ડ્રગ્સની હેરાફેરી કરવા પેડલરોની નજર હવે સ્કૂલનાં બાળકો પર

19 February, 2021 08:21 AM IST  |  Mumbai | Diwakar Sharma

ડ્રગ્સની હેરાફેરી કરવા પેડલરોની નજર હવે સ્કૂલનાં બાળકો પર

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ડ્રગ્સના સોદા પર ત્રાટકતી ઍન્ટિ-નાર્કોટિક પોલીસની નજરથી બચવા પેડલર્સે હવે નવો માર્ગ અપનાવતાં તેમનાં સમાજવિરોધી કૃત્યો માટે સ્કૂલ જતાં બાળકો સહિત ટીનેજર્સની ભરતી કરવાની શરૂઆત કરી છે. ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ટીનેજર્સમાં મોટા ભાગે તેમનો સરળ શિકાર મનાતાં ઝૂંપડપટ્ટીનાં બાળકોનો સમાવેશ થાય છે. તેમની સ્કૂલ-બૅગ, આંતર્વસ્ત્રો, મોજાં અને વાળમાં ડ્રગનાં નાનાં પૅકેટ કઈ રીતે છુપાવવાં એની તાલીમ અપાય છે. એના બદલામાં તેમને રોકડા રૂપિયા ચૂકવાય છે અથવા માદક દૃવ્યોની લત લગાડાય છે.

ધારાવી, સાયન, કુર્લા, શિવાજીનગર, બાંદરા, માલવણી, ઍન્ટૉપ હિલ જેવી ઝૂંપડપટ્ટીમાં રહેતી કેટલીક વયસ્ક મહિલાઓ તેમના ઝૂંપડામાં પ્રતિબંધિત કફ સિરપ કે ટૅબ્લેટ્સ રાખે છે, જે પછીથી ટીનેજર્સને તેમના વિસ્તારના ગ્રાહકોને વેચવા કે તેમના શરીરમાં કે અન્ય સ્થળે છુપાવીને બહાર વેચવા માટે મોકલવામાં આવે છે.

મુંબઈ પોલીસના ઍન્ટિ નાર્કોટિક્સ સેલના એક અધિકારીએ કહ્યું હતું કે તેમના અધિકારીઓએ સ્કૂલ-કૉલેજોની બહાર શોધ આદરી છે, પણ હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. મોટા ભાગના પેડલર્સ નાઇજિરિયન હોય છે. જોકે કેટલાક સ્થાનિક લોકો પણ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

એએનસીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દત્તા નલાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ટીનેજર્સને ડ્રગ્સના વેચાણમાં સંડોવતા પેડલર્સને પકડવા અમે શંકાસ્પદ વિસ્તારોમાં અવારનવાર રેઇડ પાડીએ છીએ. જોકે અમે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ટીનેજર્સને ડ્રગ પેડલર્સથી બચાવવા માટે જાગરૂકતા ફેલાવવાની યોજના ઘડી રહ્યા છીએ.

mumbai mumbai news mumbai police diwakar sharma