકાનદારો પાસે બિઝનેસ નથી. આ સમયમાં સામાન્ય જનતાને આર્થિક મુસીબતોમાંથી બહાર લાવવાને બદલે સરકાર દ્વારા અનેકવાર કરવામાં આવેલાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી સામાન્ય જનતા માટે દુકાળમાં અધિક માસ જેવી હાલત થઈ છે. સરકારે ઓછામાં ઓછાં એક વર્ષ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. અનેકવાર આ બન્ને આઇટમોને જીએસટીમાં આવરી લેવાનાં સૂચનો આવ્યાં પણ સરકારને તેમની આવક ઓછી કરવામાં રસ નથી. ખેડૂતો પર પણ આની જબરદસ્ત અસર થશે.

રાજેન્દ્ર ભાલેરિયા, બિઝનેસમૅન, વાલકેશ્વર

મોટરબાઇક ઘરમાં મૂકી દેવી પડી

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી અમારા ઘરખર્ચ પર તો અસર થઈ છે, પણ સૌથી મોટી અસર અમને જૉબ પર પહોંચવામાં થઈ છે. ત્રણ વર્ષ પહેલાં કલવાથી મારા પતિ જે હૉસ્પિટલમાં નોકરી કરે છે ત્યાં જવા માટે મોટરબાઇકનો ઉપયોગ કરી રહ્યા હતા. પેટ્રોલના ભાવ વધતાં હવે તેમણે બાઇકને ઘરમાં જ મૂકી દીધી છે અને તેઓ રોજ ત્રણ ટ્રેન બદલીને નવી મુંબઈ જૉબ પર પહોંચે છે. અમારા બજેટમાં મહિને ૩૦૦૦ રૂપિયાનો બાઇકનો ખર્ચ અમને પોષાતો નથી. સરકારે મિડલ ક્લાસ ફૅમિલીની હાલતનો અભ્યાસ કરવો જરૂરી છે. પમીલા મોરે, કલવા

આજના પેટ્રોલ અને ડીઝલના અલગ-અલગ શહેરોના ભાવ

(લીટર દીઠ રૂપિયામાં)

શહેર       પેટ્રોલ          ડીઝલ

દિલ્હી       ૮૫.૨૦       ૭૫.૩૮

મુંબઈ       ૯૧.૮૦        ૮૨.૧૩

ચેન્નઈ      ૮૭.૮૫        ૮૦.૬૭

કલકત્તા     ૮૬.૬૩       ૭૮.૯૭

mumbai mumbai news