લાઇટ બિલ ભરવાના અલ્ટિમેટમની ખિલાફ લોકો લડી લેવાના મૂડમાં

21 January, 2021 09:35 AM IST  |  Mumbai | Mehul Jethva

લાઇટ બિલ ભરવાના અલ્ટિમેટમની ખિલાફ લોકો લડી લેવાના મૂડમાં

તસવીર સૌજન્ય જાગરણ

લૉકડાઉન દરમ્યાન મુંબઈ ઉપરાંત થાણેમાં અનેક લોકોને જંગી બિલ આવ્યાં હતાં. જેમાં હજારો રૂપિયાનો વધારો થતાં વિરોધી પક્ષના નેતાઓએ આંદોલન પણ કર્યું હતું. આ આંદોલન જોતાં સરકાર દ્વારા જંગી બિલની સામે લોકોને રાહત આપવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું એ જોતાં લોકોએ બિલ ભર્યાં નહોતાં. જોકે ગઈ કાલે મહારાષ્ટ્ર રાજ્ય વીજળી મંડળ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે જે ગ્રાહકો બિલ નહીં ભરે તેઓનું પાવર કનેક્શન કટ કરવામાં આવશે.
લૉકડાઉન બાદ મોટા બિલોને કારણે અનેક લોકોએ પોતાનાં બિલ નથી ભર્યાં. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આખા રાજ્યમાં ૬૩,૦૦૦ કરોડની બિલ વસૂલાત બાકી છે. જોકે નવા પરિપત્રે આ લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. આમ છતાં તેઓ લડી લેવાના મૂડમાં છે.
આ સંબંધી મુલુંડમાં રહેતા જનક કેસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે એક તરફ કોરોનાનો કેર, ઉપરથી આવા મોટાં જગી બિલો, મારું બિલ પહેલાં ૨૦૦૦ જેટલું આવતું હતું, લૉકડાઉનના જૂન મહિનાથી મારા બિલમાં એકસાથે ૩૦૦૦નો વધારો થયો હતો. હાલ સુધીમાં આવતાં બિલોમાં પણ સરેરાશ વધારો જોવા મળી જ રહ્યો છે. મારું ૩૫,૦૦૦ રૂપિયાનું બિલ હજી સુધી ભરવાનું બાકી છે. સરકારે જાહેરમાં ઘોષણા કરી હતી કે તમારાં જગી બિલો માટે કોઈ નિવેડો કાઢવામાં આવશે. જોકે ગઈ કાલે મહાવિતરણે કરેલા અનાઉન્સમેન્ટ બાદ હું શોક થઈ ગયો છું. એ ઉપરાંત મેં આ મોટા બિલ માટે મુખ્ય પ્રધાનને પણ પત્ર લખ્યો હતો, પણ તેઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. જ્યાં સુધી મેં લખેલા પત્રનો જવાબ નહીં મળે ત્યાં સુધી હું આ બિલ નથી ભરવાનો.
આ સંદર્ભે મુલુંડના રહેવાસી ગજેન્દ્ર પિપાડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે એવું હોઈ શકે કે લોકો લૉકડાઉનમાં ઘરે હોય તો બિલ વધારે આવે, પણ મારી તો ઑફિસ ચાર મહિના બંધ હતી, એનું પણ મને ૨૫,૦૦૦ બિલ આવ્યું છે. સરકારે આપેલા આશ્વાસન પર મેં બિલ ભર્યું નહોતું, જોકે હવે મારે કોની પાસે ફરિયાદ કરવા જવું એ એક સવાલ બની રહ્યો છે.
મહારાષ્ટ્ર રાજ્ય વીજળી મંડળના મુખ્ય જનસંપર્ક અધિકારી અનિલ કામળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બિલ નહીં ભરવાથી વીજ મંડળને મોટી નુકસાની જઈ રહી છે. એથી જે લોકોએ બિલ ન ભર્યું હોય એ તુરંત બિલ ભરી નાખે અન્યથા તેઓનું લાઇટ કનેકશન કાપવામાં આવશે.

mumbai mumbai news mehul jethva