અબકી બાર, નક્કર કામ કરો યાર

22 October, 2014 07:21 AM IST  | 

અબકી બાર, નક્કર કામ કરો યાર

રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટમાં BJPના ઉમેદવાર પ્રકાશ મહેતા સતત છઠ્ઠી વાર વિધાનસભ્ય બન્યા છે. તેમના ક્ષેત્રમાં ૧,૩૯,૭૨૪ મતદાતાઓએ કરેલા મતદાનમાંથી તેમને ૬૭,૦૧૨ મત મળ્યા હતા. તેમની આ જીતથી BJPની છાવણીમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે આ જીતમાં જાણકારો તેમનાં કાયોર્ની જીતને બદલે નરેન્દ્ર મોદીની લહેર જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે ‘જીતની સિક્સર કરતાં ઘાટકોપર માટે વિકાસલક્ષી કાયોર્ની સિક્સર વધુ મહત્વની છે. મોદી રોજનાં પાંચ કાર્યો કરે છે, પ્રકાશભાઈ મહિનાનું એક વિકાસલક્ષી કાર્ય પાર પાડે તો ઘાટકોપરની રોનક જ બદલાઈ જાય. હવે તો સરકાર પણ BJPની આવશે તો બહાનાબાજી કરવાનો મોકો નહીં રહે.’

જાણકારોએ આ સંદર્ભમાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પ્રકાશ મહેતાએ ઘાટકોપરના વિકાસ માટે સંનિષ્ઠ કાર્યો કર્યા હોત તો ઘાટકોપરનું નામ આજે મુંબઈના એક અનોખા ઉપનગરમાં આવ્યું હોત. જ્યારે ૨૦૦૯ના ઑક્ટોબરમાં થયેલી તેરમી વિધાનસભાની ચૂંટણીમાં ૧,૨૪,૧૫૬ મતોમાંથી પ્રકાશ મહેતાને ૪૩,૬૦૦ મત જ મળ્યા હતા. ત્યારે તો શિવસેના તેમની સાથે હતી તો પણ પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસના ઉમેદવાર વીરેન્દ્ર બક્ષીથી ફક્ત ૧૦,૪૧૫ની જ સરસાઈ તેમને મળી હતી. એ સમયે કૉન્ગ્રેસની ટિકિટ ન મળવાને કારણે અપક્ષ તરીકે લડી રહેલા સામાજિક કાર્યકર રાજા મીરાણીને ૧૫,૧૭૩ મત મળ્યા હતા. વીરેન્દ્ર બક્ષીને મળેલા ૩૩,૧૮૫ મતોમાં રાજા મીરાણીને મળેલ મત જોડવામાં આવે તો પ્રકાશ મહેતા ઓછામાં ઓછા ચાર હજાર મતથી હારી ગયા હોત.’

મુંબઈની એક બિનસરકારી સંસ્થાએ એ સમયે પણ પ્રકાશ મહેતાને તેમની નિષ્ક્રિયતા માટે છેલ્લો નંબર આપ્યો હતો અને આ ચૂંટણી પહેલાં પણ આ સંસ્થાએ તેમને છેલ્લા નંબર પર રાખ્યા હતા. આમ છતાં દેશની સાથે મહારાષ્ટ્રને કૉન્ગ્રેસમુક્ત બનાવવાની નેમ સાથે અહીંની પ્રજાએ ફરીથી એક વાર પ્રકાશ મહેતાને જીત અપાવી હતી. આ બાબતમાં જાણકારો કહે છે કે ફક્ત ઘાટકોપરવાસીઓએ જ નહીં, BJPના કાર્યકરોએ પણ સોમૈયા ગ્રાઉન્ડમાં મોદીની જાહેરસભા સાંભળ્યા બાદ આ નેમ કરી હતી. ત્યાં સુધી તેઓ પણ અસમંજસ પરિસ્થિતિમાં હતા. મોદીની વાક્છટા અને તેમણે આપેલા વિશ્વાસે વાતાવરણ ફેરવી નાખ્યું હતું. સૌએ એક જ નર્ણિય લીધો હતો કે કોઈ પણ સંજોગોમાં મોદીના હાથ મજબૂત કરવા અને મુંબઈ-મહારાષ્ટ્રના વિકાસ માટે BJPના જ ઉમેદવારોને જિતાડવા.

