લોકલમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અભેરાઈ પર

16 February, 2021 10:12 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

લોકલમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અભેરાઈ પર

તસવીર: સૈયદ સમીર અબેદી

પહેલી ફેબ્રુઆરીથી વેસ્ટર્ન અને સેન્ટ્રલે સમયમર્યાદા પ્રમાણે સર્વસામાન્ય મુસાફરોને પ્રવાસ માટે અનુમતિ આપી હતી. ભલે મુંબઈગરાઓએ લોકલ ટ્રેન ચાલુ કરાતાં હાશકારો લીધો હોય, પરંતુ મુંબઈની લાઇફ લાઇનમાં કોરોનાના નિયમોનું પાલન થતું ન હોવાથી મુંબઈમાં કોરોનાનો ગ્રાફ ફરી એક વખત વધતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર શાસન, રેલવે અને પ્રવાસી ત્રણેયની બેદરકારીને લીધે મુંબઈમાં કાબૂમાં આવેલી પરિસ્થિતિ ફરી એક વાર કન્ટ્રોલ બહાર જતી રહેવાની બધાને ચિંતા સતાવા લાગી છે.

પોલીસ ગાયબ

એક ફેબ્રુઆરીના જે જીઆરપી, આરપીએફ, મહાનગરપાલિકાનો સ્ટાફ સ્ટેશનો પર જોવા મળ્યો એ હવે દેખાતો ન હોવાનું ખુદ પ્રવાસીઓનું કહેવું છે. અમુક જ સમયે પોલીસ નજરે ચડતી હોય છે. બપોરે ૧૨ વાગ્યા પછી પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી હોવાથી ત્યારે ટિકિટ લેવા લાંબી લાઇન લાગેલી જોવા મળે છે. બોરીવલી સ્ટેશન પરના એન્ટ્રી, એક્ઝિટ પર તપાસ કરતાં પ્રવાસીઓ આરામથી અવરજવર કરતા અને માસ્ક મોઢા નીચે રાખીને ચાલતા જોવા મળ્યા હતા. મોટા ભાગનાં સ્ટેશનો પર પણ કંઈ પૂછવામાં આવતું નથી. સમયમર્યાદા વખતે પણ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હોવાનું દેખાઈ આવ્યું છે. માસ્ક નહીં પહેરવા પર જેવી કાર્યવાહીની વાત થતી એવું ખાસ કંઈ જોવા મળી રહ્યું નથી.

નો માસ્ક - નો સોશ્યલ ડિસ્ટન્સિંગ

નામ ન આપવાની શરતે રેલવેના એક ઓફિસરે કહ્યું કે ‘પહેલા દિવસથી મહારાષ્ટ્ર શાસનને કહેવામાં આવી રહ્યું છે કે ઑફિસ ટાઇમ સ્ટેગરિંગ કરવાનું ખૂબ જરૂર છે, જેથી પ્રવાસીઓની ભીડ એકસાથે લોકલ ટ્રેનમાં ન થાય. પહેલાંની જેમ પ્રવાસીઓ પ્રવાસ કરવા લાગ્યા છે, લાખો લોકો પ્રવાસ કરી રહ્યા છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું તો શક્ય જ નથી. બીજી બાજુ અનેક પ્રવાસીઓ માસ્ક વગર કે માસ્ક ગળા પાસે રાખીને પ્રવાસ કરતા હોય છે. ટ્રેનની અંદર બેસતાંની સાથે જ માસ્ક દૂર કરી લે છે. કોરોનાના મુખ્ય નિયમો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાથી કેસ વધી રહ્યા છે. પ્રવાસીઓએ પોતે પણ સતર્ક થઈને સાવચેતી રાખવાની જરૂર છે. કાળજી ન રાખવામાં આવી તો કોરોનાનો ગ્રાફ હજી ઉપર જતા સમય નહીં લાગશે.’

નજર રાખવી એક ચૅલેન્જિંગ કામ

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના કમિશનર રવીન્દ્ર સેનગાંવકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જીઆરપી, આરપીએફ વિવિધ મહાનગરપાલિકા સાથે મળીને માસ્ક વગર પ્રવાસ કરતા પ્રવાસીઓ પર કાર્યવાહી કરી રહી છે. રેલવે પોલીસ તો સ્ટેશનો પર તહેનાત જ છે અને કાર્યવાહી પણ કરી રહી છે, પરંતુ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ટ્રેનની અંદર અને સ્ટેશન પરિસરમાં પાલન થઈ રહ્યું નથી. એક ફેબ્રુઆરીથી સમયમર્યાદા પ્રમાણે સર્વસામાન્યને પરવાનગી મળતાં લાખો પ્રવાસીઓ પ્રવાસ કરવા લાગ્યા છે. એટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પર નજર રાખવી એ એક ચૅલેન્જિંગ કામ છે. રેલવે પોલીસ દરેક એન્ટ્રી, એક્ઝિટ પર રહે એ વિશે ફરી સ્પેશ્યલ મીટિંગ કરવામાં આવશે તેમ જ માસ્ક વગરના પ્રવાસીઓને કંઈ રીતે રોકવા એ વિશે પણ ચર્ચા થશે.’

શું લોકલના કારણે કોવિડના કેસ વધી રહ્યા છે? એવો સવાલ પૂછતાં તેમણે કહ્યું કે આ સંદર્ભે સ્ટડી ચાલી રહી છે, એથી હાલમાં કંઈ કહી શકાશે નહીં.

માસ્ક વગરના કેસ પર વધુ ફોકસ

સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર સચિન ભાલોડેએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મોટાં સ્ટેશનો પર એડિશનલ સ્ટાફ મળીને ૫૦ જેટલો આરપીએફ સ્ટાફ તહેનાત કરાયો છે, જ્યારે નાનાં સ્ટેશનો પર ૨૦થી ૨૫ જેટલો આરપીએફ સ્ટાફ મુકાયો છે. માસ્ક વગર પ્રવાસ કરતા પ્રવાસીઓને ફાઇન કરવાનું કામ ચાલી જ રહ્યું હતું, પરંતુ કેસ વધી રહ્યા હોવાથી હવે વધુ ફોકસ કરી રહ્યા છીએ. સ્ટેશનો પર વારંવાર અનાઉન્સમેન્ટ, સૅનિટાઇઝરનો ઉપયોગ જેવા તમામ પ્રિકોશન વિશે પ્રવાસીઓને કહેવાતું હોય છે.’

4500 - આટલાં જીઆરપી પોલીસ દળ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે સ્ટેશનો પર તહેનાત રાખવામાં આવ્યાં છે.

કેટલા પ્રવાસીઓ પ્રવાસ કરે છે?

વેસ્ટર્ન રેલવેમાં દરરોજ અંદાજે ૧૮થી ૨૦ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે, જ્યારે સેન્ટ્રલ રેલવેમાં આશરે ૨૨થી ૨૩ લાખ પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે.

માસ્ક વગરના પ્રવાસીઓ પર કાર્યવાહી...

એક ફેબ્રુઆરીથી લઈને ૧૪ ફેબ્રુઆરી સુધી સેન્ટ્રલ રેલવેમાં માસ્ક વગર પ્રવાસ કરતા ૨૦૬૦ પ્રવાસીઓની જ્યારે વેસ્ટર્ન રેલવેમાં ૨૫૫૮ પ્રવાસીઓની વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.

coronavirus covid19 mumbai mumbai news mumbai local train preeti khuman-thakur