વૅક્સિન વેસ્ટેજ

23 January, 2021 09:19 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

વૅક્સિન વેસ્ટેજ

ફાઈલ તસવીર

કોરોનાને માત આપવા માટે કોરોનાની વૅક્સિન આપવાની શરૂઆત થયાને એક અઠવાડિયું થઈ ગયું છે છતાંય કોરોનાની વૅક્સિન લેવા માટે હજીયે લોકોના મનમાંથી ડર જતો નથી, જેને લીધે કોવૅક્સિનના કેટલાક ડોઝનો વેડફાટ થઈ રહ્યો છે. જે. જે. હૉસ્પિટલમાં કોરોના સેન્ટરમાં ભારત બાયોટેકની કોવૅક્સિન આપવામાં આવી રહી છે ત્યારે લોકોનો જોઈએ એવો પ્રતિસાદ ન સાંપડતાં ૩ દિવસમાં ૧૩ ડોઝનો વેડફાટ થયો છે. કોવૅક્સિનની એક વાયલ (બૉટલ)માં વીસ ડોઝ હોય છે. એક બૉટલ ખોલ્યા પછી ચાર કલાક સુધી એનો ઉપયોગ કરી શકાય છે. જો આ સમયગાળામાં વૉલન્ટિયરને વૅક્સિન આપવામાં ન આવે તો આ વૅક્સિન ફેંકી દેવાનો વારો આવે છે.

જે. જે. હૉસ્પિટલ સહિત મહારાષ્ટ્રમાં ભારત બાયોટેકની કોવૅક્સિનના અંદાજે ૮૯ ડોઝનો વેડફાટ થયો છે. આ બાબતે જે. જે. હૉસ્પિટલના કમ્યુનિટી મેડિસિનના અસોસિએટ પ્રોફેસર ડૉ. લલિત શંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવૅક્સિનની એક વાયલમાં વીસ ડોઝ હોય છે. લોકો દ્વારા પૂરતો પ્રતિસાદ ન મળતાં કોવૅક્સિનના ૩ દિવસમાં ૧૩ ડોઝનો વેડફાટ થયો છે. જોકે હવે વેડફાટ વધુ થાય નહીં એ માટે અમે કો-વિન ઍપમાં રજિસ્ટર્ડ થયેલા લોકોને ફોન કરીને પહેલાં બોલાવી લઈશું એવી કોઈ તો સ્ટ્રૅટેજી કે પ્લાનિંગ કરીશું જેથી ડોઝ વેડફાય નહીં. જોકે એક વાયલમાં વીસની જગ્યાએ પાંચ ડોઝ હોય તો કોવૅક્સિનના ડોઝનો વેડફાટ થતો અટકાવી શકાય એમ છે. આ મેસેજ અમે લાગતાવળગતાં લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. પહેલા દિવસે જે. જે. હૉસ્પિટલમાં ૩૯, બીજા દવસે ૧૩ અને ત્રીજા દિવસે ૧૫ જણે કોવૅક્સિન લીધી હતી. અમે

અમારા તરફથી દરેક પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છીએ કે વધુને વધુ લોકો કોવૅક્સિન લે.’

આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતે હું ઇન્ક્વાયરી કરીને જે પણ ફેરફાર કરવાની જરૂર હશે એ કરવાના આદેશ આપીશ. આ સિવાય જો લોકોના કાઉન્સેલિંગની જરૂરિયાત હશે તો એ પણ શરૂ કરવામાં આવશે. હવે પછી આવું ન થાય એ માટે અમે પૂરતી તકેદારી રાખીને જરૂરી પગલાં લઈશું.’

coronavirus covid19 mumbai mumbai news jj hospital urvi shah-mestry