આ જ વિશ્વાસ હજી ટકી રહે એમ અહીંની પ્રજા ઇચ્છે છે. સોમવારે ‘મિડ-ડે’માં ‘ગુરુ સામે ચેલાની કારમી જીત’ના સમાચાર વાંચ્યા પછી અમારા વાચક કેતન ગડાએ ફોન કરીને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું નરેન્દ્ર મોદીનો પ્રેમી છું. મેં પણ BJPને જ મત આપ્યો છે. મહેતાસાહેબ ભલે બાપ હોય, પણ જો તેઓ જનતાના ટચમાં ન રહે તો આવનાર દિવસોમાં બેટાને બાપ બનતાં વાર નહીં લાગે. તેમના સંપર્ક-નંબર જાહેર કરી અમારી ફરિયાદો અને ઘાટકોપરના વિકાસ પર ધ્યાન આપવું જરૂરી છે.’આ અગાઉ પણ પ્રકાશ મહેતાએ અહીંની પ્રજાને ઘણાં વચનોની લહાણી કરી છે. આ ચૂંટણીમાં પણ તેમણે તેઓ આવતાં વષોર્માં કયાં કાર્યો કરશે એની સૂચિ બહાર પાડી છે. આ કાર્યો પર મિડ-ડે LOCALની નજર રહેશે અને સમયે-સમયે મિડ-ડે LOCAL એનો જવાબ પણ માગશે.

પ્રકાશ મહેતાનાં નવાં વચનો

વિદ્યાવિહાર ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલ ઓવરબ્રિજ.


જવાહર રોડ, મહાત્મા ગાંધી રોડથી જવાહર રોડ અંધેરી-લિન્ક રોડને ટચ કરવામાં આવશે.


રેલવે-સ્ટેશન પાસેના હીરાચંદ દેસાઈ રોડનું


અંધેરી-લિન્ક રોડ સાથે જોડાણ.


ડૉ. કેશવ બલિરામ હેડગેવાર ઉદ્યાનમાં થીમ ગાર્ડનનો પ્રોજેક્ટ, જેનું ભૂમિપૂજન થઈ ગયું છે.


વિદ્યાવિહારથી સાંતાક્રુઝ લિન્ક રોડ અટૅચ થાય એવા માર્ગનું નિર્માણ.

આ સિવાય લોકોની માગણી

ગારોડિયાનગર-નાથપૈનગર, જગડુશાનગર, સાંઈનાથનગર, સ્વામી લીલા શાહ સોસાયટી, દામોદર પાર્ક આ વિસ્તારો હજીયે પ્રાઇવેટ લે-આઉટમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા ન હોવાથી હજી નાગરી સુવિધાની સમસ્યા છે જેને હલ કરવી જેથી આ વિસ્તારોને સારા રસ્તા અને ડ્રેનેજ લાઇનો મળે.


ઘાટકોપર ઈસ્ટ અને વેસ્ટના બ્રિજની કથળેલી હાલત સુધારવી.


ઘાટકોપર-અંધેરી લિન્ક રોડનાં અધૂરાં રહેલાં કામની પૂર્ણાહુતિ કરાવવી જેથી અંધેરી જવામાં વધુ સુગમતા થાય.


પંતનગરનાં મ્હાડાનાં અનેક બિલ્ડિંગોનાં રીડેવલપમેન્ટનાં કાર્યો અટકેલાં છે એનો ઉકેલ લાવવો.


૫. ગારોડિયાનગરમાં અનેક ગાર્ડનનાં ડેવલપમેન્ટનાં કામ અટકેલાં છે. એના પર ધ્યાન આપવું.